જૂનાગઢ:પ્રભાસ તીર્થ ક્ષેત્રનો ઇતિહાસ સકંધ પુરાણ પ્રમાણે ખૂબ જ પ્રાચીન હોવાનું માનવામાં આવે છે. દેવો અને દાનવો વચ્ચે થયેલા ભિષણ યુદ્ધ બાદ દેવોની હાર થતાં તેઓએ સિગર કિનારે શ્રીહરિ વિષ્ણુને દૈત્યોના આક્રમણથી બચાવવા માટે પ્રાર્થના કરી હતી, જેને લઈને ભગવાન શ્રીહરી વિષ્ણુએ પ્રભાસતીર્થ ક્ષેત્રની ભૂમિમાં તેમના ચક્ર વડે દૈત્યોનો સંહાર કરીને પ્રભાસતીર્થ ક્ષેત્રને દૈત્યોથી મુક્ત કરાવ્યું હતું. ત્યારબાદ ભગવાન શ્રીહરિ વિષ્ણુના સંહાર બાદ તેમનું ચક્ર પ્રભાસતીર્થ ક્ષેત્રમાં આવેલા ચક્ર કુંડમાં ધોયું હોવાની સનાતન ધર્મમાં લોકવાયકા પ્રચલિત છે.
આજે ચક્ર કુંડ અસ્તિત્વ ધરાવતો નથી, પરંતુ અહીંથી શ્રીહરી વિષ્ણુની શ્યામ વર્ણની પ્રતિમા બહાર આવી હતી જેને મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે. આજથી 200 વર્ષ પૂર્વેથી પ્રભાસતીર્થમાં ભગવાન શ્રીહરિ વિષ્ણુએ દૈત્યસુદનના રૂપમાં દર્શન આપ્યા હતા.
મંદિરની પ્રતિમા અને પૂજા:શ્રીહરિ વિષ્ણુના રૂપમાં દર્શન આપી રહેલા શ્યામ વર્ણના દૈત્યસુદનની પ્રતિમા સવા પાંચ ફૂટ લંબાઈ ધરાવે છે. જેની પૂજા વૈષ્ણવ સંપ્રદાય પ્રમાણે કરવામાં આવે છે. સામાન્ય રીતે ભગવાન શ્રીહરિ વિષ્ણુના બે હસ્ત આકાશ તરફ અને બે હસ્ત પૃથ્વી તરફ હોય છે, પરંતુ દૈત્યસુદન પ્રતિમાના ત્રણ હસ્ત આકાશ તરફ અને એક હસ્ત પૃથ્વી તરફ જોવા મળે છે. જેને કારણે પણ દૈત્યસુદનના દર્શન ખૂબ જ પ્રભાવી માનવામાં આવે છે. દૈત્યસુદનના ચરણોમાં માતા લક્ષ્મી પ્રદ્યુમન બલભદ્ર અને અનિરુદ્ધની પ્રતિમા પણ પ્રસ્થાપિત કરવામાં આવી છે. વૈષ્ણવ સંપ્રદાય પ્રમાણે વાસુદેવ આત્મા સમાન માનવામાં આવે છે.