કચ્છ:પૂર્વ કચ્છના ગાંધીધામ વિસ્તાર સ્થિત રાધીકા જવેલર્સ અને તેમના મકાનમાં નકલી EDના અધિકારી બની ખોટી રેડ દર્શાવી ચોરી કરી ગુનો કરનાર 12 લોકોની ટોળકી ઝડપાઈ છે. 2 ડિસેમ્બરના રોજ EDના નકલી અધિકારી બનીને રાધિકા જ્વેલર્સ પેઢીના માલિક તથા તેના ભાઈઓના રહેણાક મકાને જઈ રેડ દર્શાવી સોના ચાંદી તથા રોકડ રકમનો મુદામાલ ચેક કરી 25.25 લાખનો સોનાનો મુદ્દામાલ ચોરી કર્યો હતો.
નકલી ED અધિકારીએ ટીમ સાથે રેડ પાડી: 2 ડિસેમ્બરના રોજ આ નકલી ED ના આરોપીઓએ ગાંધીધામ ખાતે આવેલ રાધીકા જવેલર્સ પેઢીના માલિક તથા તેના ભાઇઓના રહેણાક મકાને જઈ EDના અધિકારી તરીકે ઓળખ આપી હતી. ત્યાં આ સંગઠીત ટોળકીએ રેડ દર્શાવી ફરીયાદીના મકાનમાં હાજર સોના-ચાંદી તથા રોકડ રકમનો મુદ્દામાલ ચેક કરી તેમાંથી સાહેદની જાણ બહાર 25,25,225 રૂપિયાનો સોનાનો મુદ્દામાલની ચોરી કરી હતી. જે બનાવ બાબતે ગાંધીધામ એ. ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે BNS. કલમ-305, 204, 61(2) (એ) મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
નકલી EDના અધિકારી બની ખોટી રેડ દર્શાવી ચોરી કરી ગુનો કરનાર 12 લોકોની ટોળકી ઝડપાઈ (Etv Bharat Gujarat) પૂર્વ કચ્છ એલસીબી અને એ ડિવિઝન પોલીસની ટીમે કરી કાર્યવાહી:ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુનેગારને તાત્કાલીક શોધી કાઢવા માટે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના સીધા સુપરવિઝનમાં, પ્રોબેશન IPS વિકાસ યાદવ, નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ એલ.સી.બી. પીઆઈ એન.એન. ચુડાસમા, ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.ડી. ચૌધરીની આગેવાનીમાં એલ.સી.બી. સ્ટાફ તથા એ ડીવીઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.
અસલી પોલીસની 37 લોકોની ટીમે કર્યા ગુનેગારોને જેલના હવાલે (Etv Bharat Gujarat) કેવી રીતે આરોપીઓ ઝડપાયા: પોલીસની ટીમો દ્વારા ટેકનીકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ તથા CCTV ફુટેજ આધારે આરોપીઓની ઓળખ મેળવી તેમને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો ભુજ, અમદાવાદ તથા ગાંધીધામ ખાતે તપાસ કરવા ગઈ હતી. આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને રાઉન્ડઅપ કરી યુક્તિ પ્રયુક્તિ પૂર્વક તેમની સઘન પુછપરછ કરતાં તેઓએ ગુનાને અંજામ આપેલાની કબુલાત કરી હતી. પરિણામે આ ગુનામાં સંડોવાયેલ નકલી EDના અધિકારી તથા તેના સાથી મળી 1 મહિલા આરોપી સહિત કુલ 12 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. સાથે સાથે ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા ગુનાના કામમાં ઉપયોગમાં લેવામાં આવેલા વાહનોને પણ કબજે કરવામાં આવ્યા છે. ઉપરાંત આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
