જુનાગઢ: સાલેહભાઈની આંબળીથી ગીરની કેસર કેરી: ગીરમાં પાકતી કેરી સમગ્ર વિશ્વમાં કેસર ના નામથી ખ્યાતિ પામી ચૂકી છે કેરીના ઇતિહાસ પર નજર કરીએ તો કેસરનું મૂળ જન્મસ્થળ જુનાગઢ નજીકનું વંથલી ગામ માનવામાં આવે છે વર્ષ 1930 માં અહીંના આંબાવાડીમાં આંબાના ઝાડ પર કેટલાક ઝાડમાં અલગ પ્રકારની કેરી જોવા મળી જેના પર જૂનાગઢના નવાબ ના વઝીર સાલેહભાઈ નું ધ્યાન જતા તેમણે ચાર જાડ માં જોવા મળતી અલગ પ્રકારની કેરી તેમના ઘરે મંગાવી તેને પકાવી અને માંગરોળના શેખ જહાંગીર મિયાને ભેટ તરીકે આપી ત્યાર બાદ આ કેરીનો સ્વાદ રંગ આકાર અને તેની સોડમ ને કારણે તેના નામકરણ ને લઈને માંગરોળના શેખ જહાંગીર મિયાના દરબારીઓએ તેને સાલેહ ભાઈની આબળી તરીકે વર્ષ 1930 માં પ્રથમ વખત નામકરણ કર્યુ.
કેરીના શોખીન જૂનાગઢના નવાબે આપ્યું નવું નામ:જૂનાગઢના નવાબ મોહમ્મદ ખાન ત્રીજાને કેરીના ખૂબ શોખીન નવાબ તરીકે પણ ઓળખવામાં આવે છે જેનો આજે પણ જુનાગઢના ઈતિહાસમાં ઉલ્લેખ જોવા મળે છે. સાલેહભાઈની કેરીના આટલા વખાણ સાંભળીને જુનાગઢના નવાબે ચાર આંબાના ઝાડ પરથી 90 જેટલી કલમ વર્ષ 1930 માં તૈયાર કરાવી, જેમાંથી 70 કરતાં વધુ કલમો સફળ રહેતા તેનું વાવેતર જૂનાગઢ સહિત આસપાસના વિસ્તારોમાં કરવામાં આવ્યું જેમાં ચાર વર્ષના સમયગાળા બાદ કેરીનું ઉત્પાદન શરૂ થયું જે વંથલીમાં જોવા મળતી કેરીની સાથે સાલેહભાઈની આંબળી કેરી કરતા પણ આકાર રંગ સોડમ અને સ્વાદમાં અલગ પ્રકારની જોવા મળી. જેને કારણે કેરીને નવું નામકરણ કરવાની દિશામાં જૂનાગઢના નવાબે તેના દરબારીઓની બેઠક બોલાવી.
જુનાગઢના દરબારીઓએ કેરીને આપ્યું કેસર નામ: જુનાગઢના નવાબની હાજરીમાં મળેલી દરબારીઓની બેઠકમાં કલમો પરથી તૈયાર થયેલી કેરી પ્રત્યેક દરબારીને આપવામાં આવી. કેરીનો સ્વાદ તેની સુગંધ કેરીના છાલનો કલર અને તેના પલ્પનો રંગ સાલેહભાઈની આંબળી કરતાં અલગ રીતે તરી આવ્યો. આ કેરીમા રેસાઓનું પ્રમાણ ખૂબ ઓછું ગોઠલુ એકદમ નાનું અને કેરીનો પલ્પ કેસરના કલર જેવો હોવાને કારણે અંતે જુનાગઢના નવાબે દરબારીઓના મતને આધારે કેરીને કેસરનું નવું નામકરણ કર્યું જે 1934 થી જુનાગઢ અને ગીર પંથકમાં થતી કેરી કેસરના નામે ઓળખાવાની શરૂઆત થઈ જે આજે પણ દેશ અને દુનિયાના સીમાડાઓ વટાવીને કેસર કેરી તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકી છે.