રંજનબેન ભટ્ટનો વિરોધ દર્શાવતા બેનર્સ લગાવાયા વડોદરાઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા લોકસભા બેઠક ઉપર સતત 3જી વખત સાંસદ રંજનબેન ભટ્ટને રીપીટ કરવામાં આવ્યા છે. ભાજપના આ નિર્ણયથી વડોદરામાં રોષ પ્રવર્ત્યો છે. રંજનબેનના વિરોધમાં ઠેર ઠેર બેનર્સ લાગી ગયા છે. આ બેનર્સ અને ભાજપ ઉમેદવારના વિરોધના સમાચાર દાવાનળની જેમ સમગ્ર વડોદરામાં ફેલાઈ ગયા છે.
ગત રાત્રે લાગી ગયા બેનર્સઃ ભાજપે વડોદરા લોકસભા બેઠક પર ઉમેદવાર બનાવ્યા છે તે રંજનબેન ભટ્ટ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે જાહેરમાં તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગત મોડી રાત્રે શહેર વિધાનસભાના વિસ્તારમાં ભાજપના ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરતાં બેનરો લાગતા ચકચાર મચી ગઈ છે.
ભાજપમાં પણ નારાજગીઃ વડોદરા લોકસભા બેઠક ઉપર ઉમેદવારને લઈને મોટા વિવાદો સર્જાયા છે. ભાજપે પક્ષના જ હોદ્દેદારો- કાર્યકરોના વિરોધ વચ્ચે સાંસદ રંજનબેન ભટ્ટને આશ્વર્યજનક રીતે 3જી વખત રીપીટ કરતાં જ ભાજપમાં નારાજગી જોવા મળી રહી છે. સૌથી પહેલા પૂર્વ મેયર ડૉ. જ્યોતિ પંડ્યાએ ગાંધીનગર ગૃહના ઓટલેથી રંજનબેન ભટ્ટ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને વિરોધ શરૂ કર્યો હતો. જો કે ડૉ. જ્યોતિ પંડ્યાને ગણતરીના કલાકોમાં ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
રંજનબેન ભટ્ટનો વિરોધ દર્શાવતા બેનર્સ લગાવાયા વડોદરાનું રાજકારણ ગરમાયુંઃ વડોદરા શહેરની વિવિધ સોસાયટીઓમાં વિરોધ પ્રદર્શન કરતા બેનરો લગાવવામાં આવ્યા છે. આ બેનર્સમાં રંજનબેન ભટ્ટનો સરા જાહેર વિરોધ કરતું લખાણ લખવામાં આવ્યું છે. સંગમ સોસાયટી પાસે લાગેલા બેનરમાં લખ્યું છે કે, 'સત્તાના નશામાં ચૂર 'ભાજપા' શું કોઈને પણ ઠોકી બેસાડશે? વડોદરાની જનતા નિઃસહાય, કેમ કે જનતા મોદી પ્રિય'. જ્યારે શ્રી વલ્લભપાર્ક સોસાયટી પાસે એક બેનરમાં લખ્યું છે કે 'વડોદરાનો વિકાસ ક્યાં ગયો? કોના ઘરમાં કે ગજવામાં? જનતા માગે છે તપાસ'. ઝવેરનગર સોસાયટી પાસે લાગેલા એક બેનરમાં 'મોદી તુજસે બેર નહી, રંજન તેરી ખેર નહીં...' જેવાં વિવિધ લખાણોવાળાં બેનરોલાગ્યાં છે. આ ઘટનાને લીધે વડોદરાનું રાજકારણ ગરમાયું છે.
ક્યાં ક્યાં લગાવાયા બેનર્સ?: ગત મોડી રાત્રે વડોદરામાં સંગમ ચાર રસ્તા પાસે આવેલી ધારાસભ્ય મનિષા વકીલના જન સંપર્ક કાર્યાલયની આસપાસ આવેલ ગાંધીપાર્ક સોસાયટી, શ્રી વલ્લભ પાર્ક સોસાયટી, જાગૃતિ સોસાયટી, ઝવેરનગર સોસાયટી અને સંગમ સોસાયટી પાસે બેનર્સ લગાડવામાં આવ્યા છે. વાઘોડિયાના માજી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ રંજનબેનનો વિરોધ પ્રદર્શન કર્યો છે. કરણી સેના રંજનબેન ભટ્ટનો વિરોધ કરી ચૂકી છે. આવનારા દિવસોમાં પણ વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ સામે વિરોધ વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓને નકારી શકાયતેમ નથી.
ગણતરીના કલાકોમાં જ બેનર્સ હટાવાયાઃ વડોદરા શહેરના વિવિધ સોસાયટી વિસ્તારમાં રંજનબેનનો વિરોધ દર્શાવતા બેનર્સ લગાડવામાં આવ્યા છે. જો કે વહીવટી તંત્રના ધ્યાને આ બાબત આવતાં જ અનેક બેનર્સ ગણતરીના કલાકોમાં જ દૂર કરવામાં આવ્યા છે.
- BJP Releases Second List : ભાજપે લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, હસમુખ પટેલ અને રંજન ભટ્ટ રીપીટ
- વડોદરાના સાંસદ રંજન ભટ્ટે આર્મીના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વ મનાવ્યો