કચ્છ: ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે ચૌદમો પદવીદાન સમારોહ યોજાયો હતો. દીક્ષાંત સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રત, વૈદિક મિશન ટ્રસ્ટના અધ્યક્ષ ધર્મબંધુ અને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટી દ્વારા વિવિધ 7 વિદ્યાશાખાના 5530 છાત્રોને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં 37 છાત્રોને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા.
કચ્છ યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના 2059 વિદ્યાર્થીઓને, સાયન્સ ફેકલ્ટીના 617 વિદ્યાર્થીઓને, લૉ ફેકલ્ટીના 316 વિદ્યાર્થીઓને, એજ્યુકેશન ફેકલ્ટીના 343 વિદ્યાર્થીઓને, કોમર્સ ફેકલ્ટીના 1987 વિદ્યાર્થીઓને, મેડિસન ફેકલ્ટીના 182 વિદ્યાર્થીઓને, ડોકટર ઓફ ફિલોસોફી ફેકલ્ટીના 26 વિદ્યાર્થીઓ મળીને કુલ 5530 વિદ્યાર્થીઓને 14માં પદવીદાન સમારોહમાં પદવી એનાયત કરવામાં આવી.
37 છાત્રોને ગોલ્ડ મેડલ એનાયત કરાયા જે પૈકી 28 દીકરીઓ
આ વર્ષે 5530 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જે પૈકી 2402 જેટલાં છાત્રોએ રૂબરૂ હાજર રહી પદવી મેળવવાનું પસંદ કર્યું હતું. તો 3128 જેટલાં છાત્રોને પોસ્ટ મારફતે ડીગ્રીનો પ્રમાણપત્ર મોકલવામાં આવશે.આજે 37 છાત્રોને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. કચ્છ યુનિવર્સિટીની તમામ સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાશાખાના મળીને 37 છાત્રોને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જે પૈકી 28 દીકરીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
વિધાર્થીઓના જીવનમાં આવનારા ચુનૌતી અંગે માર્ગદર્શન
વૈદિક મિશન ટ્રસ્ટના અધ્યક્ષ ધર્મબંધુએ વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આગામી 50 થી 60 વર્ષમાં જીવનમાં કેવા પડકારો અને સમસ્યા આવશે તે અંગે વાત કરી હતી. જેમાં વિવિધ ચેલેન્જ જેવા કે વસ્તી વિસ્ફોટ, પાણીની અછત, ખોરાકની અસુરક્ષા, કુદરતી સંસાધનોનો અતિશય ઉપયોગ, રાજકીય-આર્થિક-સામાજિક સંઘર્ષ અંગે વાત કરી હતી. તો આવનારા ભવિષ્યમાં થનારા વાઈરસ એટેક, GPS એટેક, ટેકનોલોજીકલ એટેક, સાયબર એટેક, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના પડકારો અંગે વાત કરી હતી. તો સાથે જ દુશ્મન પાસે પણ જો જ્ઞાન હોય તો તેની પાસે જઈને પણ જ્ઞાન મેળવવું જોઈએ.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ છેલ્લાં અનેક વર્ષોમાં કરેલી મહેનતનું પરિણામ આજે ડિગ્રીના સ્વરૂપે મળવા જઈ રહ્યું છે. પ્રાચીન સમયમાં પદવીદાન સમારોહને દિક્ષાંત સમારોહ તરીકે ઓળખવામાં આવતું હતું. તો શિક્ષક પોતાની જવાબદારી વિદ્યાર્થીઓ પ્રત્યે ઈમાનદારી પૂર્વક કરે અને વિદ્યાર્થીઓ પણ પોતાની જવાબદારી શિક્ષક પ્રત્યે ઈમાનદારી પૂર્વક કરે તે પણ જરૂરી છે શ્રેષ્ઠ કાર્ય કરવું અને શ્રેષ્ઠ કાર્ય જ જીવનની શ્રેષ્ઠ પુંજી છે તેવું જણાવ્યું હતું.