નકલી ED બનનાર ઝડપાયેલ આરોપીઓ:
- ભરતભાઈ શાંતીલાલ મોરવાડીયા (સોની) (40), ગાંધીધામ
- દેવાયત વીસુભાઈ ખાચર(કાઠી) (38), અંજાર
- અબ્દુલસતાર ઈશાક માંજોઠી (54), કચ્છ મશાલ વીકલી ન્યુઝના પત્રકાર તથા વ્હીલચેર ક્રિકેટ એશોસીયેશન ગુજરાતના ડાયરેક્ટર
- હિતેષ ચત્રભુજ ઠકકર (49), ભુજ
- વિનોદ રમેશભાઈ ચુડાસમા(મોચી) (46), ભુજના
- ઈયુઝીન અગસ્ટીન ડેવીડ (કિશ્ચન) (63), અંજારના
- આશિષ રાજેશભાઈ મિશ્રા (31), અમદાવાદ
- ચન્દ્ર૨ાજ મોહનભાઈ નાયર (46), અમદાવાદ
- અજય જગન્નાથ દુબે (27) અમદાવાદ
- અમિત કિશોરભાઈ મહેતા (45), અમદાવાદ
- શૈલેન્દ્ર અનિલકુમાર દેસાઈ (43), અમદાવાદ
- નિશા વા/ઓ અમિત કિશોરભાઈ મહેતા (42), અમદાવાદ
વોન્ટેડ આરોપી:
- વિપીન શર્મા, અમદાવાદ
પોલીસે કુલ 45.82 લાખનો મુદામાલ કબજે કર્યો:પોલીસે આરોપીઓ પાસેથી 100 ગ્રામની 7.80 લાખની કિંમતનું સોનાનું બિસ્કીટ, 14.47 લાખની કિંમતના 6 સોનાના લેડીઝ બ્રેસલેટ, ઈ.ડી.નું નકલી આઈકાર્ડ અને 2.55 લાખની કિંમતના 13 મોબાઈલ ફોન, ઉપરાંત ગુનાના કામમાં ઉપયોગમાં લેવામાં આવેલ 7.50 લાખની મહિન્દ્રા XUV500, 8 લાખની કિંમતની મહિન્દ્રા બોલેરો નીયો, 5 લાખની કિંમતની રેનોલ્ડ ડસ્ટર, 50000ની કિંમતની હોન્ડા એકટીવા મળીને કુલ 45.82 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ: અબ્દુલસતાર ઈશાક માંજોઠી આરોપી વિરુદ્ધ અગાઉ જામનગર જીલ્લાના પંચકોશી પોલીસ સ્ટેશનમાં ખંડણી સાથે હત્યાનો ગુનો તથા ભુજ સીટી પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ કરવા અંગે ગુનો દાખલ છે.
ગાંધીધામમાં નકલી EDનો પર્દાફાશ (Etv Bharat Gujarat) આરોપીઓની ગુનો કરવાની રીત:નકલી ED ની ટીમના આરોપી ભરત મોરવાડીયાએ તેના મિત્ર દેવાયત ખાચરને રાધીકા જવેલર્સમાં પાંચ-છ વર્ષ પહેલા ITની રેડ પડી હતી અને ત્યાં પુષ્કળ પ્રમાણમાં સોના - ચાંદી તથા રોક્ડ ૨કમ મળેલ હતી તેવી માહિતી આપી હતી. તો હાલમાં પણ રાધિકા જવેલર્સના માલીક પાસે 100 કરોડથી વધારે પ્રમાણમાં મિલકતો હોવા અંગેની માહિતી આપી. આ માહિતી આરોપી દેવાયત ખાચરે તેના મિત્ર અબ્દુલસતાર માંજોઠીને આપી અને અબ્દુલસતાર માંજોઠીએ આ માહિતી તેના મળતીયા હિતેષ ઠકક૨ તથા વિનોદ ચુડાસમાને આપી અને ભુજ ખાતે મળી ED ની રેઈડ કરવાની પ્લાનીંગ કરી હતી.
