ગુજરાત

gujarat

ETV Bharat / state

Rekhta Gujarati: ગુજરાતી સંસ્કૃતિ, સાહિત્ય, ભાષાનું વૈશ્વિક પ્લેટફોર્મ બની રહેશે રેખ્તા ગુજરાતી,  ગુજરાતી સાહિત્યને નવી પેઢી સુધી પહોંચાડવાની પહેલ - રેખ્તા ગુજરાતી

દેશમાં હિન્દી, ઉર્દુ અને ત્યાર બાદ ગુજરાતી ભાષામાં રેખ્તા ફાઉન્ડેશન દ્વારા ભગીરથ કાર્ય થાય છે. રેખ્તા ફાઉન્ડેશન દ્વારા હવે રેખ્તા ગુજરાતી અંતર્ગત ગુજરાતી ભાષાના સંવર્ધન અને સાહિત્યને નવી પેઢી સુધી પહોંચાડવાની પહેલ કરી છે. શું છે રેખ્તા ગુજરાતી પહેલ  જાણીએ...

Rekhta Gujarati
Rekhta Gujarati

By ETV Bharat Gujarati Team

Published : Mar 21, 2024, 7:03 AM IST

Updated : Mar 21, 2024, 1:30 PM IST

Rekhta Gujarati

અમદાવાદ:રેખ્તા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે વિશ્વ કવિતા દિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના વિકાસની પહેલ માટે રેખ્તા ગુજરાતી વેબસાઈટ અને રેખ્તા બાલ એપનો લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. રેખ્તા ફાઉન્ડેશનના આ કાર્યક્રમમાં વિખ્યાત રામકથાકાર મોરારી બાપુ, દેશના સોલિસીટર જનરલ તુષાર મહેતા, હિંદી-ગુજરાતી ફિલ્મના કલાકાર પરેશ રાવલ, જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા રધુવીર ચૌધરી, લોકગાયક ઓસમાણ મીર અને રેખ્તા ફાઉન્ડેશનના સંસ્થાપક સંજીવ સરાફ હાજર રહ્યા હતા.

વિશ્વ કવિતા દિવસની પૂર્વ સંધ્યાએ રેખ્તા ગુજરાતી વેબસાઇટ અને એપના લોકાર્પણ પ્રસંગે રેખ્તા.કોમના સંસ્થાપક સંજીવ સરાફે રેખ્તા ગુજરાતીની સ્થાપના માટે સોલિસીટર જનરલ ઓફ ઇન્ડિયા તુષાર મહેતાની પ્રેરણાને મહત્વની કહી હતી. તેઓએ વધુમાં ઉમેર્યુ હતુ કે, રેખ્તા ડોટ કોમ ઉર્દુ ભાષા અને સાહિત્યના સંરક્ષણ અને વિકાસ માટે આરંભાયું હતું ત્યાર બાદ તેમાં હિન્દી, સુફી સાહિત્યનો સમાવેશ થયો. હવે રેખ્તા ગુજરાતી વેબસાઇટ અને એપ રજૂ કરતાં દેશની સહિયારી ભાષા, સંસ્કૃતિ અને સાહિત્યનો સંગમ બનશે. જેથી ગુજરાતી સંસ્કૃતિ, સાહિત્ય, ભાષાનું વૈશ્વિક પ્લેટફોર્મ બની રહેશે.

રેખ્તા ગુજરાતી એ ગુજરાતી ભાષા, સાહિત્ય અને કવિતાનો વૈશ્વિક સમન્વય રચશે - મોરારી બાપુ

