10થી 12 તારીખ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે રાજકોટ : આર્ય સમાજના સ્થાપક એવા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200ની જન્મ જયંતિની ટંકારા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. મોરબીના ટંકારા ખાતે આગામી તારીખ 10 થી 12 સુધી વિવિધ કાર્યક્રમો યોજનાર છે. જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સાથે રાજ્યપાલ તેમજ કેન્દ્રીય મંત્રી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો હાજરી આપશે.
વર્ચ્યુઅલ સંબોધન કરશે પીએમ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ટંકારા ખાતે સ્વામી દયાનંદ સરસ્વતીના અનુયાયીઓને વર્ચ્યુઅલ સંબોધન પણ કરવાના છે. રાષ્ટ્રપતિ મોરબી ખાતે આવતા હોય તેને લઈને વહીવટીતંત્ર એલર્ટ થયું છે તેમજ ઉજવણી તૈયારીઓની કામગીરીમાં લાગી ગયું છે.
12 ફેબ્રુઆરી 1824માં થયો હતો જન્મ : મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ જયંતી નોંધપાત્ર ઇતિહાસ અને દાર્શનિક મહત્વ ધરાવે છે, કારણ કે ભારતમાં સુધારા ચળવળની સ્થાપના તેમજ વેદ અને વૈદિક સંસ્કૃતિ માટે હર હંમેશ તેમને યાદ રાખવા પડે, ત્યારે 12 ફેબ્રુઆરી 1824મા દયાનંદ સરસ્વતીનો જન્મ ટંકારા ખાતે થયો હતો. તેઓએ પોતાનું સમગ્ર જીવન વૈદિક જ્ઞાન અને સાંસ્કૃતિક વારસાને અનુસરવામાં સમર્પિત કર્યું છે. ત્યારે તેમના સ્વપ્ન દ્રષ્ટા વિચારો અને સંદેશા આજે પણ સમાજને પ્રેરિત કરી રહ્યા છે. જેને લઈને દયાનંદ સરસ્વતી આયોજક કમિટી દ્વારા તેમજ જન્મ સ્થળ ટંકારા ખાતે સ્વામી દયાનંદ સરસ્વતીની 200ની જયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. એવામાં કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં તેમના અનુયાયીઓ જોડાય તેવી પણ શક્યતાઓ છે.
ત્રિદિવસીય કાર્યક્રમનું કરાયું છે આયોજન : આગામી તારીખ 10 -11 અને 12 ફેબ્રુઆરી આ ત્રણ દિવસ સુધી કાર્યક્રમ યોજાશે. જેમાં 10 ફેબ્રુઆરીના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ 11 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય મંત્રી અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહેશે અને આ જ દિવસે વડાપ્રધાન મોદી કાર્યક્રમમાં વર્ચ્યુઅલ જોડાશે. જ્યારે પીએમ મોદી અહીંયા દયાનંદ સરસ્વતીના અનુયાયીઓને સંબોધન કરશે. આ સાથે જ 12 ફેબ્રુઆરીના રોજ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ખાસ ઉપસ્થિત રહેશે તેમજ કાર્યક્રમની શોભા વધારશે. રાષ્ટ્રપતિના કાર્યક્રમને લઈને રાજકોટ તેમજ મોરબી વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
- ટંકારામાં સ્વામી દયાનંદ સરસ્વતીની 198મી જન્મજયંતીની ઉજવણી કરાઇ
- ટંકારામાં ઋષિ બોધોત્સવ સમારોહમાં રાજ્યપાલ અને મુખ્ય પ્રધાન રહ્યાં ઉપસ્થિત