ક્ચ્છ:દેશમાં ભારતીય નૌકાદળની સિદ્ધિઓ અને ભૂમિકાને ઓળખવા માટે દર વર્ષે 4 ડિસેમ્બરના દિવસને નેવી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ભુજમાં પણ નેવી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રેલી અને નાટક સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે નેવીએ તાકાત બતાવી: ઇન્ડિયન નેવીની કામગીરી વિશે લોકો જાગૃત થાય તેવા ઉદ્દેશ સાથે ભુજમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં NCCના વિદ્યાર્થીઓ જોડાયા હતા. ત્યારે વર્ષ 1971 ભારત - પાકિસ્તાન યુદ્ધ સમયે ભારતીય નેવીએ પોતાની તાકાત બતાવી હતી અને ભારતે વિજય મેળવ્યો હતો. તે અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. કચ્છના યુવાનો ઇન્ડિયન નેવીમાં જોડાય તે માટે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે ભુજમાં ઇન્ડિયન નેવી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વર્ષ 2016માં નેવીના NCC ક્વાર્ટર ફાળવાયા:ઉલ્લેખનીય છે કે, સરહદી કચ્છ જિલ્લાના 10માંથી 6 તાલુકામાં કોસ્ટલ સીમા છે. ત્યારે NCCના કેડેટ્સ માટે પશ્ચિમ કચ્છના ભુજ હેડક્વાર્ટર માટે 5-નેવી બટાલિયન તથા પૂર્વ કચ્છના ગાંધીધામ ખાતે 6-નેવી બટાલિયન સરકાર દ્વારા વર્ષ 2016માં ફાળવવામાં આવી હતી અને કચ્છના વિદ્યાર્થીઓ નેવીમાં કારકિર્દી બનાવી રહ્યા છે. કચ્છની સરહદ અતિ મહત્વની તથા સંવેદનશીલ છે. ત્યારે આ NCCની નેવી બટાલિયન દ્વારા તૈયાર થયેલા જવાનો આર્મી તથા નેવીમાં જોડાઈ રહ્યા છે. હાલમાં કચ્છ જિલ્લામાં કુલ 1500 જેટલા કેડેટ્સ છે. જેમાં કોલેજ કક્ષાના કેડેટ્સ તથા શાળા કક્ષાના કેડેટ્સનો સમાવેશ થાય છે. જેઓને આ નેવી બટાલિયનમાં આર્મી તથા નેવીની તાલિમ આપવામાં આવી રહી છે.