સુરત :પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ મેળા જતી ટ્રેન પર પથ્થરમારો થયાના સમાચાર સામે આવ્યા છે. સુરતથી પ્રયાગરાજ જતી તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેન પર મહારાષ્ટ્રના જલગાંવ પાસે અજાણ્યા શખ્સો દ્વારા પથ્થર ફેંકવામાં આવ્યો હતો. આ ઘટનામાં ટ્રેનના B-6 કોચની બારીનો કાચ તૂટી ગયો હતો, જેના કારણે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, આ ઘટના રવિવારે બપોરે લગભગ 3:20 વાગ્યે બની હતી.
તાપ્તી ગંગા એક્સપ્રેસ પર હુમલો :ઉધના રેલવે સ્ટેશનથી મહાકુંભના પ્રથમ શાહી સ્નાન માટે રવાના થયેલી આ ટ્રેનમાં B-6 કોચમાં સુરતના 36 શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા. જેમાં 5 બાળકો, 6 વૃદ્ધો, 13 મહિલાઓ અને 12 પુરુષોનો સમાવેશ થાય છે. સમગ્ર ટ્રેનમાં લગભગ 45 જેટલા શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ જઈ રહ્યા હતા.