ગુજરાત

gujarat

ETV Bharat / state

'પાકિસ્તાનની જેલમાં બંધ મારા પતિ અને પુત્રને કંઈપણ કરીને પાછા લાવો', માછીમારોના પરિવારજનોની વેદના - GUJARAT FISHERMAN

માછીમાર બહેનોએ પોતાની વેદના વ્યક્ત કરી. રડતા રડતા PM મોદીને વિનંતી કરી કે, 'પાકિસ્તાનની જેલમાં બંધ મારા પતિ અને પુત્રને કંઈ પણ કરીને પાછા લાવો.'

માછીમારોના પરિજનોની વેદના
માછીમારોના પરિજનોની વેદના (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 10, 2025, 10:23 PM IST

અમદાવાદ:ભારતના 217 માછીમાર પાકિસ્તાનની જેલમાં બંધ છે. ત્યારે ગુજરાત માછીમાર સમાજ દ્વારા ભારતના માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે. અમદાવાદમાં ગુજરાત અને દીવના માછીમાર સમુદાયની મહિલાઓએ પત્રકાર પરિષદને સંબોધી હતી. અને કેન્દ્ર સરકારને તેમના પ્રિયજનોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાવવા સક્રિય ભૂમિકા ભજવવા વિનંતી કરી હતી. આ દરમિયાન માછીમાર બહેનોએ પોતાની વેદના વ્યક્ત કરી અને રડતા રડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી કે, 'પાકિસ્તાનની જેલમાં બંધ મારા પતિ અને પુત્રને કંઈ પણ કરીને પાછા લાવો.'

પાકિસ્તાનની જેલમાં 217 ભારતીય માછીમારો
આજની તારીખે 217 ભારતીય માછીમારો (તેમાંના મોટાભાગના ગુજરાત અને દીવના છે) પાકિસ્તાનની મલીર જેલમાં છે. 2021થી 53 અને 2022થી 130 ભારતીય માછીમારો જેલમાં છે. માછીમાર મહિલાઓ પોતાની વેદના જણાવતા ભાવુક થઈ ગઈ હતી. એક માછીમાર બહેનની આંખમાંથી આંસુ આવી ગયા. તેમણે કહ્યું હતું કે, તેમને જીવન ટકાવી રાખવાનું મુશ્કેલ બની ગયું છે.

માછીમારોના પરિજનોની વેદના (ETV Bharat Gujarat)

'અમારે ભૂખે મરવાના દિવસ આવી ગયા છે'
માછીમાર બહેન રાની ચાવડાએ જણાવ્યું હતું કે, મારા દીકરાનું નામ મુકેશ ચાવડા છે તેની ઉંમર 33 વર્ષ છે. તે પાકિસ્તાનની જેલમાં બંધ છે. ચાર વર્ષથી મારો દીકરો જેલમાં બંધ છે. બહુ જ મુશ્કેલમાં જીવન પસાર કરી રહ્યા છીએ. આના પહેલા એક ખલાસી લાશ પણ આવી હતી, તે પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામ્યા હતા. અમે કોઈ ચોરી કરતા નથી અમે માછીમાર લોકો છીએ. અમે દરિયામાં કામ કરીને જીવન ગુજરાન ચલાવીએ અને હવે તો મારો દીકરો જેલમાં બંધ છે, તો અમારે ભૂખે મરવાના દિવસ આવી ગયા છે. એટલે અમે સરકારથી વિનંતી કરીએ છીએ કે અમારા માછીમારોને મુક્ત કરે. અમને એમની કોઈ ખબર મળતી નથી. ના કોઈ ટપાલ આવે છે. ના કોઈ મેસેજ મળે છે. કેવી રીતે તે લોકો જીવન ગુજારી રહ્યા છે. એની ચિંતા દર સમયે સતાવે છે. તેમના બાળકો પણ પીડાય છે. તેમને યોગ્ય શિક્ષણ મળતું નથી.

તેમણે વધુ જણાવ્યું હતું કે, મારા દીકરાની ઘરવાળી છે, બે બાળકો છે. તેનો એક દીકરો પાંચ વર્ષનો છે. અને દીકરી આઠ વર્ષની છે. અમે લોકો છૂટક મજૂરી કરીએ તો દિવસભરનું 200 રૂપિયા મહેનતાણા મળે છે. તેમાંથી અમે દવા દારૂ કરીએ કે છોકરાઓને ખવડાવીએ કે કપડા લાવીએ. અમને કોઈ બીજી નોકરી આપતા નથી. અમે ગરીબ માણસ છીએ અને અમારું ઘર ચલાવનાર મારો દીકરો પાકિસ્તાનની જેલમાં બંધ છે. સરકાર અમને મદદ પણ કરતી નથી.

