ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં પ્રથમ રથયાત્રા ક્યારે નીકળી હતી ? જાણો ભરૂચ રથયાત્રાનો અનેરો ઇતિહાસ - Jagannath Rath Yatra 2024 - JAGANNATH RATH YATRA 2024

શું તમે જાણો છો ગુજરાતમાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથની રથયાત્રા ભરૂચમાંથી નીકળી હતી. ઉપરાંત અમદાવાદમાં નીકળતી રથયાત્રાના રથ પણ ભરુચના ખલાસીઓએ બનાવ્યા હતા. જાણો ભરૂચ રથયાત્રાનો 300 જૂનો પરંપરાગત ઇતિહાસ

ગુજરાતનું પ્રથમ જગન્નાથ મંદિર
ગુજરાતનું પ્રથમ જગન્નાથ મંદિર (ETV Bharat Reporter)

By ETV Bharat Gujarati Team

Published : Jul 6, 2024, 9:19 PM IST

ભરૂચ :અષાઢી બીજના દિવસે સમગ્ર ભારત વર્ષમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળે છે. પરંતુ ભરૂચની રથયાત્રાનો અનેરો ઇતિહાસ છે. એવુ કહેવામાં આવે છે કે, ગુજરાતમાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથની યાત્રા ભરૂચમાંથી નીકળી હતી. 300 વર્ષ પૂર્વે ભરૂચના ફૂરજા બંદરેથી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી હતી.

ભરૂચ રથયાત્રાનો અનેરો ઇતિહાસ (ETV Bharat Reporter)

ભરૂચ રથયાત્રાનો ઈતિહાસ :ભરૂચમાં સૈકાઓ પહેલા જહાજોથી ધમધમતું બંદર હતું. દેશ-વિદેશમાંથી જહાજોમાં અનેક વેપારીઓ પોતાના મરી-મસાલા અને માલ સામાનની હેરફેર કરવા માટે ભરૂચના ફુરજા બંદરે આવતા હતા. 300 વર્ષ પૂર્વે ઓરિસ્સાના વેપારીઓ અહીં આવીને વેપાર કરતા હતા. તે સમય દરમિયાન ગુજરાતમાં કોઈપણ જગ્યાએ ભગવાન જગન્નાથનું મંદિર નહોતું.

ગુજરાતનું પ્રથમ જગન્નાથ મંદિર :ભરૂચના ખલાસીઓ (ભોઈ સમાજ) અને ઓરિસ્સાથી આવતા વેપારીઓ દ્વારા એક સંતની હાજરીમાં ભગવાન જગન્નાથના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આ વેપારીઓ અને એક સંત દ્વારા અહીંયા સૌપ્રથમવાર નારીયેલીના છોડામાંથી નિર્મિત ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. જે મૂર્તિ હજુ પણ ભરૂચના ભગવાન જગન્નાથ મંદિર ખાતે સ્થાયી છે.

"પરંપરાગત રીતે છેલ્લા 300 વર્ષથી ભરૂચમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. ઈતિહાસમાં એવું લખાયેલું છે કે, અમદાવાદની રથયાત્રાના રથ ભરૂચના ખલાસીઓ દ્વારા નારિયેળના લાકડામાંથી બનાવી આપવામાં આવ્યા હતા" -- ભદ્રેશ જાદવ (પ્રમુખ, ભોઈ સમાજ)

ભરૂચના ખલાસીઓએ બનાવ્યા પ્રથમ રથ :ખલાસીઓના વડવાઓના જણાવ્યા અનુસાર અમદાવાદમાં જે રથયાત્રા કાઢવામાં આવી રહી છે તે પ્રથમ રથયાત્રા માટે જે રથ બનાવવામાં આવ્યા હતા, તે ભરૂચના ખલાસીઓ દ્વારા બનાવવામાં આવ્યા છે. આ રથનું નિર્માણ ભરૂચના ખલાસીઓ દ્વારા નારિયેળીના લાકડામાંથી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિધિવત રીતે અમદાવાદમાં ભગવાન જગન્નાથની યાત્રા દર વર્ષે અષાઢી બીજના દિવસે કાઢવામાં આવે છે. આમ ભગવાન જગન્નાથની રથયાત્રાનો અનેરો ઇતિહાસ નર્મદા કિનારે આવેલા ભરૂચમાં વસેલો છે.

ભરૂચ રથયાત્રા માટે સુરક્ષા તૈયારી (ETV Bharat Reporter)

ગુજરાતની સૌથી જૂની રથયાત્રા :ભોઈ સમાજના પ્રમુખના જણાવ્યા અનુસાર અષાઢી બીજના દિવસે ભરૂચના ફુરજા બંદરેથી ભગવાન જગન્નાથની યાત્રા બપોરના ચાર વાગ્યાની આસપાસ કાઢવામાં આવે છે. ભરૂચના શહેરી વિસ્તારોમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળતા હોય છે. આ સમય દરમિયાન ભરૂચના શહેરીજનો ભગવાન જગન્નાથના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. ભરૂચમાંથી નીકળતી રથયાત્રા એ ગુજરાતની પ્રથમ અને સૌથી જૂની રથયાત્રા છે.

ભરૂચ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત :ભરૂચમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. ભગવાન જગન્નાથ રથયાત્રાના રૂટ પર રેન્જ IG સંદીપસિંગના અધ્યક્ષસ્થાને ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવશે. રેન્જ IG સંદીપસિંગના જણાવ્યા અનુસાર 1,000 પોલીસ કર્મચારી, એક SP, 35 થી વધુ પોલીસ ઇન્સ્પેક્ટર અને 50થી વધુ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આ રથયાત્રા દરમિયાન ફરજ બજાવશે.

  1. પુરી જગન્નાથની રથયાત્રા માટે ભવ્ય સ્ટેજ તૈયાર, ધાર્મિક કાર્યક્રમને અંતિમ સ્વરૂપ
  2. થરાદમાં ભગવાન જગન્નાથજીનું મામેરુ ભરાયું, 49 હજાર રૂપિયાનું ભવ્ય મામેરુ

ABOUT THE AUTHOR

...view details