અમદાવાદ: પ્રયાગરાજ ખાતે મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં અત્યાર સુધીમાં કરોડથી વધુની સંખ્યામાં ભક્તો આસ્થાની ડુબકી લગાવવા આવી રહ્યા છે. ત્યારે મહાકુંભમાં જતા ગુજરાતી શ્રદ્ધાળુઓ માટે એસ.ટી વિભાગ દ્વારા ખાસ બસની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે.
3 રાત્રિ અને 4 દિવસનું પેકેજ
એસ.ટી વિભાગ દ્વારા સોમવારથી અમદાવાદના રાણીપ એસ.ટી ડેપો ખાતેથી પ્રયાગરાજ માટે વોલ્વો બસ દોડાવવામાં આવશે. આ વોલ્વો બસ દરરોજ સવારે 7 વાગ્યાથી ઉપડશે. એસ.ટી વિભાગ દ્વારા પ્રતિ વ્યક્તિનું 8100 રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું છે. જે 3 રાત્રિ અને 4 દિવસનું રહેશે. આ પેકેજમાં તમામ 3 રાત્રિ માટે રોકાણ અને બસ મુસાફરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રયાગરાજ ખાતે રાત્રિ રોકાણ ગુજરાત પેવેલિયનની ડોરમેટરી ખાતે કરવામાં આવ્યું છે. આગામી 27મી જાન્યુઆરીએ સોમવારથી આ સેવા શરુ કરવામાં આવશે. પ્રથમ દિવસે CM ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કીટ ખાતેથી યાત્રાને પ્રસ્થાન કરાવશે.