રેખ્તા ગુજરાતી વેબસાઇટનું ઉદ્ધાટન રામકથાકાર મોરારી બાપુના હસ્તે થયું. મોરારી બાપુએ રેખ્તાના આ પ્રયાસને બિરદાવતા કહ્યું કે, રેખ્તાએ હવે દર વર્ષે લોકોત્સવ ગુજરાતી ભાષામાં કરવા જોઇએ. હું રેખ્તાની ટીમને મારા તલગાજરડા ખાતે 1990 બાદ જન્મેલી પેઢીને ગુજરાતી ભાષા, સાહિત્ય અને કવિતાથી જાણ થાય એ માટે અસ્મિતા પર્વ યોજવા માટે આમંત્રણ પાઠવું છુ. રેખ્તા હાલ ગુજરાતમાં મહેમાન અને ગુજરાત યજમાન છે. મોરારી બાપુએ આજની પેઢી સુધી ગુજરાતી કાવ્યો અને અન્ય સાહિત્ય સ્વરુપો પહોંચ્યા નથી તેનું દુઃખ વ્યક્ત કર્યું હતુ. તેઓએ જણાવ્યું હતુ કે આકાશમાં સવિતા અને ધરાની સંસ્કૃતિ વચ્ચે કાવ્ય સેતુ બને છે. દેશમાં અનેક પ્રયોગ થાય છે, પણ હવે પ્રયાગ એટલે કે સમન્વયની આવશ્યકતા છે, જે રેખ્તા ગુજરાતી કરી શકે છે. હું રેખ્તા ગુજરાતી વેબસાઇટની શરુઆતને શુકવંતી ગણાવું છુ. રેખ્તા ગુજરાતી એપ અને વેબસાઇટની સફળતા માટે હું મોરારી બાપુ તમારાં દુઃખડા લઉં છુ. ગુજરાતી સાહિત્યને મેં વેગ નથી આપ્યો, હું ગુજરાતી સાહિત્યની ધારા સાથે વહુ છું. હું જ્યાં સુધી ગુજરાતીમાં બોલીશ ત્યાં સુધી ગુજરાતી જીવશે જ. દેશમાં ગુજરાતીઓને હંમેશાથી બીજાથી આગળ રહેવાની ટેવ છે. રેખ્તાનો આ પ્રયાસ ગુજરાતી ભાષા, સાહિત્ય અને કવિતાનો વૈશ્વિક સમન્વય રચશે.

Rekhta Gujarati

રેખ્તા ગુજરાતી 1990 બાદ જન્મેલી પેઢીને ભાષા અને સંસ્કૃતિનું સિંચન કરી શકશે - તુષાર મહેતા, સોલિસીટર ઓફ ઇન્ડિયા

રેખ્તા ગુજરાતી એપ અને વેબસાઇટના લોકાર્પણ પ્રસંગે દેશના સોલિસીટર જનરલ તુષાર મહેતાએ 1990 બાદ ગુજરાતી પરિવારોમાં જન્મેલી પેઢી ગુજરાતી સાહિત્યથી અજાણ છે કહી, વર્તમાન લેખકો અને સર્જકોને નવી પેઢી સુધી ગુજરાતી ભાષા-સાહિત્ય લઇ જવા માટે અનુરોઘ કર્યો હતો. હાલની પેઢીના બાળકો પોણા બે કે નેવ્યાંસી જેવા ગુજરાતી શબ્દોથી અપરિચિત છે. તુષાર મહેતાએ જણાવ્યું હતુ કે, હાલના સર્જકોએ નવી પેઢી સુધી પોતાની જ ભાષાનું સાહિત્ય પહોંચાડી શક્યા નથી. સમાજ તરીકે આપણે ક્યાંક ચૂક્યા છીએ. ગુજરાતી ભાષાના નર્મદ, દલપતરામનું સાહિત્ય એ સમયે યથાર્ત હતુ અને આજે પણ છે, પણ ત્યાર બાદના સમર્થ સર્જકોના સાહિત્યથી નવી પેઢી વાકેફ નથી એ પણ સત્ય છે. નવી પેઢીને આપણે હરીશ નાયક કે જીવરાજ જોશીનો પરિચય નથી કરાવ્યો એટલે નવી પેઢી હેરી પોર્ટર સુધી વળી છે. રેખ્તા ગુજરાતી ગુજરાતી સાહિત્ય અને નવી પેઢી વચ્ચે સાંસ્કૃતિક અને સાહિત્યિક સેતુ બનશે. રેખ્તા ગુજરાતી પરથી નવી પેઢી તેમની જનરેશનના સર્જકો જેવા કે સૌમ્ય જોશી કે હિતેન આનંદપરા જેવા અનેક સમર્થ સમકાલિન સાહિત્યકારો અને તેમના સર્જનથી પરિચિત થશે.

