ગીર સોમનાથ : કૃષ્ણ દેહોત્સર્ગ ભૂમિ તરીકે જાણીતા ભાલકા તીર્થ ક્ષેત્રમાં ગોકુળ આઠમનો તહેવાર ધાર્મિક વિધિ વિધાન સાથે ઉજવાયો હતો. જેમાં સમગ્ર દેશમાંથી આવેલા શ્રી હરિના ભક્તોએ ભાગ લઈને મધ્યરાત્રીએ "નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી"ના ગગનભેદી નાદ સાથે ભગવાન શ્રીકૃષ્ણના અવતરણ પ્રસંગને ઉજવ્યો હતો.
ભાલકા તીર્થમાં ઉજવાયો "કૃષ્ણ જન્મોત્સવ" (ETV Bharat Gujarat) કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી :કૃષ્ણ દેહોત્સર્ગ ભૂમિ ભાલકાતીર્થમાં ગોકુળ આઠમનો તહેવાર ધાર્મિક આસ્થા સાથે ઉજવાયો હતો. મધ્યરાત્રીના 12:00 કલાકે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ પ્રસંગે ભાલકા તીર્થમાં એકઠા થયેલા શ્રી હરિના ભક્તોએ "નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી" ના ગગનભેદી નાદ સાથે ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય દિવસને ગોકુળ આઠમના રૂપમાં ઉજવવામાં આવ્યો હતો. સોમનાથ મંદિર ટ્રસ્ટના પૂજારી અને પદાધિકારીઓ પણ ખાસ આઠમની પૂજામાં હાજર રહ્યા હતા.
ભાલકા તીર્થ :ભગવાન શ્રીકૃષ્ણની લીલાનો ઉલ્લેખ સનાતન ધર્મના ગ્રંથોમાં જોવા મળે છે. શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં થયો, બાળપણ ગોકુળમાં પસાર થયું. શ્રીકૃષ્ણએ દ્વારકા પર રાજ કર્યું અને અંતે પ્રભાસ તીર્થ ક્ષેત્રની ભૂમિ પ્રભાસ પાટણમાં દેહ છોડ્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણની લીલાનું અંતિમ સ્થાન ભાલકાતીર્થ છે, જ્યાં શ્રીકૃષ્ણએ દેહ છોડ્યો હતો. તે દેહોત્સર્ગ ધામ આજે વૈષ્ણવો માટે અનન્ય આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે.
કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી (ETV Bharat Gujarat) બાણ ગંગા અને શશીભૂષણ દેવનું મંદિર :ભગવાન શ્રીકૃષ્ણ ભાલકા તીર્થ નજીક આરામ કરી રહ્યા હતા. ત્યારે દરિયાકાંઠે આવેલા બાણ ગંગા મહાદેવ મંદિરથી જરા પારધીએ બાણ છોડ્યું હતું, જેથી આ સ્થળ બાણ ગંગા તરીકે જાણીતું છે. અહીં ત્રિવેણી સંગમ પાસે નદીના કાંઠે ભગવાન શશીભૂષણ મહાદેવનું પ્રાચીન મંદિર પણ આવેલું છે. ભગવાન શ્રીકૃષ્ણ ભાલકા તીર્થમાં મહા સમાધિમાં લીન થયા બાદ તેમના પાર્થિવ દેહની અંતિમવિધિ શ્રી દેહોત્સવ ખાતે કરવામાં આવી હોવાનો ઉલ્લેખ છે.
- ભાલકા તીર્થમાં ભગવાન શ્રીકૃષ્ણએ દેહત્યાગ કર્યો, "હરી અને હર" ભૂમિની કથા
- કચ્છના ચિત્રકારની અદભુત કૃષ્ણભક્તિ, "મોરપીંછ" પર કંડાર્યા "ભગવાન કૃષ્ણ"