રાજકોટઃ પોરબંદર લોકસભા બેઠક પર ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા સામે કૉંગ્રેસના લલિત વસોયાની ટક્કર થવાની છે. લલિત વસોયા સાથે ETV BHARAT ના સંવાદદાતા દ્વારા રૂબરૂ અને ખાસ વાતચીત કરવામાં આવી હતી.
ETV BHARAT: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા સામે કૉંગ્રેસ દ્વારા લલિત વસોયાને પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા તે બાબતે શું કહેશો?
લલિત વસોયાઃ કૉંગ્રેસ પાર્ટી દ્વારા ત્રીજી વખત નહીં પરંતુ ચોથી વખત ટિકિટ આપવામાં આવી છે. જેમાં પાર્ટીના સનિષ્ઠ અને વફાદાર કાર્યકર્તા તરીકે હું આ વિસ્તારની અંદર પ્રસ્થાપિત થયેલો કૉંગ્રેસનો કાર્યકર્તા છું. જેથી પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકી અને મને આ સીટ ઉપર લડવા માટેનો આદેશ કર્યો છે. ઘણા બધા માગણીદારો હતા પરંતુ સામેની પાર્ટી એ સક્ષમ અને મજબૂત ઉમેદવાર હોય ત્યારે તેમની સામે પણ તાકાતવર અને મજબૂત ઉમેદવાર પાર્ટી પસંદ કરતી હોય છે તેથી પાર્ટીએ મને પસંદ કર્યો છે. અમારા કાર્યકર્તાઓને સાથે લઈ અમે તાકાતથી ફરીથી ચૂંટણી લડવાના છીએ.
ETV BHARAT: તાજેતરમાં જ કૉંગ્રેસમાં ભંગાણ ઉપર ભંગાણ થઈ રહ્યા છે ત્યારે આ વખતે લલિત વસોયા માટે કેટલી આકરી રહેશે આ વખતની ચૂંટણી ?
લલિત વસોયાઃ પોરબંદર લોકસભા વિસ્તારમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 7 બેઠકોમાંથી 3 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં જનાધાર આવ્યો છે. આ ઉપરાંત એક બેઠક કૉંગ્રેસ ફક્ત 1400 મતે હારી છે. તેથી પોરબંદર લોકસભા વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી કરતાં કૉંગ્રેસનું પલડું ભારી છે. બીજી વાત કે, અર્જુન મોઢવાડિયા અમારી કૉંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાન હતા. અમારા સૌના સન્માનનીય નેતા હતા. અર્જુનભાઈ પોરબંદરથી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા એ પહેલા આઝાદીથી લઈને આજ દિન સુધી અર્જુનભાઈ મોઢવાડિયા પહેલી ચૂંટણી લડ્યા ત્યાં સુધી ત્યાં કોંગ્રેસના જ ધારાસભ્ય ચૂંટાયા છે. આ વિસ્તારના મતદારો કૉંગ્રેસ સાથે જોડાયેલા મતદારો છે. અર્જુન મોઢવાડિયાના જવાથી હું માનું છું કે 2019માં 53,500 મતની નુકસાની ગઈ હતી. કયા કારણોથી ગઈ હતી એ ચર્ચા કરવી નથી પણ આ વખતે અમારા પક્ષનો મજબૂત અને સક્ષમ ઉમેદવાર અર્જુન મોઢવાડિયા સામે ધારાસભા લડવાનો છે. ગુજરાતનો ઇતિહાસ જોવા જઈએ તો કૉંગ્રેસના એક સાથે 14 જેટલા ધારાસભ્યોએ પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ધારાસભા લડવા માટે આવ્યા હતા. એ 14માંથી 12 જેટલા લોકો આજની તારીખમાં ઘરે બેઠા છે એટલે ગુજરાતની પ્રજા પક્ષ પલટુને જાકારો આપે છે. એના દાખલાઓ મીડિયાના મિત્રોને પણ ખબર છે. આ સ્થિતિ પોરબંદરમાં અને માણાવદરમાં થવાની છે એમાં શંકા ને કોઈ સ્થાન નથી.
ETV BHARAT: લલિત વસોયા પોરબંદર સાંસદીય મતવિસ્તારની અંદર આ વખતે કયા મુદ્દાઓને લઈને પ્રચાર પ્રસાર કરી અને ચૂંટણી લડશે ?
