કચ્છ: ભચાઉ નગરપાલિકામાં બે વર્ષ સુધી વહીવટદાર શાસન રહ્યા બાદ હવે નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે. જેમાં ભાજપે એક સાથે 17 જેટલી બેઠક બિનહરીફ મેળવી લેતા બહુમતી થઈ છે અને નગરપાલિકાનું સુકાન ભાજપે મેળવી લીધું છે. ત્યારે હવે માત્ર બાકીની 11 બેઠક ઉપર 16મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવાની છે, બાકીની બેઠકો પર પણ ભાજપે જીતવા વ્યાપક પ્રયાસો કર્યા છે. ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસે પણ જીત મેળવવા અને વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે અનેક પ્રયાસો કર્યા છે.
રાજકીય પક્ષો દ્વારા એડીચોટીનું જોર
ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પાર્ટીઓ હાલ ચૂંટણી પ્રચાર, સભાઓ સહિતના કાર્યક્રમો કરી રહી છે. રાજકીય પક્ષો દ્વારા વોર્ડ મુજબ કાર્યાલય, જાહેરસભા, ડોર-ટુ-ડોર પ્રચાર કરવામાં આવી રહ્યા છે તો ભાજપ દ્વારા બે ધારાસભ્ય, સાંસદ, જિલ્લા પંચાયતના પ્રમુખ અને સંગઠનની વિવિધ પાંખના વડાઓએ પણ જોર લગાવી ચૂંટણીનો માહોલ ઊભો કર્યો છે.
વર્ષ 2001ના ભૂકંપ બાદ એક વખત કોંગ્રેસના શાસન બાદ ભચાઉ નગરપાલિકા ઉપર ભાજપનું જ શાસન
ભચાઉ તાલુકાનું મુખ્ય મથક ભચાઉ શહેર ઔદ્યોગિક એકમો, રેલવે લાઈન, સિક્સલેન નેશનલ હાઈવે વચ્ચે વસેલું છે. ભૂકંપ બાદ કેન્દ્ર, રાજ્ય સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ભચાઉ શહેર બેઠું થયું અને ચારે તરફ વિકસ્યું છે. અનેક નવા પ્રોજેક્ટો અહીં આવ્યા છે જેમાં રિંગરોડ, નવી વસાહતો, શોપિંગ સેન્ટર, સોલાર પ્રોજેક્ટ, વિન્ડફાર્મ પ્રોજેક્ટ પણ અહીં આવ્યા છે . વર્ષ 2001ના ભૂકંપ બાદ એક વખત કોંગ્રેસના શાસન બાદ ભચાઉ નગરપાલિકા ઉપર ભાજપનું જ શાસન રહ્યું છે.
ભચાઉ નગરપાલિકાનો ઈતિહાસ:
વર્ષ 1994થી ભચાઉ નગરમાં ભચાઉ નગરપાલિકા અમલમાં આવી ત્યારે રાજકીય પક્ષોની જગ્યાએ સમિતિનું ગઠન થયું હતું. નવેસરથી નગરપાલિકાની ચૂંટણી થાય તે પહેલાં વર્ષ 2001માં ભૂકંપ આવ્યો. 2001માં રાપરના હાલના ભાજપના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તે સમયે કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા, પરંતુ ત્યાર બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને 2.5-2.5 વર્ષ પ્રમુખ પદ પર રહ્યા હતા. વર્ષ 2008માં ફરી એકવાર ભાજપે ભચાઉ નગરપાલિકાની સત્તા મેળવી હતી. તો વર્ષ 2013માં કોંગ્રેસ ભાજપ વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં કોંગ્રેસના વિજેતા બનેલા નવરસેવકો પણ ભાજપમાં જોડાઈ ગયા હતા અને કચ્છ જિલ્લા કોંગ્રેસના અગ્રણી વી.કે. હુંબલે વાંધો ઉઠાવ્યો. જેથી કેટલાક નગરસેવકો પદભ્રષ્ટ થયા હતા. જેથી કરીને ફરી ચૂંટણી થઈ હતી અને ફરીવાર ભાજપ સત્તામાં આવી હતી અને 2022 સુધી ભાજપનું શાસન રહ્યું હતું. ત્યારબાદ વર્ષ 2022થી 2025 સુધી વહીવટદારનું શાસન રહ્યું હતું. હાલની વર્ષ 2025ની ચૂંટણીમાં 28 પૈકી 17 જેટલી બેઠક તો ભાજપે બિનહરીફ થઈને મેળવી લીધી છે. ત્યારે ભાજપે ભચાઉ નગરપાલિકાની ચૂંટણી પર જીતની હેટ્રિક મારી દીધી છે.