માછીમારોના પરિજનોની વેદના (ETV Bharat Gujarat)

કેદીઓને પરિવાર સાથે સંવાદ કરવાનો અધિકાર
કેદીઓને તેમના પરિવાર સાથે વાતચીત કરવાનો અધિકાર છે. ધરપકડ કરાયેલા માછીમારો અને તેમના પરિવારો વચ્ચે કોઈ પ્રકારનો ઔપચારિક સંવાદ હોવો જરૂરી છે. હવે પરિસ્થિતિ એવી છે કે ધરપકડ કરાયેલા માછીમારોને કોઈ મૃત્યુ પામે તો પણ તે જાણવું અત્યંત મુશ્કેલ છે. દરેક જણ ભાર મૂકે છે કે આ મુદ્દાને માનવીય દૃષ્ટિકોણથી જોવો જોઈએ. જ્યારે કોઈ અન્ય દેશ દ્વારા ધરપકડ કરવામાં આવે છે ત્યારે તેના પરિવારને પીડા થાય છે.

માછીમારો પાકિસ્તાનની જેલમાં હોવાથી પરિવાર ચિંતિત
અન્ય એક મહિલા દનીબેને પોતાની વેદના વ્યક્ત કરતા કહ્યું કે, મારા પતિ પાકિસ્તાની જેલમાં બંધ છે. મારા પતિનું નામ પ્રવીણભાઈ છે, તેમની ઉંમર 50 વર્ષની છે, 18 વર્ષના હતા ત્યારથી તે લોકો માછીમારીનો વ્યવસાય કરતા હતા. તે 2022 માં પકડાઈ ગયા હતા તેની એક જ બોટ હતી. તે ઓખા બોટમાં હતા અને એ એકલાને જ પકડેલી હતી. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રાર્થના કરીએ કે અમારા માછીમાર ભાઈઓ અને મારા પતિને પાકિસ્તાની જેલમાંથી મુક્ત કરાવો. અમે મજૂરી કરીને જીવન ગુજારી રહ્યા છીએ. મારા છોકરા ભણવા જાય છે અને અમે મજૂરી કરીને છોકરાઓને ભણાવીએ છીએ. અમે કોઈ ચોરી કરવા નહોતા ગયા. અમે માછીમારી માટે ગયા હતા. અમે રાત દિવસ ચિંતામાં રહ્યા છીએ કે અમારા ભાઈઓ અને મારા પતિ શું ખાતા હશે? કેવી પરિસ્થિતિમાં હશે? અને અમને યાદ કરે છે તો એની હાલત કેવી થઈ હશે? તે કેવા હશે? અમને કોઈ જાતની ખબર પડતી નથી? એમનો કોઈ ફોન નથી આવતો, કે કોઈ લેટર આવે છે? ના કોઈ સંદેશ આવે છે? એટલે અમારી વિનંતી છે કે મોદી સાહેબ જલ્દીથી અમારા માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાવે.

સજા પૂરી થવા છતાં જેલમાં માછીમારો
આ મામલે માછીમાર સમાજના આગેવાન છગન બામણીયાએ જણાવ્યું હતું કે, હાલમાં ભારતના 217 માછીમારો પાકિસ્તાની જેલમાં બંધ છે. જેમાંથી 170 જેટલા માછીમારોએ તેમની સજા પૂર્ણ કરી છે અને તેમની રાષ્ટ્રીયતાની પણ પુષ્ટિ છે. આ બધાને ઘણા સમય પહેલા જ છૂટા કરી દેવા જોઈએ. માછીમારોને 'અજાણતા' રીતે જળ સરહદ પાર કરવાના આરોપમાં 3-4 વર્ષ સુધી જેલમાં રાખવા એ અમાનવીય છે. પાકિસ્તાની જેલમાં છેલ્લા બે વર્ષમાં આઠ માછીમારોના મોત થયા છે. તેની ડેથ બોડી પણ અહીં લાવવામાં આવી છે. એટલે અમારી માંગ છે કે ધરપકડ કરાયેલા માછીમારોના પરિવાર માટે નવું વર્ષ તેમને મુક્ત કરીને ખુશીઓ લઈને આવે.

આ પણ વાંચો:

  1. અંબાલાલની આ વાતે ઉનાળા પહેલા જ માહોલ ગરમ કરી નાખ્યોઃ ઉત્તરાયણ પછી તાપમાન હાઈ
  2. આ તે કેવો વિકાસ ! જ્યાંથી પાણીની પાઈપલાઈન નિકળે છે, ત્યાં જ પાણી માટે માગ

ABOUT THE AUTHOR

...view details