123 વર્ષથી વધુ જૂનું અમૂલ્ય કલેક્શન, બેલ્જિયમના એન્ટીક્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર (Etv Bharat) જૂનાગઢ : આજે વિશ્વભરમાં સંગ્રહાલય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢમાં સ્થિત 123 વર્ષ કરતાં પણ વધુ જૂના સંગ્રહાલયમાં ઇતિહાસને નજર સમક્ષ ફરી એકવાર ખડો કરી શકે તે પ્રકારની બેનમૂન ચીજ વસ્તુઓ રાખવામાં આવી છે.
જૂનાગઢ સંગ્રહાલય : જૂનાગઢમાં સ્થિત 123 વર્ષ જૂનું સંગ્રહાલય અનેક યાદોને સમાવીને બેઠું છે. 123 વર્ષ પૂર્વેના શાસકો દ્વારા જે ચીજ વસ્તુઓ તેમના શાસનકાળમાં હતી તેને આજે પણ જૂનાગઢના સંગ્રહાલયમાં સુરક્ષિત રાખવામાં આવી છે. આઝાદી પૂર્વેના જૂનાગઢના રંગબેરંગી ઇતિહાસને આજે 123 વર્ષ બાદ પણ નજર સમક્ષ આબેહૂબ ખડો કરવામાં જૂનાગઢ મ્યુઝિયમ મહત્વનું કામ કરે છે.
બેલ્જિયમ કાચના બેનમૂન વાસણો :જૂનાગઢ મ્યુઝિયમમાં નવાબના સમયમાં ખાસ તૈયાર કરાયેલા બેલ્જિયમ તરાશેલ કાચના દર્પણ અને કાચના સામાન આજે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. જેમાં ઇસ્તંબુલ કાચના નમુના ખૂબ જ આકર્ષિત કરી રહ્યા છે બોહેમિયા ચેકોસ્લોવેકિયા ફ્રાન્સ અને ઇંગ્લેન્ડની બનાવટના રંગબેરંગી કાચના જુમર અને વોલ બુટ્ટા આજે પણ ભારતની જાહોજહાલીને કાચના રૂપમાં પણ પ્રદર્શિત કરી રહ્યાં છે. આ સિવાય જૂનાગઢના સંગ્રહાલયમાં કાચની રકાબીઓ રાખવામાં આવી છે, આ કપમાં આઠમાં નવાબ રસુલખાનજી અને વજીર બહાઉદ્દીનની તસવીરો ઉપસાવવામાં આવી છે.
નવાબના લગ્નની સાક્ષી બનેલી બગી :નવાબના સમયમાં કાષ્ટકલાને પણ ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. નવાબી કાળના કાસ્ટકલાના નમૂનાઓ પણ જૂનાગઢ મ્યુઝિયમમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. નવાબના લગ્નનું મોડેલ જે તે સમયે નવાબી ઠાઠ અને દબદબા સાથેની નવાબની સાદગીની પ્રતીતિ કરાવે છે. જેને મ્યુઝિયમના મધ્ય ભાગમાં પ્રદર્શન માટે રાખવામાં આવ્યું છે. ભારત આઝાદ થયા બાદ 1977 માં નવાબના લગ્ન મંડપની રેપ્લિકા તૈયાર કરવાની જવાબદારી હરિદાસ મિસ્ત્રીને સોંપવામાં આવી હતી. જે રેપ્લિકા પણ આજે પ્રવાસીઓનું ધ્યાન આકર્ષિત કરે છે.
- આજે છે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ, શું તમે જાણો છો અમદાવાદના આ પ્રાચીન મ્યુઝિયમ વિષે?
- જૈન ધર્મની સ્થાપનાને આજે 2580 વર્ષ થયા પૂર્ણ, જાણો કોણે કરી હતી? જૈન ધર્મની સ્થાપના