રાજકોટ:રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની ગઈકાલે અચાનક તબિય લથડતા તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યાં છે. ગઈકાલે (10 ફેબ્રુઆરી) રાઘવજી પટેલને છાતીમાં દુખાવો ઉપડતા સૌ પ્રથમ જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ તેઓને વધુ સારવાર અર્થે રાજકોટની સિનર્જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ તેમની તબિયત સ્થિર અને તેમના પરિવારને સંતોષ થાય તે પ્રકારની તેમને સારવાર પુરી પાડવામાં આવી રહી છે અને જરૂર પડ્યે આગળની વ્યવસ્થા કરવામાં આવશે.
Raghavji Patel: કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત સ્થિર છે: આરોગ્યપ્રધાન રૂષિકેશ પટેલ
ગઈકાલે એક કાર્યક્રમ દરમિયાન કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત એકાએક લથડી પડી હતી, જેના કારણે તેમને તાત્કાલિક જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં રિફર કરાયા. જોકે, હવે તેમની તબિયત સ્થિર છે અને તેમની સારવાર ચાલી રહી છે. આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે રાઘવજી પટેલના આરોગ્ય વિશેની માહિતી આપી હતી.
Published : Feb 11, 2024, 12:08 PM IST
મહત્વપૂર્ણ છે કે, કૃષિમંત્રી રાઘવજી પટેલ પસાયા ગામ ખાતે એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તે દરમિયાન તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેને લઈને તેમને તાત્કાલિક જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વહેલી સવારે વધુ સારવાર અર્થે રાજકોટના જામનગર રોડ ઉપર આવેલી સિનર્જી હોસ્પિટલમાં ખેસડાયા હતાં. અહીં રાઘવજી પટેલને આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં છે અને તેમની સારવાર ચાલી રહી છે.
રાઘવજી પટેલને બ્રેઈન સ્ટોક આવ્યાના સમાચાર સામે આવ્યા બાદ તેમના મિત્ર વર્તુળો અને સમર્થકોમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો હતો. રાજ્યના કૃષિપ્રધાનની તબિયત લથડી હોવાના પગલે મુખ્યમંત્રી પણ સતત તેમના સંપર્કમાં છે અને તેમના વિશે પળેપળની માહિતી મેળવી રહ્યાં છે. હાલ રાઘવજી પટેલ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર અર્થે છે તેમજ તેમને વધુ સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે રાઘવજી પટેલની તબિયત હાલ સ્થિર હોવાનું પણ સામે આવ્યું છે.