ગાંધીધામમાં નકલી EDનો પર્દાફાશ (Etv Bharat Gujarat) 15 દિવસ અગાઉથી કરી હતી પ્લાનિંગ:આરોપી દેવાયત ખાચર, અબ્દુલસતાર માંજોઠી, હિતેષ ઠકકર, વિનોદ ચુડાસમા સાથે બનાવના 15 દિવસ અગાઉ સાંજના સમયે આદિપુર બસ સ્ટેશન સામે આવેલ રજવાડી ચાની હોટલ ખાતે મુલાકાત કરી નકલી રેડ કરવા માટે પ્લાન બનાવ્યો હતો. આ પ્લાનને સફળ બનાવવા માટે વિનોદ ચુડાસમાએ અમદાવાદના આશિષ મિશ્રાનો સંપર્ક કર્યો અને તેના પાસેથી રેડ ક૨વા માટેની ટીપ્સ મેળવી હતી. આ ટિપ્સ માટે આશિષ મિશ્રાએ તેના શેઠ ચંદ્રરાજ નાયર સાથે મળી તેમની સાથે કામ ક૨તા અજય દુબે, અમિત મહેતા, નિશા મહેતા તથા વિપીન શર્મા સાથે મળી ED ની નકલી રેડની પ્લાનિંગ કરી હતી. આ ઉપરાંત અમદાવાદ ખાતે ડીવીઝન રેલ મેનેજર (DRM)ની ઓફીસમાં ટ્રાન્સલેટર તરીકે નોકરી કરતા શૈલેન્દ્ર દેસાઈને સાથે રાખીને તેમની પાસેથી મકાનમાં રેડ દરમિયાન મહિલા ઓફિસરનું હોવું જરૂરી છે તરીકેની માહિતી મેળવી હતી.
ગાંધીધામમાં નકલી EDનો પર્દાફાશ (Etv Bharat Gujarat) ED ના નામે નકલી આઇડી કાર્ડ બનાવાયું:નકલી ED ના અધિકારી તરીકેનો પહેરવેશમાં ત્રણ વ્યક્તિઓએ સૂટ પહેરવાનું નક્કી કર્યું તેમજ મહિલાઓને સર્ચ કરવા માટે મહિલા નિશા મહેતાને પણ સાથે રાખી. અમદાવાદ રહેતા આરોપીઓ અલગ અલગ બે વાહનથી ગાંધીધામ ખાતે આવી સ્થાનિક આરોપીઓને ગાંધીધામ બસ સ્ટેશનની નજીક મળ્યા. ત્યારબાદ તેઓ અલગ અલગ વાહનોમાં બેસી ફરીયાદીની રાધિકા જવેલર્સ પર પહોંચ્યા. અહીં આરોપી શૈલેન્દ્ર દેસાઈએ ED ના અધિકારી તરીકે પોતાની ખોટી ઓળખ આપી હતી ઉપરાંત તેણે બનાવટી Enforcement Directorate (ED) ના અધિકારી અંકિત તિવારીના નામનો નકલી આઈકાર્ડ પણ બનાવ્યો હતો. અને અંતે રાધિકા જવેલર્સ ખાતે ખોટી રેડ કરી હતી.
અસલી પોલીસની 37 લોકોની ટીમે કર્યા ગુનેગારોને જેલના હવાલે (Etv Bharat Gujarat) પોલીસે 37 લોકોની ટીમ બનાવીને સમગ્ર ગુનો ઉકેલ્યો:ફરિયાદીના મકાન પર તથા તેમના ભાઈઓના મકાન પર વધુ તપાસ કરવાનો ઢોંગ કરી તેમના મકાને જઈ ED ના અધિકારી તરીકે ઓળખ આપી આરોપીઓ દ્વારા મકાનમાં સર્ચ કરવામાં આવ્યું હતું. અહીં ફરીયાદીના મકાનમાં રહેલા સોનાના દાગીના તથા રોકડ રકમ અલગ તારવી ફરિયાદીની નજર ચુકવી આરોપી નિશા મહેતાએ સોનાના દાગીનામાંથી કેટલાક દાગીનાની ચોરી કરી ગુનો કર્યો હતો. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે કુલ 37 લોકોની ટીમ બનાવી હતી. જેમાં પૂર્વ કચ્છ એલસીબીના પીઆઈ અને પીએસઆઈ તેમજ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ તેમજ એલસીબી વિભાગના 18 અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના 14 જેટલા કર્મચારીઓએ સાથે જોડાઈને આ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો અને નકલી ED ની ટીમ ઝડપી પાડી હતી.
આ પણ વાંચો:
- સુરતના પાંડેસરા વિસ્તારમાં બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવનાર બોગસ ડોક્ટરને ઝડપાયો
- આર્મીના ડ્રેસમાં યુવકને સીન સપાટા મારવા ભારે પડ્યા, નકલી જમાદાર બાદ નકલી આર્મીમેનની શાન ઠેકાણે લાવતી પોલીસ