રેખ્તા ગુજરાતી વર્ષે ચાર લોકોત્સવ થવા જોઇએ - રઘુવીર ચૌધરી

રેખ્તા ગુજરાતીના લોકાર્પણ પ્રસંગે જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા સાહિત્યકાર રઘુવીર ચૌધરીએ જણાવ્યું કે, રેખ્તા ગુજરાતી દ્વારા ગુજરાતી ભાષા-સાહિત્યને રાષ્ટ્રીય ગૌરવ મળશે. ગુજરાતી ભાષામાં જે ઉત્તમ છે, તેને રેખ્તા ગુજરાતી વિશ્વસ્તર સુધી લઈ જશે. રેખ્તા ગુજરાતીના પ્રસંગમાં મોરારી બાપુની ઉપસ્થિતિ અંગે રઘુવીર ચૌધરી એ કહ્યું કે, સાહિત્યના પ્રસંગો મોરારી બાપુ માટે રોજીંદા છે. મોરારી બાપુ હિંન્દી, ઉર્દુ અને ગુજરાતી ભાષાના ચાહક અને પોષક એમ બેવડી ભૂમિકા ભજવે છે. મોરારી બાપુના કથનમાં શૃંગાર રસ આવતો નથી. હું તો કહું કહુ કે, બાપુ શ્રૃંગારના સાત્વિક રસના શેર કે કાવ્યો કહેવા એ ખોટું નથી. રેખ્તા હાલ હિન્દી, ઉર્દુ, ગુજરાતી ભાષાનો સમન્વય કરે છે,એવો સમન્વય વર્ષો પહેલાં મેના ગુર્જરી નાટકમાં બાબુ પટેલ અને પ્રાણસુખ નાયકે કર્યો હતો. દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઘણું કામ કરે છે. એમાં ય અમિત શાહ તો માણસાના છે. ઉત્તર ગુજરાતમાં ભવાઈ અને નાટકો વિકસ્યા છે. મોરારી બાપુ તો પાછા મૂળે સંગીત નાટકના માણસના છે. ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવવા અને નવી પેઢીને ગુજરાતી ભાષા-સાહિત્ય સાથે જોડાવા માટે દર વર્ષે રેખ્તા ગુજરાતી દ્વારા આવા ચાર કાર્યક્રમો થવા જોઇએ.

રેખ્તા કીટ્સ બેટા એપ થકી ગુજરાતી બાળકો ભાષા, સાહિત્ય અને સંસ્કાર શીખશે - પરેશ રાવલ ફિલ્મ કલાકાર

હિન્દી અને ગુજરાતી ફિલ્મના ઉમદા કલાકાર પરેશ રાવલે રેખ્તા ગુજરાતીના લોકાપર્ણ પ્રસંગે ગુજરાતી કવિઓની પસંદ કરેલી વિવિધ કવિતા ઉમદા લય અને અવાજમાં રજૂ કરી ઉપસ્થિત શ્રોતાઓના મન હરી લીધા હતા. આરંભે પરેશ રાવલે પોતાના પ્રિય કવિ રમેશ પારેખની તમને ફૂલ દીધાનું યાદ છે નું ગાન કર્યું. ત્યાર બાદ પરેશ રાવલે નયન દેસાઇના જાણીતા કાવ્ય માણસ ઉર્ફે દરિયોની ધારધાર રજૂઆત કરી. અંતે નિરવ પટેલની ફૂલોને બીજું શું કહુ, રજૂ કરી ગુજરાતી કાવ્યોનો રસાસ્વાદ કરાવ્યો હતો. પરેશ રાવલના હસ્તે ગુજરાતી ભાષા શીખવા માંગતા એન.આર,.આઇ બાળકો અને ગુજરાત અને રાજ્ય બહાર વસતા ગુજરાતી બાળકોને ગુજરાતી ભાષા શીખવા માટે રેખ્તા ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરેલી રેખ્તા કીટ્સ બેટા એપનું લોકાર્પણ કર્યું હતું.

Rekhta Gujarati

કાર્યક્રમના બીજા સત્રમાં જાણીતા ગુજરાતી ગાયક ઓસમાન મીરની ગાયકીએ રેખ્તા ગુજરાતીના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત શ્રોતાઓને મોજ કરાવી હતી.

  1. પદ્મશ્રી કવિ દાદના જીવનના કેટલાક યાદગાર અનુભવોની ઝાંખી
  2. ફૈઝની 'હમ દેખેંગે' કવિતા પર વિવાદ, જાવેદ અખ્તર ગુસ્સે થયા
Last Updated : Mar 21, 2024, 1:30 PM IST

ABOUT THE AUTHOR

...view details