કચ્છ : આજે ગુજરાત વિધાનસભામાં નાણા પ્રધાન કનુભાઈ દેસાઈએ વર્ષ 2024 - 25 માટેનું બજેટ રજૂ કર્યું હતું.નાણાપ્રધાને 3, 32,465 કરોડનું બજેટ રજૂ કર્યું છે જે ગરીબો, યુવાઓ, મહિલાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે અને ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ છે. 2024 - 25ના બજેટમાં કચ્છ માટેની અનેક જોગવાઈઓ પણ સામે આવી છે.
કચ્છને લગતી પણ મહત્વની જોગવાઈઓ :ગુજરાત વિધાનસભામાં આજે રજૂ કરવામાં આવેલ વર્ષ 2024 - 25ના બજેટમાં ખાસ કરીને કચ્છને લગતી પણ મહત્વની જોગવાઈઓ સમાવવામાં આવી છે. જેમાં ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો, નર્મદાના પાણી, માંડવી બીચ અને પિંગ્લેશ્વર બીચનો વિકાસ, કોટેશ્વર ખાતે જંગલ સફારી, નવીન કૃષિ વિદ્યાલય, સિંચાઇ, લખપત કિલ્લાનો વિકાસ, નર્મદાના નીર, હાઈસ્પીડ કોરિડોર વગેરે અંગેની જાહેરાતો કરવામાં આવી હતી.
ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો :ઉલ્લેખનીય છે કે ભાજપ તેમજ કોંગ્રેસપક્ષની સતત રજૂઆતો બાદ આખરે ગાંધીધામ મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે. પરંતુ જિલ્લા મથક ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો ન મળતા હજી પણ નિરાશા જોવા મળી રહી છે. પૂર્વ કચ્છના કંડલા ફ્રી ટ્રેડ ઝોન કંડલા એરપોર્ટ તથા માળખાગત સુવિધાઓ છે. ત્યારે ગાંધીધામ કંડલા ક્ષેત્રનો સર્વાંગી અને અભૂતપૂર્વ વિકાસ બાદ ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તે માટે સતત ચિંતા તથા રજૂઆતો બાદ આખરે વહીવટી દ્રષ્ટિએ ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા મોડે મોડે પણ ન્યાય મળેલ જેનો આવકાર કરવામાં આવી રહ્યો છે.
જિલ્લા મથક ભુજની નગરપાલિકા હજી પણ દરજ્જાથી વંચિત : ઉપરાંત ભુજ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો ન મળતા કોંગ્રેસપક્ષના આગેવાનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભુજ નગરની પ્રજાએ ભાજપને મહાનગરપાલિકાના દરજ્જા માટે ખોબે ખોબે મતો આપ્યા અને ભાજપને સમર્થન કરેલ પરંતુ મહાનગરપાલિકાનો દરજ્જો ભુજને ન મળતા ભાજપના જનપ્રતિનિધિઓની નબળી નેતાગીરી પુરવાર થઈ છે.
ભાજપના જન પ્રતિનિધિઓ જિલ્લા મથક ભુજને હજી પછાત રાખવા માંગે છે. ભુજ શહેર ગટર નગરીને બદલે આધુનિક નગર બને તેમાં ભાજપ સતાધીશોને રસ નથી. આ બાબતે ભુજના નગરજનોમાં ભાજપ પ્રત્યે ભયંકર આક્રોશ છે જેના પ્રત્યાઘાત આગામી લોકસભા ચૂંટણીમાં પડશે અને ભાજપ સતાધીશોને સત્તા સ્થાનેથી દૂર કરશે. યજુવેન્દ્રસિંહ જાડેજા ( જિલ્લા કોંગ્રેસ પ્રમુખ )
કચ્છને મળશે કૃષિ યુનિવર્સિટી :રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવાના હેતુથી મોરબી અને કચ્છ ખાતે નવીન કૃષિ મહાવિદ્યાલયો તથા ખેડબ્રહ્મા ખાતે કૃષિ ઈજનેરી મહાવિદ્યાલય ચાલુ કરવામાં આવશે.જેમાં કૃષિ યુનિવર્સિટીઓની માળખાકીય વ્યવસ્થા, વહીવટ અને સંશોધન માટે 930 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. કચ્છમાં કૃષિ વિદ્યાલયની માંગ પણ છેલ્લાં અનેક વર્ષોથી કચ્છના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવી હતી ખાસ કરીને વાત કરવામાં આવે તો કચ્છ કૃષિ ક્ષેત્રે પણ ખૂબ પ્રગતિ કરી રહ્યું છે ત્યારે કચ્છને કૃષિ વિદ્યાલય મળવાથી કચ્છની ખેતીને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થશે અને અનેકવિધ સંશોધનો પણ થઈ શકશે.
દૂધ ઉત્પાદક સહકારી સંઘો માટે જોગવાઇ : આ ઉપરાંત આ બજેટમાં કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે પણ સહાય પૂરી પાડવા માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કચ્છમાં મોટી માત્રામાં પશુધન છે ત્યારે પશુપાલન અને દૂધ ઉત્પાદનનો વ્યવસાય પણ ખૂબ વિકસી રહ્યો છે. આ જોગવાઈ દ્વારા માલધારીઓ અને પશુપાલકોના સંગઠનોને અનેક સુવિધાઓ મળશે અને કચ્છમાં દૂધનો વ્યવસાય ધમધમી ઉઠશે.તો 22 કરોડની જોગવાઈ અંતગર્ત ભુજ ભચાઉના હાઈસ્પીડ કોરિડોર બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
કચ્છના બીચનો વિકાસ અને કોટેશ્વર ખાતે જંગલ સફારીની જોગવાઇ : બજેટમાં કચ્છના ખેડૂતો માટે મોટા ડેમો થકી ખેતી માટે સૂક્ષ્મ સિંચાઇની યોજનાઓ બનાવવામાં આવશે તો મોટી સિંચાઇ માટે ખાસ કરીને પાણી ખેતરો સુધી પહોંચાડવા માટે 45 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.તો સોમનાથ બીચ,તો કચ્છના પિંગલેશ્વર બીચ, અસારમા બીચ (માંડવી, કચ્છ), મૂળ દ્વારકા બીચ વગેરેના વિકાસ માટે 200 કરોડના આયોજન પૈકી 30 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.ઉપરાંત અંબાજી, વાંસદા અને કચ્છના કોટેશ્વર વગેરે જેવા વિવિધ સ્થળોએ જંગલસફારી તેમજ ઈકો ટુરિઝમની કામગીરીના વિકાસ માટે 170 કરોડના આયોજન પૈકી 45 કરોડની જોગવાઇનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- Gujarat Budget 2024-25: રાજ્ય બજેટ પર પૂર્વ નાણાં પ્રધાન વજુભાઈ વાળાની પ્રતિક્રિયા, શિક્ષણક્ષેત્રે કરાયેલ ફાળવણીને મહત્વની ગણાવી
- Gujarat Budget 2024: ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ, 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ રજૂ