મોરબી: રાજ્યમાં ચોરીના બનાવમાં વધુ એક કેસનો ઉમેરો થયો છે. જેમાં શહેરમાં આવેલ માઈક્રો ફાયનાન્સ કંપનીની ઓફિસના શટરના તાળા ખોલી અજાણ્યા શખ્સે ઓફિસમાં રહેલી તિજોરીમાંથી 7 લાખથી વધુની રોકડ રકમ ચોરી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
લોન કલેક્શનના રૂપિયા હતા:નાની વાવડીના રહેવાસી 36 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, તેઓ સત્યમ પાનવાળી શેરીમાં આવેલ લાઈટ માઈક્રો ફાયનાન્સ પ્રા.લી. કંપનીમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેથી ઓફિસની તમામ ચાવીઓ તેમના પાસે હોય છે. ગત 15 નવેમ્બરના રોજ રાબેતા મુજબ કામ ચાલ્યું હતું. સવારના સમયે ઓફિસ ખૂલ્યું હતું, ઓફિસનો સ્ટાફ આવી ગયો હતો અને શટર ખોલતા બધા બ્રાન્ચમાં ગયા હતા જ્યાં સાંજે બધાએ કલેક્શન કરીને પરત આવ્યા બાદ જય સોલંકી પાસે કલેક્શનના રૂપિયા જમા કરાવ્યા હતા. ફરિયાદી અને બ્રાંચ ઓફિસર જય સોલંકીએ આગલા દિવસના તેમજ 15 તારીખના કલેક્શન થયેલ રૂપિયા મળીને રોકડ રૂપિયા 7,01,500ની ગણતરી કરીને ઓફિસની તિજોરીમાં મુક્યા હતા.