- સુરત લોકસભા બેઠક : ચૂંટણી મતદાન પહેલા ભાજપની જીત
લોકસભાની દ્રષ્ટિએ સુરત એ મહત્વની રાજકીય બેઠક છે. 2024 લોકસભા ચૂંટણીમાં છેલ્લી ઘડીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી નામંજૂર થવા સાથે અન્ય સાત ઉમેદવાર પણ કોઇ અગમ્ય કારણોસર પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. આ સાથે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે. સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા થતા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે નિવેદન કર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રથમ કમળની ભેટ અમે આ બેઠકથી આપી છે. આ નિવેદન રાજ્ય અને દેશમાં ભાજપ કેવી રીતે ચૂંટણી લડશે એની દિશા આપનારું ગણી શકાય. સુરત બેઠક બિનહરીફ જાહેર થતા તેની હકારાત્મક અસર દક્ષિણ ગુજરાતની અન્ય બેઠકો સાથે રાજ્યમાં ન પડી એ ઉલ્લેખનીય છે.
- ભરૂચ લોકસભા બેઠક :વસાવા વિરુદ્ધ વસાવા જંગમાં AAP ગુજરાતમાં ખોલાવી શકે છે ખાતુ
ઉમેદવાર :મનસુખ વસાવા (ભાજપ) વિરુદ્ધ ચૈતર વસાવા (આપ)
ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 પર સૌની મીટ જે બેઠક પર છે એ બેઠક ભરૂચ છે. એક સમયે કોંગ્રેસના અહેમદ પટેલ અને ત્યારબાદ ભાજપના ચંદુભાઈ દેસમુખ આ બેઠક પરથી જીતતા આવ્યા છે. 2024માં ભાજપના મનસુખ વસાવા સળંગ સાતમી વાર લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે, તો કોંગ્રેસે પહેલી વાર ભરૂચ બેઠક પોતાના ઈન્ડિયા ગઠબંધનના સાથી આમ આદમી પાર્ટી માટે ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા માટે છોડી છે.
આમ આદમી પાર્ટીના ઉમેદવારની જાહેરાત થતા અહેમદ પટેલના પુત્ર-પુત્રીએ વિરોધ નોંધાવ્યો હતો. જોકે ત્યારબાદ કોંગ્રેસે ચૈતર વસાવાને વિજયી બનાવવા માટે કાર્ય કર્યું. આદિવાસી અને મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ ધરાવતી ભરૂચ બેઠક પર ભાજપ સતત 10 વખતથી જીતે છે. પણ 2024માં ભાજપ સામે આમ આદમી પાર્ટીએ પડકાર સર્જ્યો છે. ભરૂચ લોકસભા મતક્ષેત્ર અંતર્ગત આવતી સાત વિધાનસભા બેઠકો પૈકી છ બેઠક ભાજપ પાસે છે, જ્યારે નર્મદા જિલ્લાની ડેડીયાપાડા વિધાનસભા બેઠક આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા જીત્યા છે.
આપના ચૈતર વસાવાને સરકારી અધિકારીને ધમકી આપવાના કેસમાં જેલની સજા પણ થઈ છે. 2024માં ચૈતર વસાવાની લોકપ્રિયતા ભરૂચ લોકસભા બેઠક પર ચરમસીમાએ છે. ચૈતર વસાવાએ બોગસ સરકારી ઓફિસના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આદિવાસી યુવા મતદારોમાં ચૈતર વસાવા પ્રમાણિક આગેવાન તરીકેની છાપ ધરાવે છે. આપ અને ચૈતર વસાવાના ચાહકોએ 2024 લોકસભા ચૂંટણીમાં સારું બૂથ મેનેજમેન્ટ કર્યું છે, જેના થકી કુલ મતદાન 69.16 ટકા નોંધાયું છે. એવું મનાય છે કે, રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની અસર ભરુચના પરંપરાગત આદિવાસી અને મુસ્લિમ સમાજ પર પડી હતી.
વર્તમાન સાંસદ મનસુખ વસાવાના સરકારી અધિકારીઓ સાથેના ઘર્ષણના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. મનસુખ વસાવાના વિવિધ મુદ્દે વિવાદ અને છેલ્લી ટર્મમાં તેમની વિકાસ અંગેની નિષ્ક્રિયતાના કારણે ભાજપ સામે આમ આદમી પાર્ટી સારું પ્રદર્શન કરી શકે એવી આશા છે. હાલ ભરૂચ લોકસભા બેઠક પર આપ આદમી પાર્ટીના ચૈતર વસાવા માટે જનમત વધુ દેખાઈ રહ્યો છે.
