કચ્છ:આજના આધુનિક યુગમાં પ્રાથમિક જરૂરિયાતોમાં વાહનનો પણ સમાવેશ થઈ ચૂક્યો છે. અગાઉ વાહન એક લક્ઝરી લાઇફસ્ટાઇલ દર્શાવતું હતું જ્યારે હવે વાહન 'લક્ઝરી' નહીં પણ જરૂરિયાતનું સાધન બની ગયું છે. લોકો માત્ર કામના સ્થળે કે ફરવાના સ્થળે જવા માટે વાહનનો ઉપયોગ કરે છે તો સાથે જ દરેક વાહનની આગવી ઓળખ એટલે કે તેના પ્લેટ નંબર એ પણ હવે લક્ઝરી ગણાય છે. લોકો વાહનોમાં પોતાની પસંદગીના નંબર મેળવવા માટે પણ મોટી મોટી બોલી લગાવતા હોય છે. વર્ષ 2024માં પસંદગીના નંબર વાહનચાલકોને આપીને કચ્છની બન્ને RTO કચેરીઓને મળીને કુલ 2.24 કરોડની આવક થઈ છે.
પસંદગીના નંબર થકી આરટીઓને 2.24 કરોડની આવક:વાહન વ્યવહાર કચેરી વાહનચાલકોને પસંદગીના નંબરો માટે લિલામી પ્રક્રિયા હાથ ધરે છે. આ પ્રક્રિયામાં ઘણી વખત તો ગાડીની કિંમતથી કરતા વધુ રૂપિયા ચૂકવીને લોકો પોતાના પસંદગીના નંબરો મેળવતા હોય છે. છેલ્લા વર્ષની એટલે કે વર્ષ 2024ની વાત કરવામાં આવે તો પૂર્વ કચ્છના અંજાર ખાતેની RTO કચેરી અને પશ્ચિમ કચ્છના ભુજ ખાતેની RTO કચેરી મળીને 2,24,59,500 ની આવક પસંદગીના નંબરો ખરીદવાથી મેળવેલ છે. આ રકમ માત્ર ગોલ્ડન અને સિલ્વર શ્રેણીમાં આવતા પસંદગીના નંબરની છે જેને મેળવવા માટે વાહનચાલકોએ ઓનલાઈન લિલામીમાં ભાગ લેવાનો હોય છે.
પસંદગીના નંબર મેળવવાની પ્રકિયા ઓનલાઈન: અહીં ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે પસંદગીના નંબર મેળવવાની પ્રકિયા ઓફલાઇન હતી ત્યારે RTO કચેરીમાં લીલામી પ્રક્રિયા યોજાતી હતી. જેમાં પસંદગીના નંબર મેળવવા માટેની બોલીમાં ભાગ લેનારી પાર્ટીઓ, RTO એજન્ટો અને RTO અધિકારીઓ બેસતા હતા. એક પછી એક કવર ખૂલતાં અને જો એક જ નંબર માટે એકથી વધુ ખરીદનારા હોય તો તમામ પક્ષે વિવિધ બોલી બોલતી હતી. પરંતુ હવે આ પ્રકિયા ઓનલાઈન થઈ ગઈ હોવાથી હવે પહેલા જેવી પસંદગીના નંબર મેળવવા રસાકસી જોવા મળતી નથી.
ક્યાં નંબરો માટે લાગે છે વધુ બોલી:વાહન ચાલકો ખાસ કરીને 0001, 3333, 7777, 0007, 0009, 1111, 9999, 0077, 0777, 0999, 4444, 8000, 0786, 0099, 0100, 0010, 1000, 6666 જેવા ગોલ્ડન અને સિલ્વર નંબરો તેમજ પોતાની જન્મદિવસની કે લગ્નદિવસની તારીખો મુજબના આંકડા પસંદ કરીને તે નંબર મેળવવા માટે મોટી મોટી રકમ ચૂકવતા હોય છે. આ રકમ થકી RTO ને પણ સારી એવી આવક થતી હોય છે.
ભુજ આરટીઓને 3059 વાહનો થકી 1,62,46,500 રૂપિયાની આવક:વર્ષ 2024માં ટુ-વ્હીલર અને ફોર વ્હીલરમાં વાહન નંબરની કેટલી શ્રેણી ખૂલી અને આ શ્રેણીઓમાં ગોલ્ડન અને સિલ્વર નંબરોમાંથી RTO ને કેટલી આવક થઈ તે અંગે પૂર્વ કચ્છના અંજારની RTO કચેરી અને ભુજની RTO કચેરીથી મળતી માહિતી મુજબ, ભુજ RTO માં વર્ષ દરમિયાન કુલ 3059 વાહનો નોંધાયા છે. ટુ-વ્હીલર વાહનો માટે 2 અને ફોર-વ્હીલર વાહનો માટે વાહન નંબરની 1 સીરિઝને ખુલ્લી મૂકવામાં આવી હતી. ઓનલાઈન હરાજીમાં તંત્રને કુલ 1,62,46,500 રૂપિયાની આવક થઈ છે. ભુજ RTO કચેરીમાં ટુ-વ્હીલર વાહનમાં 0001 અને 0009 નંબર મેળવવા માટે વાહનચાલક માલિકોએ 25000 રૂપિયા ચૂકવ્યા છે. જ્યારે ફોર-વ્હીલર વાહનમાં 0001 નંબર મેળવવા માટે વાહનચાલકે 4,51,000 રૂપિયા સુધીની બોલી લગાડી હતી.