મોરબી :ભારતમાં મોરબીને સિરામિક હબ ગણવામાં આવે છે. મોરબીની આસપાસના વિસ્તારમાં લગભગ 1,000 જેટલા સિરામિકના કારખાના આવેલા છે. તેમાંથી 200 જેટલા સિરામિક કારખાના ઉત્પાદકો દ્વારા સદંતર રીતે બંધ કરી દેવામાં આવ્યાં છે. હાલમાં મંદી અને મોંઘવારીના માહોલ વચ્ચે ઉદ્યોગકારો માટે ટકવું મુશ્કેલ બની ગયું છે.
મંદી વચ્ચે હરીફાઈમાં ટકવું મુશ્કેલ :ઇન્ટરનેશનલ માર્કેટમાં મંદી હોવાના કારણે મોરબી સિરામિક ઉધોગની માઠી દશા થઈ છે. ગેસના ભાવમાં સતત વધારો અને એન્ટી ડમ્પિંગ ડ્યુટીમાં વધારા સહિતની મુશ્કેલીઓને કારણે ભારતનો સિરામિક ઉધોગ ચીન સામે ટક્કર લઇ શકતો નથી. બીજી બાજુ માલની ડિમાન્ડ ન હોવાથી મોટાભાગના ગોડાઉન તૈયાર માલથી છલકાઈ રહ્યા છે, જેથી આગામી એકાદ મહિનામાં વધુ 150 જેટલા કારખાનાની અંદર શટડાઉન લેવામાં આવે એવી શક્યતા છે.
સિરામિક ઉધોગ પર મંદીનું ગ્રહણ : એક મહિનામાં 200 યુનિટો બંધ (ETV Bharat Gujarat) એક મહિનામાં 200 યુનિટ બંધ :મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ હરેશભાઈ બોપલિયાએ જણાવ્યું કે, હાલમાં સિરામિક ઉદ્યોગ પુષ્કળ મંદીનો સામનો કરી રહ્યો છે. આશરે 200 યુનિટ સદંતર બંધ થઈ ગયા છે, જે હવે ચાલુ થઈ શકે એમ નથી. આગામી એકાદ મહિનામાં વધુ 150 જેટલા કારખાનાની અંદર શટડાઉન લેવામાં આવે એવી શક્યતા છે.
આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજાર :એક્સપોર્ટમાં સારી ડિમાન્ડ હતી, પરંતુ કન્ટેનરમાં ભાડામાં 5 થી 6 ગણો વધારો થવાના કારણે એક્સપોર્ટ પણ બંધ થવા જેવી સ્થિતિમાં જ છે. ડોમેસ્ટિક વેપારમાં પૂરતી ડિમાન્ડ નથી. આ વખતે અંદાજે નિકાસ 20 હજાર કરોડ પર જવાનો હતો, પરંતુ ભાડા વધારાના કારણે તે અટકી ગયો છે. US માં થતા નિકાસ પર એન્ટી ડમ્પિંગ પ્રોસેસ ચાલુ થઈ છે. એના કારણે ત્યાં પણ નિકાસ સદંતર બંધ જેવી હાલતમાં જ છે. ડોમેસ્ટિક બજારમાં પરંતુ ટર્નઓવર નથી, ગોડાઉનો ફૂલ થઈ ગઈ ગયા છે, કારખાના બંધ થવાના આરે છે.
નવી ટેકનોલોજી ભારે પડી :ટેકનોલોજીમાં આવતા બદલાવના કારણે જુના કારખાનાની મશીનરી જૂની થઈ ગઈ છે. સામે નવા પ્લાન્ટમાં નવી મશીનરી હોય છે. એટલે બંનેમાં પડતર કોસ્ટનો ફરક જોવા મળે છે. આ ઉપરાંત રો-મટીરીયલ કોસ્ટ અને ગેસની કિંમતમાં વધારો થયો છે, તેથી જૂના યુનિટમાં પડતર કોસ્ટ ઊંચી આવી છે. આથી નાના અને જૂના યુનિટો માર્કેટમાં ટકી શકતા નથી અને યુનિટો બંધ કરવા પડે એવી પરિસ્થિતિ આવી ગઈ છે.
છેલ્લા 10 વર્ષની સ્થિતિ :સિરામિક ઉદ્યોગનો ગ્રોથ અટકવા વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષ દરમિયાન એક્સપોર્ટ અને ડોમેસ્ટિકમાં સારો ગ્રોથ હતો. નિકાસ વધી હતી અને ડોમેસ્ટિકમાં ડિમાન્ડ પણ વધી હતી. પરંતુ છેલ્લાં બે વર્ષથી ડોમેસ્ટિકમાં નફો નથી રહ્યો. નિકાસમાં વધારો થયો હતો, પરંતુ એની સામે એન્ટી ડમ્પિંગના અલગ અલગ દેશોમાં અલગ અલગ પ્રશ્નો આવે છે, તેના હિસાબે અત્યારે એક્સપોર્ટમાં જોઈએ એવો ગ્રોથ જોવા મળતો નથી.
ગુજરાત ગેસની મોનોપોલી :હાલમાં ગુજરાત ગેસ કંપની દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગમાં નેચરલ ગેસ સપ્લાય કરવામાં આવે છે. વર્ષ 2006 થી એની મોનોપોલી હોવાને કારણે અન્ય કોઈ કંપની મોરબીમાં પાઇપલાઇન નેટવર્ક મારફતે ગેસ સપ્લાય કરી શકતી નથી, જેથી મોરબીના ઉદ્યોગકારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
સિરામિક ઉદ્યોગકારોની માંગ :મોરબી સિરામીક એસોસિએશન દ્વારા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સુધી રજૂઆત કરીને મોરબીમાં નેચરલ ગેસ સપ્લાય કરવા માટે ઓપન સ્પેસ એટલે કે કોઈપણ કંપની મોરબીના સિરામિક ઉદ્યોગકારોને પાઇપલાઇન મારફત નેચરલ ગેસ આપી શકે એવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જોકે, એને હજુ સુધી સ્વીકારવામાં આવી નથી. હાલમાં કેન્દ્ર અને ગુજરાત બંનેમાં ભાજપ સરકાર છે, તેમ છતાં મોરબીના સિરામિક ઉદ્યોગકારોના હિતમાં નિર્ણય લેવામાં આવતો નથી.
- સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં ફરી કરાયો ભાવ વધારો
- અમેરિકાએ ભારતથી આયાત થતી ટાઈલ્સ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટીની માંગ કરી