કચ્છની આ મહિલાએ પ્લાસ્ટિક કચરામાંથી કલાત્મક વસ્તુઓ બનાવી (Etv Bharat Gujarat) કચ્છ: પ્લાસ્ટિક વેસ્ટ દુનિયાના પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક છે. પ્લાસ્ટિક વેસ્ટએ દરેક શહેર માટે માથાનો દુખાવો બન્યો છે. કચ્છની મહિલાએ વેસ્ટ પ્લાસ્ટિકમાંથી વિવિધ વસ્તુઓ બનાવી કચરામાંથી કંચનનું ઉત્પાદન કર્યું છે. આ મહિલાએ કચરાને કળામાં ફેરવીને રોજગારી ઊભી કરી છે. અને મહિલાઓ કચરામાંથી કલાત્મક બેગ તૈયાર કરીને વાર્ષિક લાખો રૂપિયાની કમાણી કરી રહી છે.
કચ્છની આ મહિલાએ પ્લાસ્ટિક કચરામાંથી કલાત્મક વસ્તુઓ બનાવી (Etv Bharat Gujarat) કુળદેવી કૃપા નામે સખી મંડળ ચલાવે: ભુજ તાલુકાના કુકવા ગામ પાસે આવેલા અવધનગરમાં રહેતા રાજીબેન વણકર પ્લાસ્ટિકના કચરામાંથી વણાટ કામ કરે છે. રાજીબહેનની આ કળા માત્ર ગુજરાતમાં અને ભારતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. રાજીબેને અનેક મહિલાઓને રોજગારી આપી તેમના જીવનમાં પ્રકાશ પાથર્યો છે. રાજીબેને જણાવ્યું કે તેઓ કુળદેવી કૃપા નામે સખી મંડળ ચલાવે છે. આ મંડળ સાથે હાલમાં 40 થી 50 બહેનો જોડાયેલી છે.
કચ્છની આ મહિલાએ પ્લાસ્ટિક કચરામાંથી કલાત્મક વસ્તુઓ બનાવી (Etv Bharat Gujarat) પ્લાસ્ટિકમાંથી બનાવી ચીજવસ્તુઓ:કુળદેવી કૃપા સખી મંડળની મહિલાઓ ગામડે ગામડે જઈને પ્લાસ્ટિક એકત્ર કરે છે. એક કિલો પ્લાસ્ટિકના મહિલાઓને રૂપિયા 20 લેખે ચુકવણી કરવામાં આવે છે. ત્યારબાદ પ્લાસ્ટિકને ધોવામાં આવે છે. ધોઈને તેની પટ્ટી કાપવામાં આવે છે. બાદમાં આ પ્લાસ્ટિકનો વણાટ કામ કરવામાં આવે છે. જેવી રીતે સાલનું વણાટ કામ કરવામાં આવે છે તેવી જ રીતે પ્લાસ્ટિકનું પણ વણાટ કામ કરવામાં આવે છે. વણાટ કામ કરીને પ્લાસ્ટિકનું કાપડ બનાવવામાં આવે છે. આ પ્લાસ્ટિકના કાપડમાંથી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે. આ વસ્તુઓ બજારમાં વેચવામાં આવે છે.
વાર્ષિક 15 થી 18 લાખની કમાણી:એક બેગની કિંમત રૂ.1500 થી લઈને ચારથી પાંચ હજાર સુધીની વેચાય છે. આ સખી મંડળીની વાર્ષિક આવક 15 થી 18 લાખ રૂપિયા છે. દરેક મહિલાને દર મહિને 12 થી 15 હજાર રૂપિયા મળે છે. પર્યાવરણને બચાવો એ દરેક લોકોની જવાબદારી છે. 40 micron થી નીચેનું પ્લાસ્ટિક આ મંડળની મહિલાઓ એકત્ર કરે છે. આ પ્લાસ્ટિક ગાયો ખાઈ જતા તેઓ ગંભીર પ્રકારના રોગનો ભોગ બને છે. અને આ પ્લાસ્ટિક પર્યાવરણને નુકસાન પહોંચાડે છે.
- કચ્છની મહિલા જેણે આવડતને બનાવી આજીવિકાનું સાધન, 120 મહિલાઓને કરી આત્મનિર્ભર - A self reliant woman
અન્ય બહેનો જોડાઈ: 50 વર્ષીય રાજીબેન વણકર પ્લાસ્ટિકના કચરાને પ્રોસેસ કરીને તેમાંથી શોપિંગ બેગ, પર્સ, મોબાઇલ કવર, ટ્રે, યોગા મેટ, ફાઇલ, ચશ્મા કવર સહિતની ટ્રેન્ડી અને રોજબરોજના ઉપયોગમાં લેવાતી ચીજો બનાવે છે. આ કામગીરીમાં તેમની સાથે 50 બહેનો પણ જોડાઈ છે, જેઓ કટિંગથી લઇને ઉત્પાદનોના નિર્માણની વિવિધ કામગીરી કરે છે.
