ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં 5700 વર્ષથી પણ જૂના હડપ્પીય અવશેષો મળ્યા, પડદા બેટ સાઈટ નજીક સઘન સંશોધન શરુ - Kutch Hadappiyan Culture - KUTCH HADAPPIYAN CULTURE

કચ્છમાં પડદા બેટ સાઈટ પાસેથી 5700 વર્ષથી પણ જૂના હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. આ વિસ્તારમાં પુરાતત્વીય અને ભૂસ્તરીય સંશોધન ધમધમી રહ્યું છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Kutch Hadappiyan Culture

કચ્છમાં 5700 વર્ષથી પણ જૂના હડપ્પીય અવશેષો મળ્યા
કચ્છમાં 5700 વર્ષથી પણ જૂના હડપ્પીય અવશેષો મળ્યા

By ETV Bharat Gujarati Team

Published : Apr 5, 2024, 2:50 PM IST

કચ્છમાં 5700 વર્ષથી પણ જૂના હડપ્પીય અવશેષો મળ્યા

કચ્છઃ ગુજરાતના સરહદીય જિલ્લા કચ્છની ધરામાં પુરાતન સંસ્કૃતિના અનેક અવશેષો ધરબાયેલા છે. તેથી જ અહીં દેશ-વિદેશની અનેક યુનિવર્સિટી તેમજ પુરાતત્વીય વિભાગ દ્વારા ખોદકામ કરીને સંશોધન કરવામાં આવતું હોય છે. વર્ષ 2018થી કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી ઓફ કેરાલા યુનિ., સેન્ટ્રલ યુનિ. ઓફ કર્ણાટક તેમજ અન્ય યુનિવર્સિટી અને ઈન્સ્ટિટ્યૂટ દ્વારા કચ્છના લખપત તાલુકાના પડદા બેટમાં હડપ્પા સભ્યતાના અવશેષોને લઈને ખોદકામ કરવામાં આવી રહ્યું છે. જેમાં 5700 વર્ષથી પણ જૂના હડપ્પીય અવશેષો મળી આવ્યા છે.

5700 વર્ષ જૂના હડપ્પીય અવશેષોઃ કેરાલા યુનિવર્સિટીના પુરાત્વીય વિભાગ દ્વારા ફેબ્રુઆરી તેમજ માર્ચ મહિના દરમિયાન ખોદકામ કરાતાં 5700 વર્ષ જૂના હડપ્પન સભ્યતાના અવશેષો મળી આવ્યા છે. કચ્છના લખપત તાલુકાના પડદા બેટ વિસ્તારમાંથી તાજેતરના સંશોધન દરમિયાન માટીના વાસણના ટુકડા, પ્રાણીઓના હાડકાના ટુકડાના અવશેષો ઉપરાંત રેતિયા પથ્થરમાંથી બનેલા ગોળ અને લંબચોરસ આકારના મકાનના પાયા પણ મળી આવ્યા છે.

કચ્છમાં 5700 વર્ષથી પણ જૂના હડપ્પીય અવશેષો મળ્યા

2019માં કબ્રસ્તાનના અવશેષો મળ્યા હતાઃ કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એનવાયરોન્મેન્ટ સાયન્સ વિભાગના ડીન ડૉ. સુભાષ ભંડારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2018માં કેરાલા અને કચ્છ યુનિવર્સિટીની ટીમે લખપત તાલુકાના પડદા બેટ નામની સાઈટ પર ખોદકામ કરવાનું શરૂ કર્યુ હતું. વર્ષ 2019માં હાલમાં જે સાઈટ પરથી અવશેષો મળ્યા છે તેનાથી 1.5 કિ.મી. દક્ષિણ-પશ્ચિમ બાજુ આવેલા જૂના ખટિયા ખાતેના પ્રારંભિક હડપ્પા સભ્યતાના કબ્રસ્તાન પર પણ ખોદકામ કરાયું હતું. જેમાં જૂના ખટિયા વિસ્તારના ખોદકામને ધ્યાને લઆને કબ્રસ્તાનને તેની આસપાસના રહેણાંક વિસ્તારો સાથે કેવા સંબંધો રહ્યા હશે તેના વિશે સંશોધન કરીને ખોદકામ કરાયું હતું.

