ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીધામના ખારીરોહરમાં મળ્યો ડ્રગ્સનો જથ્થો, આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 120 કરોડ - Kutch drug

આજે પૂર્વ કચ્છના ગાંધીધામ તાલુકાના ખારી રોહર પાસેના નિર્જન દરિયાઈ વિસ્તારમાંથી રૂ. 120 કરોડની કિંમતના 12 કિલો ડ્રગ્સના પેકેટ પોલીસને હાથ લાગ્યા છે.

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

ગાંધીધામના ખારીરોહરમાં મળ્યો ડ્રગ્સનો જથ્થો
ગાંધીધામના ખારીરોહરમાં મળ્યો ડ્રગ્સનો જથ્થો (ETV Bharat Gujarat)

કચ્છ : રાજ્યની દરિયાઈ સીમામાંથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો મળી આવતો હોય છે. સામાન્ય રીતે જખૌ, માંડવી અને લખપતના દરિયાઈ વિસ્તારમાંથી સુરક્ષા એજન્સીઓને માદક દ્રવ્યોનો જથ્થો મળી આવતો હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આર્થિક પાટનગર ગાંધીધામથી ડ્રગ્સ મળી રહ્યું છે.

ગાંધીધામના ખારીરોહરમાં મળ્યુ ડ્રગ :આજે 7 ઓક્ટોબરના રોજ ખારી રોહર પાસેના નિર્જન કોસ્ટલ એરિયામાંથી અંદાજે રૂ. 120 કરોડની કિંમતનો 12 કિલો જેટલો ડ્રગનો જથ્થો મળી આવ્યો છે. નિર્જન દરિયાઈ વિસ્તારમાંથી મળી આવેલા 10 જેટલા પેકેટમાં રહેલ પદાર્થ શું છે અને ક્યાં પ્રકારનો ડ્રગ્સ છે તેની તપાસ માટેની પ્રક્રિયા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

120 કરોડનું 12 કિલો ડ્રગ :પૂર્વ કચ્છ SP સાગર બગમારે જણાવ્યું કે, ગત રાત્રીના રોજ ડ્રગ્સના જથ્થા અંગે ચોક્કસ બાતમીના આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા ખારીરોહર વિસ્તારમાં આવતા નિર્જન કોસ્ટલ વિસ્તારમાં તપાસ કરી હતી. જેમાં અંદાજે 12 કિલોના ડ્રગ્સનો જથ્થો 10 જેટલા પેકેટમાં મળી આવ્યો હતો, જે પોલીસે કબજે કર્યો છે. આ જથ્થાની કિંમત રૂ. 120 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે. પ્રાથમિક રીતે આ ડ્રગ્સનો જથ્થો કોકેઇન હોવાનું જાણવા મળી રહ્યું છે.

કયા પ્રકારનું ડ્રગ્સ :ડ્રગ્સનો પ્રકાર અને તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત માટે સેમ્પલ લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. તેના રિપોર્ટ આવ્યા બાદ વધુ માહિતી સ્પષ્ટ થશે. કચ્છની અન્ય દરિયાઈ સીમાથી મળી આવતા ડ્રગ્સના પેકેટ જુદા હોય છે, જ્યારે ખારીરોહર પાસે મળી આવેલ પેકેટો જુદા છે. માદક પદાર્થના પેકેટ અહીં કેવી રીતે પહોંચ્યા અને કેટલા સમયથી અહીં પડ્યા છે, તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. મળી આવેલા ડ્રગ્સના 10 પેકેટ પૈકી 8 પેકેટ કાળા કલરના છે અને 2 પેકેટ સફેદ રંગના છે. તેના પર અંગ્રેજીમાં BLOW UP લખેલું છે.

અગાઉ ક્યા મળ્યુ ડ્રગ ?ઉલ્લેખનીય છે કે, જૂન મહિનાની શરૂઆતમાં જ ગુજરાત ATS દ્વારા આ વિસ્તારમાંથી 130 કરોડની કિંમતના કોકેઇનના 13 પેકેટ ઝડપી પાડવામાં આવ્યા હતા. તો આવી જ રીતે અગાઉ સપ્ટેમ્બર, 2023માં મીઠીરોહર પાછળ આવેલ દરિયાની ખાડીમાંથી 800 કરોડની કિંમતના 80 પેકેટ હેરોઇનના મળી આવ્યા હતા. ત્યારે હવે ગાંધીધામમાં ડ્રગ્સ કનેક્શન બાબતે વધુ ખુલાસાઓ તપાસ બાદ સામે આવે તેવી શક્યતાઓ રહેલી છે.

  1. સુરત પોલીસે 19 વર્ષથી ફરાર NDPS એક્ટના આરોપીને ઝડપ્યો
  2. રાજકોટમાં SOG ટીમે મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપ્યો

ABOUT THE AUTHOR

...view details