'સત્ય હી જીવન હૈનો વિદ્યાર્થીઓને સંદેશ'
આ ઉપરાંત જે રીતે કચ્છ યુનિવર્સિટીનું વિકાસ થઈ રહ્યું છે તે માટે તમામ વિદ્યાર્થીઓ, કુલપતિ તેમજ તમામ શિક્ષકોને પણ અભિનંદન છે. દીક્ષાંત સમારોહ એટલે કે ગુરુ છાત્રને કાર્યક્ષેત્રમાં મોકલતા પહેલા અંતિમ ઉપદેશ આપે જીવનમાં કોઈપણ અવસ્થામાં રહો ત્યાં હંમેશા સત્યને પકડી રાખો અને સત્યનું પાલન કરો. કારણ કે સત્ય હી જીવન હૈ માટે સત્ય બોલવું. કારણ કે સત્ય એક પ્રકાશ સમાન છે તેને પોતાની પ્રમાણિકતા સાબિત કરવાની જરૂર રહેતી નથી. માટે વિદ્યાર્થીઓને સત્ય સાથે હંમેશા જોડાયેલા રહેવાની વાત કરી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પર્યાવરણ અને જળ બચાવવા અભિયાન ચલાવવાની તેમજ નશા મુક્તિ અંગેની પણ વાત કરી હતી.
રેન્ક હોલ્ડર અને PhDની ડીગ્રી મેળવનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા
કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહન પટેલે જણાવ્યું હતું કે, આજે કચ્છ યુનિવર્સિટીનો 14મો દિક્ષાંત સમારોહ યોજાયો હતો. કચ્છમાં વિદ્યાર્થીઓ અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરવા માટે તરસી રહ્યા છે. આજે પદવીદાન સમારોહમાં 37 ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા. જે પૈકી 28 જેટલા ગોલ્ડ મેડલ દીકરીઓએ પ્રાપ્ત કર્યા છે. 60 ટકાથી વધારે દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી રહી છે. આ ઉપરાંત વિષય મુજબ રેન્ક હોલ્ડર અને PhDની ડીગ્રી મેળવનારા લોકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
'ગોલ્ડ મેડલની ખુશી'
ગોલ્ડ મેડલ મેળવનાર વિશાખા અનમે જણાવ્યું હતું કે, તેણે આજે માસ્ટર ઓફ આર્ટસમાં અર્થશાસ્ત્ર વિષયમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જેનો તેને ખૂબ આનંદ છે. આ સિદ્ધિનો શ્રેય માતા પિતા, અર્થશાસ્ત્ર વિભાગના ડીન ડૉ. કલ્પના સતીજાને આપ્યો હતો. મારું સપનું હતું કે, મને ગોલ્ડ મેડલ મળે અને આજે રાજ્યપાલના હસ્તે મને ગોલ્ડ મેડલ મળ્યો છે. હાલના સમયમાં અબડાસાના નલિયા ખાતેની કોલેજમાં વિઝીટિંગ ફેકલ્ટી તરીકે ફરજ બજાવું છું ત્યારે આગામી સમયમાં સરકારી કોલેજમાં પ્રોફેસર બનું અને સાથે જ પીએચડી પૂર્ણ કરીને ડોક્ટરોટ બનવું છે.
'પિતાનું સપનું પૂર્ણ કર્યું'
બેચલર ઓફ કોમર્સ ઓનર્સમાં ગોલ્ડ મેડલ મેળવનાર વંશી પલણે જણાવ્યું હતું કે, મને આજે રાજયપાલના હસ્તે ગોલ્ડ મેડલ મળ્યો છે જેના માટે હું ખુશ છું અને સૌથી વધારે મારા પિતા ખુશ છે. કારણ કે એમને પહેલથી જ એવું હતું કે મને ગોલ્ડ મેડલ મળે. મારો ભાઈ થોડાક માર્કસથી ગોલ્ડ મેડલ મિસ કરી ગયો હતો અને સિલ્વર મેડલ મેળવ્યો હતો. ત્યારે મેં આજે પિતાનું સપનું પૂર્ણ કર્યું છે. આગળ એમબીએ વિથ ફાઈનાન્સ કરીને બેન્કમાં જોબ કરવા ઈચ્છું છું.
'વેબ ડેવલપર તરીકે આગળ વધવું છે'
માસ્ટર ઓફ સાયન્સ એન્ડ કોમ્પ્યુટર એપ્લિકેશન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ગોલ્ડ મેડાલિસ્ટ કુંજ બુદ્ધભટ્ટીએ જણાવ્યું હતું કે, હું ખૂબ ખુશ છું કે મેં ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને આજે મારા માતા પિતા અને ભાઈને ગર્વ અનુભવ કરાવ્યો છે. અત્યારે હું વેબ ડેવલપર તરીકે કામ કરું છું અને અત્યારે ટેકનોલોજીનો સમય છે. જેથી આગળ પણ વેબ ડેવલપર તરીકે જ કામ કરીશ અને પીએચડી પણ પૂર્ણ કરીશ.
આ પણ વાંચો: