વડોદરાના દ્રષ્ટિહીન ચેસ ખેલાડી દર્પણ ઇનાની (ETV Bharat Reporter) કચ્છ : માધાપરના શ્રી નવચેતન અંધજન મંડળ ખાતે રાજ્યકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભ હેઠળ દ્રષ્ટિક્ષતિ ખેલાડીઓ માટે ચેસ સ્પર્ધા યોજવામાં આવી રહી છે. જેમાં સમગ્ર રાજ્યના 28 જિલ્લામાંથી સ્પેશિયલ ખેલાડીઓ ભાગ લીધો છે. આ સ્પર્ધામાં ભારત દેશ તરફથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી ચૂકેલા ખેલાડીઓએ પણ ભાગ લીધો અને સાબિત કરી બતાવ્યું હતું કે ચેસ રમવા માટે વિઝિબિલિટી નહીં પરંતુ વિઝનની જરૂર હોય છે.
રાજ્યકક્ષાની ચેસ સ્પર્ધા :હાલમાં રાજ્યકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભ ચેસ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાંથી 90 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે. રાજ્ય કક્ષાની સ્પર્ધા કચ્છના માધાપર ખાતે આવેલ શ્રી નવચેતન અંધજન મંડળ ખાતે યોજવામાં આવી છે. આ ખેલાડીઓને દ્રષ્ટિની ક્ષતિ હોવા છતાં પોતાની કુશળતાથી ચેસ સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યા છે.
બ્લાઇન્ડ ચેસ પ્લેયર :આ સ્પર્ધામાં વડોદરાના દર્પણ ઈનાનીએ પણ ભાગ લીધો છે. જેમને ચોથી એશિયન પેરા ગેમ્સ હાંગઝોઉ 2022માં બે ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું. દર્પણ ઈનાનીએ રેપિડ ચેસ સ્પર્ધામાં વ્યક્તિગત તેમજ ટીમ સાથે પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભવિષ્યમાં દર્પણ વૈશ્વિક સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવા ઈચ્છે છે. તેમજ દર્પણને પ્રથમ બ્લાઇન્ડ ઇન્ટરનેશનલ ચેસ માસ્ટર બનવું છે.
CA દર્પણ ઇનાની:દર્પણએ MSU બરોડામાંથી B.Com નો અભ્યાસ કર્યો અને બાદમાં CA ની પરીક્ષા પૂરી કરી અને લાયકાત ધરાવતા અને પ્રેક્ટિસ કરતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા છે. દર્પણ CA છે જેને તે Challenge Accepted માણીને જીવનમાં આગળ વધી રહ્યો છે. દર્પણ છેલ્લા 14 વર્ષથી ચેસ રમે છે અને સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ રમે છે.
આંતરરાષ્ટ્રીય ચેસ સ્પર્ધા (ETV Bharat Reporter) તબીબી ભૂલથી આવ્યો અંધાપો :બ્લાઇન્ડ ચેસ પ્લેયર દર્પણ ઇનાનીનો જન્મ 1994 માં થયો હતો. આમ તો તે જન્મથી જ સામાન્ય બાળક હતા, પરંતુ 3 વર્ષની ઉંમરે તબીબી ભૂલના કારણે દર્પણ ઈનાનીને અંધત્વ આવ્યું હતું. તબીબી કટોકટી અને ઈન્જેક્શનની પ્રતિક્રિયાએ દર્પણને 100% અંધ બનાવી દીધા. દર્પણના પરિવારે ઘણી સારવારનો પ્રયાસ કર્યો, પરંતુ તે તબીબી રીતે શક્ય ન હોય જે સ્થિતિ હતી તેને કબૂલ કરીને પોતાના જીવનમાં આગળ વધવાનું નક્કી કર્યું હતું.
આંતરરાષ્ટ્રીય વિજેતા :દર્પણ દ્રષ્ટિક્ષતિ ચેસ ખેલાડી તરીકે પોતાની કુશળતા વિકસાવે છે. તેમણે રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ગુજરાત તરફથી પ્રતિનિધિત્વ કર્યા બાદ વર્ષ 2018માં ફ્રાંસ ખાતે ઓપન સાઈટેડ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેમાં રેટિંગમાં પહેલું ઇનામ જીત્યું હતું. દર્પણ આ રેટિંગની માન્યતા પ્રાપ્ત કરનાર પ્રથમ દ્રષ્ટિહીન ખેલાડી હતો. આ અગાઉ તેમણે બ્લાઈન્ડ ચેસ ચેમ્પિયનશિપ 2013માં વર્લ્ડ જુનિયરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
અથાગ મહેનતનું પરિણામ :દર્પણે શરૂઆતમાં તેના પિતા પાસેથી ચેસ રમત શીખી અને તેમની સામે તે રમતો હતો. બાદમાં ચેસમાં પ્રોફેશનલ પ્લેયર બનવા માટે ઝહીર ભાટકર અને મુકુંદ ભટ્ટ પાસેથી કોચિંગ અને માર્ગદર્શન મેળવ્યું હતું. દર્પણ દરરોજ 7 થી 8 કલાક પ્રેક્ટિસ કરે છે. આજે ગુજરાતનો પ્રજ્ઞાચક્ષુ ખેલાડી દર્પણ ઇનાની દેશ - દુનિયાના દ્ર્ષ્ટિવાન ખેલાડીઓ સામે પણ ચેસ રમે છે. પોતાની કુશળતાના કારણે તેણે ઘણી ટુર્નામેન્ટ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે.
ભારતનો ઉચ્ચતમ રેટિંગ ધરાવતા દ્રષ્ટિહીન ચેસ ખેલાડી :
દર્પણ ઇનાની ભારતના ઉચ્ચત્તમ રેટિંગ 2135 ધરાવતા પ્રજ્ઞાચક્ષુ ચેસ ખેલાડી છે. જે ભારતના દ્રષ્ટિહીન ખેલાડીઓમાં સૌથી વધુ છે. દર્પણ માને છે કે ચેસ એક એવી રમત છે જેમાં દ્રષ્ટિહીન ખેલાડી દ્રષ્ટિવાન ખેલાડી સાથે પણ રમી શકે છે. અન્ય રમતોમાં દિવ્યાંગ અને સામાન્ય વ્યક્તિ માટે જુદા જુદા નિયમો હોય છે. પરંતુ પેરા ગેમ્સમાં ચેસ એક એવી ગેમ છે કે જેમાં કોઈ પણ નિયમોમાં ફેરફાર કરવામાં નથી આવતો. ચેસ છે તે વિઝિબિલિટી નહીં, પરંતુ વિઝનની ગેમ છે.
- દ્રષ્ટિહીન બાળકોને હવે દુનિયા બતાવશે સ્માર્ટ ગ્લાસ, 40 બાળકોને વિતરિત કરાયા સ્માર્ટ ગ્લાસ
- Valentine Day 2024: છીંદવાડાના અંધ શિક્ષકની વેલેન્ટાઈન ડે નિમિત્તે પ્રેમની અનોખી અભિવ્યક્તિ