કચ્છ: કચ્છના લેખક અને ઇતિહાસકાર સંજય ઠાકરે અષાઢી બીજ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે,"કચ્છીઓનું અદકેરું પર્વ એટલે કે અષાઢી બીજ. વિશ્વના ખૂણે ખૂણે વસતા કચ્છીઓ અષાઢ સુદ બીજના દિવસે પોતાનું આગવું નૂતન વર્ષ ઊજવે છે. દરિયા ખેડૂતો ખેપ પૂરી કરીને વતન પરત ફરતા હોય છે અને દરિયાનું પૂજન કરતા હોય છે. હિજરત કરી ગયેલા માલધારીઓ કે જે પાણી અને ખોરાકની શોધમાં બહાર ગયા હોય છે તે પણ વતન પરત ફરતા હોય છે. ખેડૂતો પણ પોતના ખેતરમાં વાવણીના કામનો પ્રારંભ કરે છે. આમ કચ્છી વર્ષ અષાઢી બીજ એ સૌર વર્ષ તરીકે પણ જાણીતું છે.
કડવા પાટીદારોમાં અનોખી પરંપરા: અષાઢી બીજનાં દિવસે કચ્છમાં દરબાર ભરાતો અને ધાર્મિક ઉજવણી પણ થતી હોય છે. હાલમાં સામાજિક કાર્યોનો શુભારંભ લોકો અષાઢી બીજનાં દિવસે કરતાં હોય છે. નખત્રાણા તાલુકાના વિથોણ ગામમાં અનોખી પરંપરા ઉજવવામાં આવે છે. ઠેર ઠેર વસેલા કડવા પાટીદારો પોતના વતન ભેગા થતા હોય છે, અનેે વડીલોને પુત્રવધુઓ લાઈનસર બેસાડીને પાણીના બેડા લઈને જળાભિષેક કરતા હોય છે.
ઈતિહાસની દ્રષ્ટિએ: ઈતિહાસની રીતે અષાઢી બીજની વાત કરવામાં આવે તો કચ્છના કેરામાં રાજધાની સ્થાપનાર લાખા ફૂલાંણી કે જે પ્રતાપી રાજવી હતા અને તેઓ પૃથ્વીનો છેડો ગોતવા નીકળી પડ્યા હતા.પરંતુ તેમને પૃથ્વીનો છેડો તો ના મળ્યો તેઓ જ્યારે પાછા કચ્છ આવ્યા ત્યારે તેમણે કચ્છમાં જે હરિયાળીના દ્રશ્યો જોયા તે જોઈને તેમને કચ્છી નવા વર્ષ અષાઢી બીજની શરૂઆત કરી હતી.
કચ્છના વિવિધ તાલુકાઓમાં હવે નીકળે છે રથયાત્રા: ભૂતકાળમાં કચ્છના રાજવી ખેંગારજી ત્રીજાએ કચ્છી પંચાગ પણ શરૂ કરાવ્યું હતું. હવે તો કચ્છના વિવિધ તાલુકાઓમાં રથયાત્રા પણ શરૂ કરી છે. અને ભગવાનને નગરચર્યા કરાવવામાં આવે છે. આ ઉપરાંત એક માન્યતા એવી પણ છે કે વિક્રમ સંવત 1231માં જામ રાયધણજીએ કચ્છની સત્તા હસ્તગત કરી હતી અને તે સમયથી તે દિવસને અષાઢી બીજ તરીકે મનાવવામાં આવે છે.