200X200મી. વિસ્તારમાં પુરાત્વિક અવશેષો મળ્યાઃ પડદા બેટ પાસેના ખોદકામમાં નાની ટેકરીના ઢોળાવ પરથી વસાહતનો પૂરાવો મળ્યો હતો. આ સ્થળ પર 200X200 મીટરના વિસ્તારમાં બે અલગ-અલગ જગ્યામાંથી હડપ્પન સંસ્કૃતિના પુરાત્વિક અવશેષો મળ્યા છે. જેની પાછળ એક નાની નદી પણ વહેતી હતી. ઊંચાઈ વાળા વિસ્તારમાંથી આ અવશેષો મળ્યા છે જેથી આસપાસના વિસ્તારમાં પણ સંશોધન માટે તક ઊભી થઈ છે.

કચ્છમાં 5700 વર્ષથી પણ જૂના હડપ્પીય અવશેષો મળ્યા

સેમી પ્રેશિયસ સ્ટોન પણ મળ્યાઃ હાલમાં મળેલા અવશેષોમાં વસાહત વિસ્તારના ગોળ અને લંબચોરસ આકારના 2 મકાનના પાયાના અવશેષો મળ્યા છે. જે સ્થાનિક રેતિયા પથ્થરમાંથી બનાવાયા છે. આ સિવાય માટીના વાસણના ટુકડા પણ મળ્યા છે. જેમાં નાના અને મોટા માટલાઓ મળ્યા છે. તો અનેક વાસણો પણ મળ્યા છે સાથે સાથે સેમી પ્રેશિયસ સ્ટોન પણ મળ્યા છે. હેમર સ્ટોન અને ગ્રાઈન્ડિંગ સ્ટોન પણ મળ્યા છે. ગાય અને બકરીના હાડકાના ટુકડાના અવશેષો પણ સંશોધન દરમિયાન મળી આવ્યા હતા. આ સાઈટ જોઈને કહી શકાય છે કે આ 5700 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિની સાઈટ છે.

પડદા બેટ અને ખટીયા સાઈટ વચ્ચેના સબંધ પર સંશોધનઃ પડદા બેટ સાઈટ પરથી પ્રાણીઓના અવશેષ પણ મળી આવ્યા છે તેથી અહીં જે લોકો વસવાટ કરતા હતા તેઓ પશુપાલન સાથે સંકળાયેલા હોઈ શકે છે. આ વિસ્તારમાંથી ખોદકામ દરમિયાન માનવ હાડપીંજર પણ મળ્યું છે. જેના પર પણ સંશોધન કરવામાં આવી રહ્યું છે. હાલમાં જે ટેકરી પર અવશેષ મળી આવ્યા છે તે અને અગાઉ ખટીયા સાઈટ પરથી જે કબ્રસ્તાન મળી આવ્યું છે તે બન્ને વચ્ચે કેવો સબંધ હતો તે અંગે આગામી સંશોધન કરવામાં આવશે.

દેશ વિદેશની અનેક યુનિવર્સિટી સંશોધનમાં જોડાઈઃ આ ખોદકામમાં કેરાલા યુનિવર્સિટી જોડાઈ હતી જેને ASI માંથી સંશોધન માટેની મંજૂરી મળી હતી. કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ, પૂણેની ડેક્કન કોલેજ, સ્પેનની 2 યુનિવર્સિટી જેમાં સ્પેનિસ નેશનલ રિસર્ચ કાઉન્સિલ, યુનિવર્સિટી ઓફ લા લાગુના જોડાઈ હતી. તો યુએસએની ટેક્સાસ એ.એન્ડ.એમ. યુનિવર્સિટી, કેટેલેન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાસિકલ આર્કિયોલોજી, યુએસએની અલ્બેનો કોલેજ, કેરાલા યુનિવર્સિટીનો ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીના રિસર્ચર અને વિદ્યાર્થીઓ મળીને કુલ 40 જેટલા લોકો આ સાઈટ પર સંશોધન અને ખોદકામ કરી રહ્યા છે.

