કચ્છ:છેલ્લા દોઢ દાયકાથી કચ્છમાં પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. સાથે સાથે દિવાળી જેવા મોટા વેકેશન માટે મોટાભાગની હોટલોમાં પ્રવાસીઓએ બુકિંગ કરાવી નાખ્યું છે. 28 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી દિવાળી વેકેશન છે, તો 11 નવેમ્બરથી રણોત્સવ શરૂ થશે. ત્યારે હોટલોમાં અત્યારથી જ બુકિંગ ફુલ થઈ ગયું છે.
દિવાળી વેકેશનમાં મોટાભાગની હોટલો હાઉસફુલ:કચ્છ દિવસેને દિવસે પ્રવાસીઓ માટેનું હબ બનતું જાય છે. ત્યારે કચ્છમાં ખાસ કરીને તહેવારોની રજામાં તેમજ દિવાળીના વેકેશનમાં સૌથી વધુ પ્રવાસીઓનો ઘોડાપૂર જોવા મળતો હોય છે. કચ્છમાં પ્રવાસીઓ મુખ્યત્વે રણોત્સવ માટે આવતા હોય છે, ત્યારે હોટલ સંચાલક પણ પ્રવાસીઓને અપીલ કરી રહ્યા છે કે કચ્છમાં સફેદ રણ સિવાય પણ અનેક જોવાલાયક સ્થળો છે ત્યારે અન્ય સ્થળોએ પણ મુલાકાત લેવી જોઈએ.
કચ્છની મોટાભાગની હોટલો હાઉસફુલ (ETV Bharat Gujarat) હોટલોમાં એડવાન્સ બુકિંગ:ભુજમાં મોટાભાગની હોટલોમાં એડવાન્સ બુકિંગ થઇ ચુક્યું છે, તેની સામે ઇન્કવાયરી પણ અનેક ગણી વધી ગઈ છે. તો આ અગાઉ રણોત્સવ યોજાશે કે નહીં તેની અટકળો હતી. ત્યારે હોટલોમ સારા પ્રમાણમાં બુકિંગ આવતા હોટલ માલિકોમાં પણ આનંદની લાગણી છે. જિલ્લામાં 3 નવેમ્બરથી લઇને 14 નવેમ્બર સુધીનું તો અત્યારથી જ બુકિંગ ફુલ થઇ ચૂક્યું છે. ઉપરાંત 11 નવેમ્બરથી સફેદ રણમાં રણોત્સવ પણ ચાલુ થઇ રહ્યો છે ત્યારે 15 નવેમ્બર બાદ તેની માટે પણ એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે.
સફેદ રણનો નજારો મોડેથી જોવા મળશે:કચ્છમાં છેલ્લા બે વર્ષથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. જેમાં સૌથી વધુ પ્રવાસીઓ રણોત્સવની મુલાકાત લઈ રહ્યા છે, ત્યાં હજુ સુધી પાણી ભરેલું છે તેથી મીઠું પણ મોડું પાકશે. સફેદ રણનો નજારો પ્રવાસીઓને મોડેથી જોવા મળશે. કચ્છના અન્ય પ્રવાસન સ્થળો જેવા કે માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, માંડવીનો દરિયા કિનારો, સ્મૃતિવન, જેસલ તોરલ સમાધિ, ગોધરા અંબેધામ, કચ્છ મ્યુઝિયમ, દરબારગઢ, આઇનામહલ, પ્રાગમહલ વગેરે જેવા સ્થળોની મુલાકાત લેવા પણ અપીલ કરવામાં આવી હતી.
રાજ્યોમાંથી સૌથી વધુ પ્રવાસીઓ કચ્છમાં: દિવાળીના વેકેશનને પગલે અત્યારથી જ બુકિંગ થઇ ચુક્યું છે અને પ્રવાસીઓનો ધસારો શરૂ થઈ ચૂક્યો છે. તો આગામી સમયમાં પ્રવાસીઓનો કચ્છમાં સતત જમાવડો જોવા મળશે. હાલમાં અત્યાર સુધીમાં એડવાન્સ બુકિંગ થઇ ચુક્યું છે. જેમાં મોટાભાગના મુંબઇ, વેસ્ટ બંગાળના, દિલ્હી અને હરિયાણાના પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે. સૌથી વધારે વેસ્ટ બંગાળના પ્રવાસીઓ ગ્રુપમાં બુકિંગ કરાવી રહ્યા છે. દર વર્ષ અંદાજિત 1.5 લાખથી 2 લાખ પ્રવાસીઓ બુકિંગ કરાવતા હોય છે ત્યારે અત્યાર સુધીમાં 20000થી 25000 જેટલું બુકિંગ થયું છે. તો દિવાળી બાદ ગુજરાતના જુદાં જુદાં જીલ્લામાંથી પણ ઘણા પ્રવાસીઓએ બુકિંગ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:
- દિવાળી નજીક આવતા સંગ્રહ કરેલા ચણાનો ભાવ ઊંચો જતાં ખેડૂતોમાં ખુશીની લહેર, માર્કેટિંગ યાર્ડ ચણાથી છલોછલ
- શરદપૂર્ણિમાએ ડાકોરમાં શ્રધ્ધાળુઓની ભીડ: દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા