ખેડા :ઉત્તરાયણ પહેલા જ ખેડા જિલ્લાના કપડવંજથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો છે. કપડવંજના સાવલી પાસેથી આઈસર ટેમ્પોમાં લઇ જવાતા રૂ. 4,18,500 ની કિંમતના 1674 માંઝા તેમજ આઈસર સહિત કુલ રૂ. 11,28,500 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. કપડવંજ રૂરલ પોલીસે બે આરોપીને ઝડપી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, દોરી વાગવાને કારણે ઘણા પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ચાઈનીઝ દોરી હોય કે પછી વધુ કાચ પીવડાવાયેલી દોરી લોકોની તહેવારની મોજ ઘણા પરિવારોના દીવા હોલવી ચુકી છે છતા હજુ પણ એવા ગ્રાહકો મળી જાય છે જે આ પ્રકારના જોખમી માંજાથી તહેવાર ઉજવતા હોય છે અને તેને કારણે નફો કમાઈ લેવા આવા શખ્સો પણ જોખમી દોરી બજારમાં ઉતારવાના સતત જોખમો લઈ રહ્યા છે.
ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો :ઉતરાયણ પહેલા જ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપલો શરૂ થયો છે. જોકે, ખેડા જિલ્લા પોલીસે પણ અત્યારથી ચાઈનીઝ દોરી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. કપડવંજ રૂરલ પોલીસની યાદી મુજબ બાતમીના આધારે કપડવંજ રૂરલ પોલીસે ડાકોર લાડવેલ ચોકડીથી કપડવંજ તરફ વોચ ગોઠવી હતી. જે દરમિયાન બાતમી અનુસાર આઈસર આવતા તેમાં ચેકિંગ કરતા તેમાંથી ચાઈનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો હતો.
કપડવંજથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેપલાનો થપ્પો (ETV Bharat Gujarat) બે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી :પોલીસે ચાઈનીઝ દોરીના જથ્થો તેમજ આઈસર ટેમ્પો અને મોબાઈલ સહિત કુલ રૂ.11,28,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ આ દોરી સાથે પકડાયેલા માતર તાલુકાના સંધાણાના રહેવાસી મહમદ સિદ્દીક સિરાજમિયા અને ભાલેજના રહેવાસી મોહસીનખાન અનવરખાન પઠાણ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
માનવતાનો અભિગમ રાખવા SPની સલાહઃ આ અંગે જાણકારી આપતા ખેડા જિલ્લાના પોલીસ વડા રાજેશ ગઢીયાએ કહ્યું કે, કપડવંજ પોલીસ દ્વારા ચાઈનીઝ દોરીનો જથ્થો પકડાયો છે. ડીજીપી દ્વારા સૂચના છે જેમાં ચાઈનીઝ અને સીન્થેટિક દોરીની બાબતમાં સખત કાર્યવાહી કરવા કહેવાયું છે. આ દોરીઓને કારણે ઘણા અકસ્માતો થતા હોય છે ઘણા પરિવારો નષ્ટ થયા છે. આ બાબતે અમે ખુબ સક્રિય હતા. ગઈકાલે એક આઈસરને ચેક કરતા તેમાંથી દોરીનો જથ્થો પકડાયો છે. આરોપીઓને પણ પકડી લેવાયા છે. જિલ્લાના લોકોને અપીલ છે કે આ પ્રકારની દોરીથી અન્ય રાહદારીઓના ગળામાં જ્યારે દોરી ભરાય છે ત્યારે મૃત્યુ થાય ત્યાં સુધીની ઈજાઓ થાય છે. તેનો પરિવાર રઝળી પડે છે. માનવતાનો અભિગમ અપનાવી આ પ્રકારની દોરીનો ઉપયોગ ટાળવો જોઈએ. છતાં જો આ પ્રકારની દોરીનો ઉપયોગ, વેચાણ કે સંગ્રહ કરશે તેની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.
ચાઈનીઝ દોરી વિરુદ્ધ કાર્યવાહી :ખેડા જિલ્લામાંથી મોટી માત્રામાં ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ દોરીના વેચાણ અને ઉપયોગને લઈને પણ હાલ કાર્યવાહી ચાલી રહી છે. માનવ સહિત પશુ-પક્ષીઓ માટે પણ ચાઈનીઝ દોરી જીવલેણ નીવડી રહી છે. જેને લઈ તેનો વપરાશ ન કરવા પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
- ખેડાના મહુધામાં વૃદ્ધ દંપતીને ડરાવી સાઈબર ઠગોએ રૂ. 61 લાખ પડાવ્યા
- ખેડામાં સાંસી ગેંગની 3 મહિલા આરોપી ઝડપાઇ, શું છે મોડસ ઓપરેન્ડી?