વણાટ કામ શીખવાનું શરુ કર્યુ: જ્યારે રાજીબેન 13 વર્ષના હતાં, ત્યારે તેમના પિતાની બીમારી જોઇને તેમણે વણાટ કામગીરી શીખવાનું નક્કી કર્યું. પરંપરાગત રીતે આ પુરુષોનું કામ હતું, પરંતુ તેમણે પરિવારને સહાયતા કરવા માટે આ કામ શીખવાનું શરૂ કર્યું. લગ્ન બાદ અમુક વર્ષોમાં પતિનું અવસાન થઇ જવાથી, પરિવારની જવાબદારી તેમણે હાથમાં લીધી અને વણાટ કામગીરીના માધ્યમથી સ્થાનિક રોજગારી મેળવવાનું શરૂ કર્યું.
ઉદ્દેશ્ય નક્કી કર્યો: વર્ષ 2012માં રાજીબેને ખમીરમાં પ્લાસ્ટિક રિસાઇકલીંગની કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ પૂરતી તાલીમ મેળવ્યા પછી 2018માં તેમણે સ્થાનિક મહિલાઓને સાથે જોડીને તેમના ગામમાં આ કામગીરીની શરૂઆત કરી હતી. પ્લાસ્ટિક રિસાઇક્લીંગમાં તેમને ગામડાઓને પ્લાસ્ટિકના કચરામાંથી મુક્ત કરવાનો ઉપાય દેખાયો હતો. તેથી તેમણે આ કામગીરીને તે ઉદ્દેશ સાથે જોડી દીધી.
વિદેશ સુધી તેમની કામગીરી પહોંચી: ચાર તબક્કામાંથી આ પ્રક્રિયા પ્રસાર થાય છે. સૌથી પહેલા પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવે છે, ત્યારબાદ પ્લાસ્ટિકની સફાઇ કરીને સૂકવવામાં આવે છે, તેને સુકવ્યા બાદ પ્લાસ્ટિકની પટ્ટીઓ કાપવામાં આવે છે અને ત્યારબાદ તેમાંથી ઉત્પાદો બનાવવામાં આવે છે. કચરો વીણતી મહિલાઓ પ્લાસ્ટિક એકઠું કરીને રાજીબેનને આપે છે, જેમને નિર્ધારિત મહેનતાણું ચૂકવવામાં આવે છે. રાજીબેન સાથે કામ કરતી મહિલાઓ મહિને 10 થી 12 હજાર જેટલી કમાણી કરી લે છે. તેમના ઉત્પાદો હવે ઓનલાઇન પણ ઉપલબ્ધ છે અને ભારતના દિલ્હી, મુંબઈ અને બેંગલુરૂ જેવા મોટા શહેરોથી લઇને વિદેશમાં લંડન સુધી પહોંચ્યા છે.
સ્વચ્છતાની સાથે, પર્યાવરણની જાળવણી: આ કામગીરીમાં જોડાવા માટે મહિલાઓને તાલીમ આપીએ છીએ. અમારી આસપાસ માધાપર, ભુજોડી અને લખપતમાં પણ બહેનો કામ કરતી થઇ છે. અમે મહિને 200 જેટલી શોપિંગ બેગ બનાવીએ છીએ. ઓર્ડર પ્રમાણે અમે ઉત્પાદન ચાલુ રાખીએ છીએ. 10 હાથશાળ અને બે સિલાઈ મશીન પર આ કામગીરીની કરવામાં આવી રહી છે. તેઓનું વાર્ષિક ટર્નઓવર ₹15 લાખ સુધી પહોંચ્યું છે. તેમના ઉત્પાદોમાં શોપિંગ બેગ, ઓફિસ બેગ, ટ્રે અને ચશ્માના કવરની સૌથી વધારે માંગ રહે છે. રાજીબેનને એ વાતનો સંતોષ છે કે આ કામગીરીથી સ્વચ્છતાની સાથે, પર્યાવરણની જાળવણી થાય છે. અને લોકોમાં જાગરૂકતા આવે છે.
- કળાના કસબી કમળાબા, 65 વર્ષના કમળાબાએ 15 વર્ષની વયે શીખી હતી મોતીકામની કળા - Attractive and intricate pearl work