મહેસાણા: શું તમારા ઘરમાં ઉંદર છે ? શું તમારી દુકાનમાં ઉંદર છે ? શું તમારા ગોડાઉનમાં ઉંદર છે ? અને તમે ઉંદર મારવા તેની પાછળ પડ્યા છો ? તો જરા ચેતી જજો. જો તમે ઉંદર પાછળ પડ્યા, તો પોલીસ તમારી પાછળ પડશે. જી હા, મહેસાણામાં ઉંદર પડકવા ગ્લુ ટ્રેપ મૂકનાર અને વેચનાર વિરૂદ્ધ પોલીસે 5 થી વધુ પોલીસ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. કેમ ઉંદરને મારવા જતા પોલીસ તમારા ઘર કે દુકાન સુધી પહોંચી શકે છે ? ચાલો જાણીએ...
ઉંદર પર અત્યાચાર કર્યો તો તમારી ખેર નથી. ઉંદર તમારા ઘર, દુકાન કે પછી ગોડાઉનમાં ઘૂસી જાય તો એને મારવાની હિંમત હવે ન કરતા. જો ઉંદર પર અત્યાચાર કરશો તો તમને પોલીસ પકડી જશે. ભલે ઉંદર ફરિયાદ નહીં કરે.
મહેસાણા જિલ્લામાં 5 જેટલી દુકાનોમાંથી ઉંદર પકડવાના ગ્લુ ટ્રેપ મૂકનાર અને વેચનાર વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો છે. મહેસાણાના આંબલીયાસણમાં 2 દુકાનદાર-વેપારીએ ગ્લુ ટ્રેપ વેચવાની ભૂલ કરી હતી. ઉમિયા જનરલ સ્ટોર અને બ્રાહ્મણી કંગન સ્ટોરમાં ઉંદર પકડવાની ટ્રેપ પકડાતા પોલીસે બંને વેપારીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી બંનેની અટકાયત કરી હતી. ઉપરાંત મહેસાણા શહેરમાં પણ 3 જગ્યાએ ન્યુ દાંતીવાડા બીજ નિગમ, ભારત એગ્રો અને એમ્કો બ્રધર્સ પર પોલીસે રેડ કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે સાથે કડીમાં પણ વધુ એક ફરિયાદ દાખલ થઈ હતી.
હવે તમને વિગતે જણાવીએ કે મામલો શું છે: તમને જણાવી દઈએ કે, મહેસાણા જિલ્લામાં ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ)ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું 9 ડિસેમ્બરથી 6 ફેબ્રુઆરી 2025 સુધી અમલમાં રહેશે.
ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ) જેને ગ્લુ-બોર્ડ અથવા સ્ટીકી તરીકે પણ ઓળખવામાં આવે છે તે બિન-ઘાતક અથવા પ્રતિબંધિત છે. આ ગ્લુ-બોર્ડનો ઉપયોગ મોટાભાગે ઉંદરોને પકડવા માટે થાય છે. જયારે ઉંદર ગ્લુટ્રેપ વાળી સપાટી પર ચાલે છે અથવા ઉતરે છે ત્યારે ગુંદરની જાળમાં પકડાયા પછી પોતાની રીતે મુકત કરવામાં અસમર્થ છે, જેના પરિણામે ડીહાઈડ્રેશન, ભુખમરો અને ગુંગળામણના કારણે આખરે ઉંદર પીડાદાયક મૃત્યુ પામે છે.
નામદાર ગુજરાત હાઈકોર્ટમાં થયેલ Writ Petition (PIL) 28/2024 સંદર્ભે 18 મે 2024ના ઓરલ ઓર્ડરથી પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની જોગવાઈઓની ચૂસ્તપણે અમલવારી કરવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ-1960ની કલમ-11 મુજબ કોઈપણ પ્રાણીને બિનજરૂરી પીડા, વેદના ન આપવા અંગે જોગવાઈ થઈ છે. જે અન્વયે પોલીસ અધિક્ષક, મહેસાણાના પત્રથી મહેસાણા જિલ્લામાં ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ)ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ મહેસાણા જિલ્લાની હદ વિસ્તારમાં ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ)ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મુકવા આદેશ કર્યો છે.