કચ્છ:દિવાળી વેકેશન અને રણોત્સવની શરૂઆત થતાં જ કચ્છમાં પ્રવાસન ક્ષેત્ર ધમધમી ઉઠે છે. રણોત્સવના ચાર મહિનાઓમાં જ અંદાજિત 5 લાખ પ્રવાસીઓ કચ્છ અને સફેદ રણની મુલાકાત લેતા હોય છે. તેવામાં હાલ જિલ્લા મથક ભુજથી માંડીને સફેદ રણ સુધીના આસપાસના વિસ્તારમાં હોમ સ્ટેનું ચલણ વધ્યું છે. હોમ સ્ટે એટલે કે હોમ અવે ફ્રોમ હોમ મતલબ કે ઘરથી દૂર રહીને પણ ઘરની અનુભૂતિ કરી શકાય. હોમ સ્ટે ચલાવતા લોકો આવેલા મહેમાનો સાથે ત્રણ કે ચાર દિવસ પરિવાર જેમ આત્મીયતાથી રહે.
કચ્છમાં વધી રહ્યું છે હોમસ્ટેનું ચલણ
કચ્છમાં અને તેમાં પણ ખાસ કરીને જિલ્લા મથક ભુજમાં છેલ્લા પાંચ વર્ષમાં હોમસ્ટે ઘણા વધ્યા છે. અતિથિ અને યજમાન બંને એકબીજાના કલ્ચર, ફૂડ, વિચારો અને જે સંસ્કૃતિ છે તેનું આદાનપ્રદાન કરે છે. ભુજમાં હેરિટેજ વ્યૂ સાથેનું હોમ સ્ટે કે જે દરબારગઢ ખાતે આવેલું છે, જ્યાંથી રાજાશાહી સમયનો પ્રાગ મહલનો અદભુત નજારો માણી શકાય છે તેવું પ્રાગવ્યુ હેરિટેજ હોમ સ્ટે આવેલું છે.
હોટલો રિસોર્ટમાં ફૂલ બુકિંગ
છેલ્લા 20 વર્ષમાં કચ્છમાં પ્રવાસન પૂરઝડપે વિકસ્યું છે. સફેદ રણ વિશ્વવિખ્યાત બનતા હવે વિશ્વના ખૂણે ખૂણેથી લોકો આ મીઠાનું રણ જોવા કચ્છ પધારી રહ્યા છે. પ્રવાસન વિકસતા કચ્છમાં અનેક વ્યવસાયો પણ ખીલી ઉઠ્યા છે, જેમાં હોટેલ વ્યવસાયને પણ ખૂબ ફાયદો થયો છે, તો નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં કચ્છની હોટલો રિસોર્ટમાં ફૂલ બુકિંગ હોય છે અને ભાડું પણ વધારે હોય છે. ત્યારે પ્રવાસનને વેગ આપવા માટે હોમ સ્ટે પણ વધી રહ્યા છે. તો સાથે જ હવે કચ્છમાં હોમ સ્ટે પણ ખીલી રહ્યું છે.
હોટેલ રિસોર્ટ કરતા હોમ સ્ટેનું ભાડું ઓછું હોતાં પ્રવાસીઓને વધારે પસંદ
લોકો પોતાના ઘરમાં અથવા તો પોતાની માલિકીના ખાલી ઘરમાં પ્રવાસીઓને આવકારી તેમને પોતાના ઘર જેવી જ અનેક સુવિધાઓ પૂરી પાડે છે. વળી શહેરોમાં આવેલા હોટેલ રિસોર્ટ કરતા આ હોમ સ્ટેનું ભાડું ઓછું હોવાથી પ્રવાસીઓ પણ હોમ સ્ટેને વધારે પસંદ કરી રહ્યા છે. તો સાથે જ હોમ સ્ટેમાં રહી લોકો કચ્છની ગ્રામીણ સંસ્કૃતિ તેમજ કચ્છનું પારંપરિક ભોજન કચ્છી ભાણું પણ માણે છે. લોકોના મનોરંજન માટે કચ્છી સંગીત અને અન્ય પારંપરિક પ્રોગ્રામના પણ આયોજન કરવામાં આવે છે. આ હોમ સ્ટેનું ભાડું સીઝન મુજબ બદલતું રહે છે કે 1500 થી 3000 સુધી હોય છે.