અવશેષોમાં સમાનતાઃ ખટીયામાં મળી આવેલ કબ્રસ્તાનના વિસ્તારની આસપાસ ટેકરીઓ પર નાની-નાની વસાહતોના આવા સમૂહો કદાચ અર્લી હડપ્પન અને તેના પછીની લેટ હડપ્પન વસાહતોએ લખપત વિસ્તારમાં સભ્યતા વિકસાવવાનો પ્રયાસ કર્યો હશે.હાલમાં મળી આવેલા માટીના વાસણના ટુકડાના અવશેષો અન્ય સ્થળોએથી મળી આવેલ હડપ્પન સંસ્કૃતિની સભ્યતાના અવશેષો સાથે સમાનતા ધરાવે છે.

બારીક સંશોધનઃ ખોદકામમાંથી મળેલા અવશેષો પર આગામી સમયમાં વધુ સંશોધન હાથ ધરવામાં આવશે તો વધુ ખોદકામ પણ કરવામાં આવશે. હાલમાં જે અવશેષો મળ્યા છે તેના પરથી સંશોધન કરવામાં આવશે કે 5700 વર્ષ પૂર્વે જે લોકો વસવાટ કરતા હતા તેઓ કંઈ રીતે રહેતા હતા. ટેકરી પર આ અવશેષો મળી આવ્યા છે તો તેની ચારે બાજુ પણ સહેલાઈથી જોઈ શકાય છે.સુરક્ષાની દ્રષ્ટિએ કંઈ રીતે રહેતા હતા તેમજ તેમની સંસ્કૃતિમાં ખાણી પીણી શું હતી. જે પ્રકારે અહીં વિવિધ કિંમતી સ્ટોનના અવશેષો મળી આવ્યા છે તે પરથી સંશોધન કરવામાં આવશે કે અહીં ધંધાકીય રીતે આ સ્ટોનનો ઉપયોગ થતો હતો કે કેમ તે માટે બારીકાઈથી કામ કરવામાં આવશે.

ટેકરીના ઢોળાવ પર હડપ્પીય વસાહતઃ આ વિસ્તારમાંથી વિશિષ્ટ પ્રકારની માટીના વાસણોમાં મોટા મોટા માટલા, થાળીના અવશેષો મળ્યા છે. મકાનના પાયા પાસેથી મળેલા 2 માટલામાંથી 1 માટલું હડપ્પા સભ્યતાના વાસણો સાથે સમાનતા ધરાવે છે. જયારે બીજુ માટલું વિશિષ્ટ પ્રકારની માટીમાંથી બનેલું છે. પડદા બેટ સાઈટ પરની વસાહત ટેકરીના ઢોળાવ પર વસેલી હતી. સામાન્ય રીતે ધોળાવીરા અને અન્ય હડપ્પા સભ્યતાની વસાહતો સમતળ જમીન પર વસેલી જોવા મળી હતી. આ ટેકરીની બાજુમાંથી એક નાની નદી પસાર થતી હતી જે અહીં વસતા લોકો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત રહી હશે.

પ્રોફેસર્સના માર્ગદર્શનમાં સંશોધનઃ આગામી સમયમાં કેરાલા યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.અભયન જી.એસ.અને ડો. રાજેશ એસ.વી.ના માર્ગદર્શન હેઠળ તેમજ કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એનવાયરોન્મેન્ટ સાયન્સના હેડ ડો. સુભાષ ભંડારી અને તેમના વિદ્યાર્થીઓ દ્વારા ખોદકામ દરમિયાન મળી આવેલા અવશેષો પર બારીકાઈથી સંશોધન અને અભ્યાસ કરવામાં આવશે.

  1. કચ્છની ખુમારીને સમર્પિત વિશેષ મ્યૂઝિયમ સ્મૃતિવનને વડાપ્રધાનના હસ્તે કરાશે લોકાર્પણ
  2. ધોળાવીરાના વિકાસ સાથે કચ્છ પ્રવાસનને લાગશે ચાર ચાંદ

ABOUT THE AUTHOR

...view details