- બારડોલી લોકસભા બેઠક : મૂળે બે કોંગ્રેસી ઉમેદવારો વચ્ચે જંગ, ભાજપ હેટ્રીક નોંધાવી શકશે ?
ઉમેદવાર :પ્રભુ વસાવા (ભાજપ) વિરુદ્ધ સિદ્ધાર્થ ચૌધરી (કોંગ્રેસ)
બારડોલી એટલે ગુજરાતનો ખાંડનો પ્યાલો. સુગરમીલોના કારણે બારડોલીમાં સહકારનું રાજકારણ ધમધમે છે. દેશના લોંખડી પુરુષ સરદાર પટેલનું બારડોલી આંદોલન દેશભરમાં જાણીતું છે. બારડોલી લોકસભા મતક્ષેત્ર પર 2024 નો ચૂંટણી જંગ પૂર્વ કોંગ્રેસી અને છેલ્લી બે ટર્મના સાંસદ એવા પ્રભુ વસાવા અને કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી વચ્ચે રહ્યો હતો.
બારડોલી લોકસભા બેઠક અનુસૂચિત જનજાતિ સમાજના ઉમેદવાર માટે અનામત બેઠક છે. આદિવાસી સમાજનું પ્રભુત્વ ધરાવતી બારડોલી બેઠક પર હળપતિ, ગામીત, વસાવા, ચૌધરી મતદારો નિર્ણાયક બનતા રહે છે. બારડોલી મતક્ષેત્ર હેઠળની સાત વિધાનસભા બેઠકો પૈકી માંગરોળ, માંડવી, નિઝર, બારડોલી, વ્યારા, મહુવા અને નિઝર એમ છ બેઠકો આદિવાસી સમાજ માટે અનામત છે.
2024માં 64.81 ટકા મતદાન નોંધાયું છે. પ્રમાણમાં ઓછો જન સંપર્ક ધરાવતા ભાજપના પ્રભુ વસાવા માંડવી વિસ્તાર બહાર ઓછો સંપર્ક ધરાવે છે. ઉપરાંત સ્થાનિક સમસ્યા પર ઓછું કામ કર્યું છે અને વિકાસ કાર્યોની ઓછી હાજરી તેમના વિરુદ્ધ જઈ શકે છે. તો નરેન્દ્ર મોદીનો ચહેરો, મોદી ગેરંટી અને કોંગ્રેસના નબળા સંગઠનનો લાભ પ્રભુ વસાવાને મળી શકે છે.
સિદ્ધાર્થ ચૌધરી સુમુલ ડેરી સાથે સંકળાયેલા છે. એમબીએ અને એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા સિદ્ધાર્થ ચૌધરી સુરત અને તાપી જિલ્લામાં લોકપ્રિય છે અને પૂર્વ કોંગ્રેસી અમરસિંહ ઝેડ. ચૌધરીના પુત્ર છે. સિદ્ધાર્થ ચૌધરીને સુમૂલ ડેરી થકી સહકારી રાજકારણનો લાભ, શિક્ષિત અને યુવા ચહેરો, પિતા અમરસિંહ ઝેડ. ચૌધરીના નામ-કામ ફાયદો કરાવી શકે છે. તો સુરતમાં વિખેરાતું જતું કોંગ્રેસનું સંગઠન, મજબૂત સ્થાનિક મુદ્દાઓને મતદારો સુધી લઈ જવામાં નિષ્ક્રીયતા પડકારરૂપ છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન જે માહોલ સર્જ્યો હતો, એ મતમાં રૂપાંતર થાય તો પ્રભુ વસાવાને ત્રીજી ટર્મમાં વિજય ન મળી શકે અને બારડોલીને સિદ્ધાર્થ ચૌધરી તરીકે શિક્ષિત -યુવા સાંસદ મળી શકે છે.
- નવસારી લોકસભા બેઠક :સવાલ ફક્ત વિજયી માર્જિનનો રહેશે, કોંગ્રેસ ફરીથી નિરાશ થશે