કચ્છ:જિલ્લાના પ્રખ્યાત છારી-ઢંઢ ફોરેસ્ટના કન્ઝર્વેશન વિસ્તારમાં યાયાવર પક્ષીઓના શિકાર કરવા જઈ રહેલી ટોળકીને શિકાર કરવાના સાધનો સાથે સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ તથા નિરોણા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે.
શિકારી પ્રવૃત્તિ થતા બચાવાઈ: પશ્ચિમ કચ્છ જીલ્લાના વિસ્તારમાં શિકારીઓ દ્વારા શિકાર કરવાની પ્રવૃતિ ડામવા અને શિકાર કરતી ટોળકીને શોધવા માટે બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ એસપી વિકાશ સુંડા દ્વારા સૂચનાઓ આપવાના આવી હતી. આ સૂચનાઓ અતંર્ગત સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમના પોલીસ ઇન્સ્પેકટર પી.કે. રાડાના સુપરવીઝન હેઠળ SIT તથા નિરોણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબઇન્સ્પેકટર એચ.એમ. ગોહીલ, SITની ટીમ તેમજ નિરોણા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો નિરોણા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગ માટે નીકળ્યા હતા.
5 આરોપીઓ ઝડપાયા: પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રીતે મળેલ બાતમીના આધારે છારી ઢંઢ ફોરેસ્ટના કન્ઝર્વેશન વિસ્તારમાંથી શિકાર કરવાના સાધનો તેમજ વાહન સાથે કુલ 5 જેટલા આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા હતા. આ આરોપીઓને વન્ય સંરક્ષણ અધિનીયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા વન વિભાગને સોપવામાં આવ્યા છે.
રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડી.બી. દેસાઈએ જણાવ્યું હતું કે, 'છારી-ઢંઢ ફોરેસ્ટના કન્ઝર્વેશન વિસ્તારમાં હાલમાં લાખોની સંખ્યામા યાયાવર પક્ષીઓ આવ્યા છે. આ પક્ષીઓ દર વર્ષે આ સમયે કચ્છની મુલાકાતે આવે છે અને કચ્છમાં 4 માસ જેટલા સમય માટે રોકાય છે અને પોતાની લાઈફ સાયકલ ચલાવે છે. આ બાબતનો ખોટી રીતે લાભ લેવા છારી-ઢંઢ ફોરેસ્ટના કન્ઝર્વેશન વિસ્તારમાં 5 આરોપીઓ યાયાવર પક્ષીઓનો શિકાર કરવાની લાલચમાં ઘૂસ્યા હતા. આ બાતમીના આધારે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.'