મોરબી: મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. અગાઉ જાહેરાત થયા બાદ તાજેતરની કેબીનેટ બેઠકમાં મંજૂરીની મહોર લાગી ચુકી છે. મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળવાથી નગરમાં ખુશીની લહેર છવાઈ છે, ત્યારે આવો જાણીએ મોરબીને મહાપાલિકા બનાવવા માટે તંત્રએ કેવી તૈયારીઓ શરુ કરી છે. સિરામિક એસોસિયેશનના પ્રમુખ તેમજ ઉદ્યોગપતિઓએ આશાવાદ વ્યક્ત કર્યો છે.
ઝોન બનાવવા સહિતની કામગીરી કરવામાં આવશે: મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા અંગે જીલ્લા કલેકટર કે.બી.ઝવેરી જણાવી રહ્યા છે કે, 'રાજ્ય સરકારે અગાઉ જાહેરાત કરી હતી તે મુજબ કેબીનેટ બેઠકમાં મંજૂરી આપી મહાપાલિકા આપવાની અમલવારી કરવામાં આવી છે. મોરબી મહાપાલિકામાં 9 ગ્રામપંચાયતનો સમાવેશ કરવામાં આવશે, જેથી 137 સ્ક્વેર કિલોમીટર એરિયા તેમજ 5 લાખની વસ્તી થઇ જશે. રાજ્ય સરકારે મ્યુનિસિપલ કમિશ્નર તરીકે રાજકોટમાં ફરજ બજાવતા સ્વપ્નનીલ ખરેને જવાબદારી સોપી છે. જેઓ અનુભવી છે જેથી ઝોન બનાવવા, વોર્ડ બનાવવા સહિતની આનુસંગિક કામગીરી ઝડપથી થશે. તેમના અનુભવનો લાભ મોરબીની પ્રજાને મળશે અને ઝડપી કામગીરીથી વિકાસને વેગ મળશે.
સિરામિક ઉધોગકારોએ પણ ખુશી વ્યકત કરી: મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળવા અંગે ખુશી વ્યક્ત કરતા મોરબી વોલ ટાઈલ્સ એસોશિયેશનના પ્રમુખ હરેશભાઈ બોપલીયાએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે મોરબીમાં રોડ રસ્તા, ટ્રાફિક સહિતના પ્રશ્નોનું હવે કોર્પોરેશન થતા હલ થશે. નાગરિકોની સુવિધામાં વધારો થશે. અગાઉ ઉદ્યોગકારો સુવિધાના અભાવે મોટા શહેરમાં વસવાટ કરતા હતા. જે હવે મોરબીમાં જ રહેશે. સિરામિક સહિતના ઉદ્યોગમાં આગ લાગવાના બનાવો સમયે મોરબીની ફાયર સુવિધા ઉણી ઉતરે છે. મહાપાલિકા મળતા આધુનિક ફાયર સુવિધા પણ મળશે. જેથી ઉદ્યોગને આકસ્મિક સંજોગોમાં ફાયદો થશે.