ભાવનગર: ભાવનગર જિલ્લામાં છેલ્લાં ઘણા વર્ષોથી આંબે મોર બેસી ગયા બાદ કેરીનું ફળ આવ્યા પછી પણ કમોસમી વરસાદે ખેડૂતોને નુકસાન પોહચાડ્યું છે. ખેડૂતોને જાગૃત રહી કેવા વતવારણમાં સાવચેત થઈ જવું જોઈએ તેને લઈને બાગાયત અધિકારીએ માર્ગદર્શન આપ્યું છે. ચાલો જાણીએ વિસ્તારથી..
ગીરની તાલાલાની કેસર કેરી બાદ ભાવનગર જિલ્લામાં પણ કેસર કેરીની બોલબાલા રહે છે. જિલ્લામાં સોસીયા સહિતની થતી કેસર કેરીને પગલે હાલમાં આંબે મોર બાદ કેરીનું ફળ બેસવાની શરૂઆત થઈ છે. કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણ સર્જાય તો સાવચેતી જરૂરી બની જાય છે. જેને લઈને ભાવનગરના બાગાયત અધિકારીએ ખેડૂતોને ખાસ કાળજી રાખવાની સલાહ આપી છે.
કમોસમી વરસાદની આગાહી વચ્ચે શુ ધ્યાન રાખવું ?
''ભાવનગર હાલમાં જોઈએ તો ખૂબ જ સારી રીતે આંબાનું ફલીનીકરણ થયું છે. ખાસ કરીને જોઈએ તો આપણો સોસિયા, જેસર વિસ્તારમાં ખૂબ જ સારા પ્રમાણમાં ફ્લાવરિંગ જોવા મળે છે. જો ખેડૂતોને એવું લાગતું હોય કે થોડું વાતાવરણમાં અત્યારે સારું હોય તો કશું કરવાની જરૂર નથી, પણ જો વાતાવરણમાં વાદળછાયું અથવા કમોસમી વરસાદની આગાહી હોય ત્યારે ફરજિયાત પણે ખાસ કરીને ફૂગનાશક દવાનો સ્પ્રે કરવો જોઈએ, અને જો વધારે પ્રમાણમાં કોઈ જીવાત દેખાય તો કોઈ પણ પેસ્ટીસાઈડ એટલે કે જંતુનાશક દવાનો છંટકાવ કરીને કંટ્રોલ કરી શકાય. હાલમાં પાક પરિસ્થિતિ જોઈએ તો ખૂબ જ સારી છે અને આ વર્ષે ખૂબ જ સારા પ્રમાણમાં મોર જોવા મળે છે''. - એમ.બી.વાઘમસી, બાગાયત અધિકારી, ભાવનગર
'આપણી પાસે 3,500 જેવા હેક્ટરમાં આંબાનું વાવેતર નોંધાયેલું છે. એમાં સારા પ્રમાણમાં અત્યારે ફ્લાવરિંગ જોવા મળે છે, અને આ વર્ષે ઉત્પાદન સારું રહેવાની ધારણા છે. ભાવનગર જિલ્લાના સોસીયા વિસ્તારમાં, જેસર, મહુવા, પાલીતાણા વગેરે પંથકમાં કેરીના આંબાનું વાવેતર છે. આશરે 2700 થી 2900 ખેડૂતો આંબાનું વાવેતર કરે છે. જેમાં ખેડૂતોને ગત વર્ષે હેકટરે 6 થી 7 ટન ઉતારો આવ્યો હતો. આ વર્ષે પણ શકયતા વધુ ઉત્પાદનની જોવા મળી રહી છે''. - એમ.બી.વાઘમસી, બાગાયત અધિકારી, ભાવનગર
ભાવનગર જિલ્લામાં આંબાનું વાવેતર કરતા ખેડૂતોને ચાલુ વર્ષે ઉત્પાદન વધવાની શક્યતાઓ ખુદ તંત્ર જણાવી રહ્યું છે. પરંતુ કમોસમી વરસાદની આગાહી વચ્ચે વાતાવરણ બદલાય તો સાવચેત થવા પણ બાગાયત અધિકારીની અપીલ છે. ખેડૂતો ધ્યાન રાખીને ફ્લાવરીંગ બાદ જો વાતાવરણ બદલાય તો જરૂરિયાત મુજબ જંતુનાશક દવાનો ઉપયોગ કરી પાકને બચાવી શકે છે.