સુરત: સુરત જિલ્લાના ઓલપાડમાં એક ચકચારી ભર્યો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પતિએ પૈસાની ચોરીના આરોપમાં પત્નીની કરપીણ હત્યા કરી નાખી છે. હત્યા બાદ આરોપી પતિ ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પતિ અને પત્ની વચ્ચે થઈ બોલાચાલી
સુરત ગ્રામ્યમાં આવેલા ઓલપાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ઓલપાડ-કીમ રોડ સર્કિટ હાઉસ પાસે નવા બ્રિજ નજીક ઝૂંપડામાં રહેતા અશોક બાપુ સકટ તેની પત્ની હીરાબાઈ તથા ચાર બાળકો સાથે રહેતો હતો. શનિવારની રાત્રે આઠ વાગ્યાની આસપાસની અશોક અને હીરાબાઈ વચ્ચે પૈસાની ચોરી બાબતે ઝઘડો થયો હતો. જેમાં પતિએ પત્ની પર પૈસાની ચોરીનો આરોપ મૂક્યો હતો. આ બોલાચાલી ઉગ્ર બનતા અશોકે પત્નીના ગળાના ભાગે છરીથી હુમલો કર્યો હતો, જેના કારણે સ્થળ પર જ પત્નીનું મોત થયું હતું.
ઘરમાંથી મહિલા લોહીલુહાણ હાલતમાં મળી
ત્યારે મહિલાની મોટી દીકરી બાજુમાં રહેતા પાડોશીને બોલાવવા પહોંચી હતી. જેણે ત્યાં જઈને જોતા મહિલા લોહીલુહાણ હાલતમાં પડી હતી. આથી પાડોશીએ તરત જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. જોકે તપાસ બાદ એમ્બ્યુલન્સના ડૉક્ટરે હીરાબાઈને મૃત જાહેર કર્યા હતા. ત્યારે પોલીસે ઘટનાને લઈને ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
આરોપી પતિ ભેંસના વાળ કાપવાનો ધંધો કરતો હતો, જ્યારે તેની પત્ની ભીખ માગવાનું કામ કરતી હતી. ઘટનાના દિવસે જ અશોકના માતા-પિતા અને તેના અન્ય બાળકો તેમના વતન મહારાષ્ટ્ર ગયા હતા. આ દરમિયાન પત્ની સાથે પૈસાની ચોરી બાબતે ઝઘડો થતા પતિએ હુમલો કરી દીધો હતો. હાલ પોલીસે અશોક સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: