કચ્છ: જિલ્લાના જખૌ પોલીસ સ્ટેશનમાં જ તસ્કરોએ ચોરી કરેલ મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર પોલીસ કર્મચારીએ જ પોલીસ સ્ટેશનમાં ચોરી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેમાં ભુજ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલે જ ભુજના જિમ ટ્રેનર સાથે મળીને ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે બન્ને આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ કર્મચારીએ જ પોલીસ સ્ટેશનમાં ચોરી કરી: 2 ફેબ્રુઆરી પહેલા જખૌ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં જ આવેલ મુદ્દામાલ રૂમમાં પોલીસે જપ્ત કરેલ મુદ્દામાલ કોઇ અજાણ્યા ચોર લઇ ફરાર થઇ ગયા હતા. જે મામલે જખૌ પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં જખૌ પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં પોલીસ સ્ટેશનની બિલ્ડિંગની પાછળ આવેલ મુદ્દામાલ રૂમના દરવાજાનું તાળુ તોડયા વગર નકુચો વાળી સ્ટોપર ખોલીને કોઈ દરવાજાને યેનકેન પ્રકારે ખોલી રૂમમાં અંદર પ્રવેશી તેમાંથી વિવિધ ગુનામાં કબ્જે કરેલ મુદ્દામાલમાં 45,000ની કિંમતના કોપર કેબલ ચોરી કરી અને ગુનો કર્યો હતો.
ચોરી કરનાર જખૌ પોલીસ સ્ટેશનનો જ પૂર્વ કર્મચારી નીકળ્યો: પોલીસ સ્ટેશનમાં ચોરીના બનાવનો ગુનો પોલીસના ધ્યાને આવતા પ્રાથમિક તપાસ બાદ જખૌ પોલીસ સ્ટેશનના પીએસઆઇ હીરા મઠીયાએ ફરિયાદી બની અજાણ્યા ચોર સામે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન ચોરી કરનાર જખૌ પોલીસ સ્ટેશનનો જ પૂર્વ કર્મચારી નીકળ્યો હતો.
જિમમાં ટ્રેઈનર તરીકે કામ કરતા મિત્ર સાથે મળીને કરી ચોરી: જખૌ પોલીસે વાયર ચોરીના ગુનામાં હાલમાં ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ રાઇટર હેડ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રવિણ બાબુભાઈ પંડ્યાની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસ દરમિયાન આરોપી પ્રવીણ અંગત મોજશોખ માટે વાયર ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. તો હેડ કોન્સ્ટેબલ પ્રવિણ ભુજના સ્ટેશન રોડ પર પ્રિન્સ હોટલ પાસે આવેલા એક જિમમાં ટ્રેઈનર તરીકે કામ કરતાં તેના મિત્ર વરુણ ગોરડિયાની બ્લેક વર્ના કારમાં જઈને વાયર ચોરી કરી હતી.
ચોર મુદ્દામાલની તમામ વિગતોથી વાકેફ હતો: જખૌ પોલીસે તપાસ દરમિયાન કેમેરા ચેક કરતાં તેમાં બ્લેક કાર જોવા મળી હતી. જેના નંબરના આધારે વરુણ ગોરડિયાની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા વરુણે સમગ્ર ચોરીનો પ્લાન હેડ કોન્સ્ટેબલ પ્રવિણ પંડ્યાએ રચ્યો હોવાનું કબૂલ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણ પંડ્યા બે વર્ષ અગાઉ જખૌ પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ રાઇટર હેડ તરીકે નોકરી કરતો હતો. પરિણામે તે પોલીસ દ્વારા ગુનાના કામે જપ્ત થતાં મુદ્દામાલની તમામ વિગતોથી વાકેફ હતો. તેથી તેને આ ચોરીનો પ્લાન રચ્યો હતો અને ચોરી કરી હતી.
ટેકનીકલ સર્વેલન્સની મદદથી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા: આ ચોરીના કેસની તપાસ જખૌ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.પી. ખરાડી દ્વારા કરવામાં આવી હતી. જેમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટેકનિકલ સર્વેલન્સની મદદથી તથા તેમની ટીમ વર્ક દ્વારા આરોપીની હકીકત મેળવી જખૌ પોલીસ સાથે સતત સંપર્કમાં રહીને ગુનો કરનાર બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવ્યા હતા. ઉપરાંત બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: