અમદાવાદ: એસ.ટી વિભાગના કર્મચારીઓ માટે મોટા સમાચાર છે. રાજ્ય સરકાર દ્વારા એસ.ટી વિભાગના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંગે રાજ્યના ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા સાઈટ X ટ્વીટ કરીને જાણકારી આપી હતી. જે મુજબ એસ.ટી વિભાગના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ માટેની વિગતવાર માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
હર્ષ સંઘવીએ કરી પગાર વધારાની જાહેરાત
હર્ષ સંઘવીએ X પર લખ્યું છે કે, એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં 4% નો વધારો કરી હવેથી 50% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો હકારાત્મક નિર્ણય લેવામાં આવેલ છે. આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. સંવેદનશીલ નિર્ણય થકી કુલ રૂ.૧૨૫ કરોડથી વધુનો લાભ એસ.ટી. નિગમના કર્મચારીઓને મળવા પામશે. ટૂંક સમયમાં આ માટેની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવશે.
✅ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી દ્વારા એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં ૪% નો વધારો કરી હવેથી ૫૦% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો હકારાત્મક નિર્ણય લેવામાં આવેલ છે.
— Harsh Sanghavi (@sanghaviharsh) January 28, 2025
✅ આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરવાનો નિર્ણય…
અગાઉ છઠ્ઠા પગાર પંચના કર્મચારીઓનો પગાર વધ્યો હતો
નોંધનીય છે કે, 2025ની શરૂઆત પહેલા પણ છઠ્ઠા પગાર પંચ હેઠળના કર્મચારીઓના પગાર તથા પેન્શનરોના કિસ્સામાં 7 ટકા મોંઘવારી ભથ્થાના વધારાની જાહેરાત કરાઈ હતી. તો આ પહેલા 4 ડિસેમ્બરે રાજ્ય સરકારે સાતમા પગાર પંચના કર્મચારીઓના પગારમાં વધારો કર્યો હતો. જેમાં રાજ્યસેવાના અને પંચાયત સેવા, શિક્ષકો તેમજ સહાયકો, રાજ્ય સરકાર હસ્તકના પ્રોવીડન્ડ ફંડ ખાતાના કર્મચારીઓ સહિત સાતમા પગાર પંચના લાભાર્થી દરેક કર્મચારીઓ મળી કુલ 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને આ લાભ અપાયો હતો.
એસ.ટીના કર્મચારીઓની વાત કરીએ તો આ પહેલા વર્ષ 2023માં એસ.ટી નિગમના ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો હતો. ફિક્સ-પેના કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જે બાદ હવે રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરાઈ છે.
આ પણ વાંચો:
મહેસાણા: લોન લીધી નથી, ત્યાં લોન ભરવા માટે બેંકે મોકલી મહિલાઓને નોટિસ