લલિત વસોયાઃ જનતામાં ચર્ચા છે એ જ મુદ્દાઓને લઈને અમે લોકો પાસે જવાના છીએ. જેમાં પોરબંદર મતવિસ્તાર કોસ્ટર બેલ્ટનો મોટો વિસ્તાર આવે છે. એમાં માછીમારોના વિકટ પ્રશ્નો છે. જેમકે ડીઝલની સબસીડી, દરિયાની અંદર પાકિસ્તાન નેવી અને શ્રીલંકન નેવી મછીમારોને ઉપાડી જાય અને માછીમારોને 5 કે 6 મહિનામાં છોડે પરંતુ છેલ્લા 10 વર્ષથી લાખો અને કરોડો રૂપિયાની બોટ ત્યાં સડી રહી છે જેમને છોડવા માટેના કેન્દ્ર સરકારે કોઈ પ્રયત્ન નથી કર્યા. ખેતી આધારિત લોકોનો આ વિસ્તાર છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવની મુખ્ય વાત છે કે જેમાં હમણાં તાજેતરની અંદર જ ખેડૂતોની ડુંગળી જે બજારની અંદર આવી તે 700 થી 800 રૂપિયા મળતો ભાવ હતો અને કેન્દ્ર સરકારે એમની ઉપર પ્રતિબંધ મૂક્યો જેથી ખેડૂતોને 150 થી લઈને 200 રૂપિયા ભાવ મળતા હતા. જેને લઈને ખેડૂતોએ રોડ ઉપર ફેંકી દીધી, ખેતરમાં દાટી દીધી અને પશુઓને ખવડાવી દીધીએ વાત મીડિયાએ પણ બતાવી છે. આ ઉપરાંત કપાસના ભાવોની વાત કરીએ તો ગત વર્ષે 2400 રૂપિયા ભાવ હતો પ્રતિ 20 કિલો હતા. ઓસ્ટ્રેલિયાથી આયાતની છૂટ આપી હતી જે માફ કરી દીધી તે બાબતે આજે ખેડૂતોને 1200 થી 1400 રૂપિયા કપાસના ભાવ મળે છે. આ ઉપરાંત ખાતર, જંતુનાશક દવા, બિયારણના ભાવમાં વધારો થયો છે તેમની સામે 2 વર્ષ પહેલાં જે ભાવ મળતા હતા તે અડધા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે જેના કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. આખા દેશની અંદર પાક વીમા યોજના જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ચાલુ છે ફક્ત એક એવું ગુજરાતના જ ખેડૂતોની કમનસીબીએ છે કે આ યોજના ગુજરાતમાં નથી ચાલતી. પરિણામે પાક વીમાના લાભથી ગુજરાતના ખેડૂતો વંચિત છે. ખેડૂતોમાં એ પણ રોષની વાત છે. જ્યારે મોંઘવારીની વાત કરીએ તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પીસાઈ રહ્યા છે. મોંઘવારી વધી રહી છે. ગેસના સિલિન્ડરના 400માંથી હમણાં 100 રૂપિયા ઘટાડ્યા તો પણ 900 જેટલા ભાવ છે. દરેક જીવન જરૂરીયાત ની ચીજ વસ્તુઓના ભાવ પેટ્રોલ-ડીઝલની વાત કરો તો લોકોની અંદર આ ભાવ વધારાની સામે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોમાં આક્રોશ છે. બેરોજગારીની વાત કરીએ તો તાજેતરમાં જ વિધાનસભાની અંદર જે આંકડાઓ આપવામાં આવ્યા છે તેમાં રાજકોટ જિલ્લાની અંદર છેલ્લા 3 વર્ષની અંદર 12 લોકોને સરકારી નોકરી મળી છે. જે વિધાનસભાના રેકોર્ડના આધારે જણાયું છે. મેં પ્રચારની શરૂઆત કરી ત્યારે એક મહિલાએ જણાવ્યું છે કે, લલિતભાઈ રાજસ્થાનમાં તો 400 રૂપિયાનો બાટલો આપે છે તો અહીંયા 900 રૂપિયાનો કેમ છે તમે કંઈક કરો.
ETV BHARAT: લલિત વસોયા ભાજપમાંથી જોડાઈ રહ્યા હોય અને લલિતો વસોયા ભાજપમાં જાય છે અને જઈ રહ્યા છે આવી ચર્ચા વચ્ચે પણ કોંગ્રેસના ઉમેદવાર તરીકે આપને ઉતારવામાં લોકો વચ્ચેની જે ચર્ચાઓ છે એ વિશે શું કહેશો ?