કચ્છઃ ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ સરહદી જિલ્લા કચ્છના આકાશમાં 3 દિવસ એર શો કરશે.જેમાં પાઇલટની કુશળતા, વ્યાવસાયીકરણ અને ક્ષમતાઓનું પ્રદર્શન કરીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવામાં આવશે.ભારતીય વાયુસેનાન 9 વિમાનની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા કચ્છના નલિયાના પિંગલેશ્વર બીચ ખાતે 9 વાગ્યે અને સફેદ રણમાં 2 દિવસ 3:30 વાગ્યે એર શો રજૂ કરવામાં આવશે. સૂર્ય કિરણ એરોબેટિક ટીમના પ્રદર્શનને લઈને કચ્છના યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઇન્ડિયન એરફોર્સના 9 હોક વિમાનો દ્વારા આકાશમાં અદ્ભૂત કરતબો કરાશે
કચ્છમાં સૂર્યકિરણ ટીમના 3 જેટલા એર શોનું આયોજન કરવામાં આવ્યું છે.જેમ મોટી સંખ્યામાં શહેરીજનો અને આગેવાનો જોડાશે. આ એર શોમાં ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમે વિવિધ કરતબ યોજી લોકોને રોમાંચિત કરશે. ખાસ તો ઇન્ડિયન એરફોર્સના 9 હોક વિમાનો દ્વારા આકાશમાં અદ્ભૂત કરતબો કરવામાં આવશે.ગત વર્ષે 2 દિવસ માટે આ એર શો ભુજના એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયો હતો. તો 14 વર્ષ બાદ પ્રથમવાર એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમે ટ્રાય કલર ડિસ્પ્લે રજૂ કરી રહી છે.જેમાં કેસરી સફેદ અને લીલા રંગના સ્મોકનો ઉપયોગ કરવામાં આવશે.
લગભગ 35 મિનિટ સુધી આ એર શો ચાલશે
આ એર શોમાં ઈન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT)નું હોક MK 132 વિમાનો ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમમાં 9 હોક વિમાનો અને 14 પાઇલટ રહેશે, જેઓ શોર્ય અને ભારતની શક્તિનું પણ પ્રદર્શન કરશે. આ શો લગભગ 30થી 35 મિનિટ સુધી ચાલશે.જમીનથી 100 ફૂટ ઉપર આ તમામ કરતબો કરવામાં આવશે.
1996માં SKAT ટીમની સ્થાપના કરવામાં આવી હતી
વર્ષ 1996માં SKAT ટીમની સ્થાપના કરવામાં આવી હતી. સૂર્યકિરણ એરોબેટિક ટીમ એશિયામાં એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ છે જે એક સાથે હવાઈ કરતબો કરે છે. સૂર્યકિરણ એરોબેટિક ટીમ કે જે પહેલા માત્ર કિરણ ટીમ તરીકે ઓળખાતી હતી તેણે અત્યાર સુધીમાં ભારતમાં તેમજ વિદેશમાં ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને UAE જેવા દેશોમાં 700થી પણ વધુ પર્ફોર્મન્સ આપ્યાં છે. આવનાર પેઢીને પણ એરફોર્સમાં જોડાવા પ્રોત્સાહન મળે તેવા પણ પ્રયત્નો આ ટીમ દ્વારા કરવામાં આવે છે.આ ટીમ વર્ષમાં 6 માસ માટે ટ્રેનિંગ લેતી હોય છે અને આ વર્ષનો અંતિમ શો કચ્છના સફેદ રણમાં કરવામાં આવશે.
શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કરશે
કચ્છમાં 29 જાન્યુઆરી 2025ના રોજ નલિયામાં પિંગલેશ્વર બીચ અને 31 જાન્યુઆરી, 1 ફેબ્રુઆરી 2025 દરમિયાન કચ્છના સફેદ રણમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમના એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એર શો દરમિયાન 9 વિમાનો દ્વારા જુદા જુદા ફોર્મેશન કરવામાં આવશે જેમાં લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા તેમજ રૂંવાટા ઊભા કરી દે તેવા એરોબેટિક કરતબોનું પ્રદર્શન કરવામાં આવશે. જેથી દર્શકો માટે તે યાદગાર બની રહેશે. લોકો સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા કરવામાં આવતા DNA ફોર્મેશનથી રોમાંચિત થશે જેમાં 5 વિમાનો સાથે મળીને આકાશમાં DNAના માળખા જેવા હેલિક્સની રચના કરશે.
અત્યારથી જ ખૂબ ઉત્સાહ
ભુજના અભિષેક ગુસાઈએ ગત વર્ષે પણ સૂર્યકિરણ એરોબેટિક ટીમનો એર શો માણ્યો હતો અને આ વર્ષે તેઓ ખાસ કરીને કચ્છના સફેદ રણમાં યોજાનારા એર શોની મુલાકાત લેવાના છે અને અત્યારથી જ તેઓ ખૂબ ઉત્સાહી હોવાનું જણાવ્યું હતું.કારણ કે સૂર્યકિરણ એરોબેટિક ટીમ જે હવામાં કરતબો કરે છે તે જોવાની ખૂબ મજા પડે છે અને ખાસ કરીને એ જ્યારે વિવિધ કરતબો કરે છે ત્યારે રૂંવાટા ઊભા થઈ જતા હોય છે.આ વખતે જ્યારે તેઓ તિરંગાના રંગોના ધુમાડા કરીને કરતબો કરે છે તે પણ જોવાલાયક રહેશે.
સફેદ રણમાં આ એર શો આકર્ષિત કરશે
ગત વર્ષે પણ સૂર્યકિરણ એરોબેટિક ટીમનો એર શો માણ્યો હતો અને ખૂબ મજા આવી હતી ત્યારે આ વર્ષે તો આ ટીમ દ્વારા ખૂબ જ રોમાંચક કરતબો કરવામાં આવશે અને. આ વખતે તો ત્રિરંગા રંગના સ્મોકનો ઉપયોગ કરી રહ્યા છે જે ખૂબ જ આકર્ષિત કરશે અને કચ્છના સફેદ રણમાં આ એર શો માણવા માટે ખૂબ જ એકસાઇટેડ હોવાનું કૃપલ વરસાણીએ જણાવ્યું હતું.
કચ્છના સફેદ રણમાં વિવિધ ફોર્મેશનના નજારો રમણીય બનશે
અન્ય સ્થાનિક યશવી જેઠીએ જણાવ્યું હતું કે, ગયા બાર પણ સૂર્યકિરણની ટીમનો એર શો માણ્યો હતો અને ખૂબ આનંદ આવ્યો હતો.કચ્છના સફેદ રણમાં આ એર શો યોજવા જઈ રહ્યો છે ત્યારે કચ્છનું સફેદ આમ પણ એક આઇકોનિક સ્થળ છે ત્યારે આ સ્થળે સૂર્યકિરણની ટીમનો એર શો યોજાશે જેથી વધુ રોમાંચિત દ્ર્શ્યો જોવા મળશે. કચ્છના સફેદ રણમાં ટીમ દ્વારા હવામાં વિવિધ ફોર્મેશન બનાવવામાં આવશે જે ખૂબ જ રમણીય રહેશે.