જૂનાગઢ :2024 લોકસભા ચૂંટણી અંગે પ્રતિક્રિયા આપતા કિન્નર સમાજે તેમના પ્રશ્નોને લઈને નવી સરકાર અને સાંસદ તેમની માંગણી પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વ્યક્ત કરે તેવી માંગ કરી છે. અત્યાર સુધી ચૂંટાયેલો કોઈ પણ પદાધિકારી તેમના સમાજને લઈને જાગૃત જોવા મળતા નથી, જેને લઈને કિન્નર સમાજમાં રોષ જોવા મળે છે.
સરકાર પાસેથી અપેક્ષા જણાવતા કિન્નરોએ કહી દીધી મોટી વાત... કિન્નર સમાજની માંગ :લોકસભાની સામાન્ય ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે કિન્નર સમાજની માંગણી સરકાર સુધી પહોંચે તે માટે નવી સરકાર અને સાંસદ સક્રિય બને તે અંગે કિન્નર સમાજે માંગ કરી છે. અત્યાર સુધી ચૂંટાયેલી સરકાર કે કોઈપણ સાંસદ અથવા ધારાસભ્ય તેમના પ્રત્યે અને ખાસ કરીને કિન્નર સમાજના પડતર પ્રશ્નો અને તેની માંગોને લઈને ખૂબ જ ઉદાસીન જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં ન માત્ર જૂનાગઢ પરંતુ સમગ્ર રાજ્યમાં કિન્નર સમાજ પ્રત્યે ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉદાસીનતા છે, તે આવનારી નવી સરકાર અને સંસદમાં દૂર થાય તેવો આશાવાદ પણ જૂનાગઢના કિન્નર સમાજે વ્યક્ત કર્યો છે.
ભ્રષ્ટાચાર અંગે નારાજગી :જૂનાગઢના કિન્નર સમાજે રાજનીતિમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને લઈને પણ ખૂબ જ નારાજગી વ્યક્ત કરી છે. રાજકારણમાંથી ભ્રષ્ટાચાર દૂર થવો જોઈએ, સામાન્ય અને ગરીબ વર્ગના લોકોનું જીવન નિર્વાહન થઈ શકે તે માટે નવી સરકારે યોજના કરવી જોઈએ તેવી પણ માંગ કરી છે. વધુમાં વડાપ્રધાન મોદીએ કિન્નર સમાજના પ્રત્યેક વ્યક્તિને એક હજાર રૂપિયાની આર્થિક સહાય જાહેર કરી હતી, જે આજે પણ કિન્નર સમાજને મળી નથી. તેનું દુઃખ વ્યક્ત કરતા કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદીએ જાહેર કરેલી સહાય પ્રત્યેક કિન્નર સુધી પહોંચે તે માટે વ્યવસ્થા થાય તેવી પણ માંગ કરી છે.
કિન્નર મતદારોનું મહત્વ :ભારતના ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા ફેરફાર મુજબ કેટલાક વર્ષોથી મહિલા અને પુરુષની સાથે ત્રીજી જાતિ એટલે કે કિન્નર મતદારોનો પણ સમાવેશ કરાયો છે. તેઓ પાછલા ઘણા વર્ષોથી ચૂંટણીમાં મતદાન પણ કરી રહ્યા છે. પરંતુ કિન્નર સમાજ પ્રત્યે કોઈપણ સરકાર સાંસદ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ યોગ્ય રજૂઆત કરી નથી. રેશનકાર્ડથી લઈને આર્થિક સહાય અને અન્ય સરકારી જોગવાઈઓમાં કિન્નર સમાજને પૂરતું પ્રતિનિધિત્વ મળવું જોઈએ, તેવી જોગવાઈ નવી સરકારમાં થાય તેવી પણ આશા જૂનાગઢનો કિન્નર સમાજ રાખી રહ્યો છે.
- સુરતમાં કિન્નર સમાજ અગ્રણી નૂરી કુંવરે મતદાન માટે કરી અપીલ, મત આપી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરીએ
- કિન્નર હિમાંગી સાખી PM મોદી સામે અપક્ષ ચૂંટણી લડશે, હિન્દુ મહાસભાએ ટિકિટ પાછી ખેંચી