રાજકોટ: ધોરાજી સેશન્સ કોર્ટના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તથા સ્પેશિયલ પોક્સો જજ અલીહુસેન મોહીબુલ્લાહ શેખ દ્વારા કોર્ટમાં ચાલતા દુષ્કર્મ કેસમાં ઇમરાન સિદ્દીકભાઈ સુમરાને તકસીરવાન ઠરાવી, 20 વર્ષની સજા તથા રૂપિયા 5000 દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.
બાળકીની ઉંમર 13 વર્ષની હતી: આ કેસની પ્રાપ્ત થયેલી વિગત અનુસાર ભોગ બનનારના પિતા અને આરોપી ઈમરાન અગાઉ સાથે મજૂરી કરતા હતા. ત્યાર બાદ ઇમરાન રીક્ષા ચલાવતો હતો અને ભોગ બનનારને શાળાએ લેવા અને મુકવા જતો હતો. ત્યારે આ દરમિયાન ભોગ બનનારની ઉંમર બનાવ સમયે 13 વર્ષ અને ચાર માસની હતી. આ સમયગાળા દરમિયાન ભોગ બનનારને સાથે લઈ અને ઇમરાન જામનગર ભાગી ગયો હતો અને ત્યાં સગીર બાળકી સાથે તેને શારીરિક સંબંધ બાંધ્યો હતો.
આ બાબતમાં ભોગ બનનારે પોતાની જુબાનીમાં જણાવેલું હતું કે, ઘરેથી ભાગી ગયા બાદ પ્રેમ સંબંધનો આભાસ ઉભો કરવામાં આવેલો હતો. ત્યારે આરોપી ઇમરાનની ઉંમર 31 વર્ષની હતી, જ્યારે ભોગ બનનાર માત્ર 13 વર્ષની હતી. આ ઘટનામાં શરૂઆતમાં ઇમરાન પાસે કોઈ રકમ ન હોવાથી તેણે પોતાની રીક્ષા જુનાગઢ મુકામે વહેંચી નાખી અને પછી ત્યાંથી રાજકોટ થઈ અને જુદા-જુદા ગામ થઈ અમદાવાદ રેલવે સ્ટેશન પર ત્રણ દિવસ રોકાયેલા અને ત્યાંથી જામનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે બંધ દુકાનના ઓટલા ઉપર રહેતા હતા. જ્યાં આ સમયગાળા દરમિયાન તેમણે શારીરિક સંબંધ બાંધેલો હતો.
આ બાબતમાં બચાવ પક્ષ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, આ બાબતમાં તેઓ અગાઉથી પરિચિત છે અને ભોગ બનનાર પરિવારને એક ચોરીના ખોટા કેસમાં સમાધાન પેટે ₹ 5,00,000 આપવાના હોવાથી, આરોપી પાસેથી પૈસા પડાવવા માટે આ ખોટી ફરિયાદ કરેલી હતી. ત્યારે આ બાબતમાં થયેલી પોલીસની તપાસ પણ તટસ્થ નથી. જામનગર એસ.ટી. કોર્પોરેશનના સરકારી પંચો પણ હોસ્ટેઈલ થઈ ગયા છે અને આરોપીને ખોટી રીતે સંડોવી દેવામાં આવેલો છે તેવું જણાવ્યું હતું.
ભોગ બનનારને લેવા મુકવા શાળાએ જતો હતો આરોપી: આ બાબતમાં સરકાર પક્ષે ધોરાજીની સેશન્સ કોર્ટના એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ તરફથી દલીલો કરવામાં આવી હતી કે, ભોગ બનનારની ઉંમર નાની એટલે કે, માત્ર 13 વર્ષની છે અને તેમને પ્રેમ એટલે શું તેની પણ પૂરી સમજ ન હતી અને આ સંજોગોને ધ્યાને લેવામાં આવે તો આરોપી 31 વર્ષના હતા. જેમાં તેમણે ભોગ બનનારનો લાભ લેવા જ આભાસી સંબંધ ઉભો કર્યો હોઈ શકે છે. તેમને ભોગ બનનારને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી અને લઈ ગયા છે અને જામનગર રાખી દુષ્કર્મ કરેલું છે, ભોગ બનનારને શાળાએ તેડવા મુકવા રિક્ષામાં આ જ વ્યક્તિ જતો હતો. તેથી તેમણે એક વિશ્વાસ પણ સંપાદન કર્યો હોય તે વિશ્વાસનો પણ વધ કર્યો છે.
આ કેસના તમામ બાબતો અને આ તમામ સંજોગોને ધ્યાને લઈ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલીહુસેન મોહીબુલ્લાહ શેખ દ્વારા આ પોક્સો કેસમાં ચુકાદો આપી અને ભોગ બનનારે પોતાની મરજીથી ઘરમાંથી નીકળેલી હતી. તેવું ઠરાવી ભારતીય દંડ સંહિતાની કલમ 363, 366 માંથી આરોપીએ શંકાનો લાભ લીધો છે જ્યારે ભોગ બનનારની ઉંમર 13 વર્ષની છે અને તેની સાથે શારીરિક સંબંધ પુરવાર થયો હતો. જેથી આ આરોપીને પોક્સો એક્ટ કલમ 6 તથા 376(2)(N) મુજબ તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા તથા રૂપિયા 5000 દંડ ફટકાર્યો છે. ત્યારે આ સાથે ગુજરાતની ભોગ બનનાર વળતર માટેની યોજના 2019 ના નિયમો તથા શિડયુઅલના અનુક્રમ નંબર 9 તેમજ નિયમ 9.5 તેમજ ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 357 એ(1) અન્વયે રૂપિયા 7,00,000/- લાખ વળતર અલગથી ચુકવવા કેસ નંબર PSCO/11/2023 માં હુકમ ફરમાવ્યો છે.
આ પણ વાંચો: