સૌરાષ્ટ્ર:કેન્દ્ર સરકારે જુનાગઢ સોમનાથ અને અમરેલી જિલ્લાને સાંકળતા વન અને મહેસુલી વિસ્તારમાં અંદાજિત 1 લાખ 84 હજાર હેક્ટર વિસ્તારમાં લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. જેને કારણે 197 જેટલા ગામો ઇકોઝોન કાયદા હેઠળ આવી જશે. જેમાં હવે ખેડૂતો ગ્રામ પંચાયતો ભાજપ અને કોંગ્રેસના નેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા ઇકોઝોનના કાયદાની અમલવારીને પરત ખેંચવાની માંગ રાજ્યના મુખ્ય પ્રધાનને કરી છે તો અસરગ્રસ્ત ગ્રામ પંચાયતો દ્વારા કાયદાના વિરોધમાં ઠરાવો કરીને કાયદો પરત ખેંચવાની માંગ કરી છે.
મુખ્યમંત્રીને સતત મદદની પોકાર (Etv Bharat Gujarat) ઈકોઝોનનો કાયદો સરકાર માટે ગળામાં ફસાયેલુ હાડકું
કેન્દ્ર સરકાર દ્વારા જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાને સાંકળતા ગીર અભયારણ્ય અને તેની આસપાસના રેવન્યુ વિસ્તાર મળીને કુલ 1 લાખ 84 હજાર હેક્ટર વિસ્તારમાં ઈકોઝોન કાયદો લાગુ કરવાનુ જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત ત્રણેય જિલ્લાના કુલ 197 જેટલા ગામોને તેની અસર થવાની છે હવે ધીમે ધીમે કાયદાની અમલવારીના વિરોધમાં ખેડૂતો ગ્રામજનો રાજકીય નેતાઓ અને ગ્રામ પંચાયતો દ્વારા આખો કાયદો સંપૂર્ણપણે પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીને સતત મદદની પોકાર (Etv Bharat Gujarat) ઇકોઝોનથી થશે ખેડૂતોને અનેક મુશ્કેલી
ઈકોઝોનનો કાયદો સંપૂર્ણપણે અમલવારી થવાથી ખેડૂતોની અનેક મુશ્કેલીમાં વધારો થશે તેવું સ્થાનિક નેતાઓ-ખેડૂતોનું માનવું છે. તેમનું સ્પષ્ટ માનવું છે કે, સામાન્ય રીતે ઇકોઝોનની અમલવારી શરૂ થતા જ તેમાં સામેલ 197 જેટલા ગામોના પંચાયતી અને મહેસુલી અધિકારો ખતમ થઈને તે વન વિભાગ હસ્તક જતા રહેશે. જેને કારણે ગામડાના લોકોને અનેક મુશ્કેલીમાંથી પસાર થવું પડશે તેની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. વધુમાં ઈકોઝોનની અમલવારી થતા જ ખેડૂતો તેમના ખેતરમાં નવા કુવા કે બોર કરાવી શકશે નહીં. એક ખેતરમાંથી બીજા ખેતરમાં પાઇપલાઇન માટે પીયતનું પાણી પહોંચાડવું પણ નવા કાયદા મુજબ ખુબ મુશ્કેલ છે. ખેતરમાં જવાા ગાડા કેડી બનાવવા માટે પણ ખેડૂતો કે જે તે ગ્રામ પંચાયતને ખૂબ મુશ્કેલી ઊભી થશે. કોઈ પણ ખેડૂત મરઘા ઉછેર કેન્દ્ર ચલાવી શકશે નહીં, વધુમાં 197 ગામો અને 1 લાખ 84 હજાર હેક્ટર વિસ્તારમાં કોઈપણ પ્રકારની માઈનીંગ અથવા તો અવાજ ઉત્પન્ન થાય તેવી કોઈપણ પ્રવૃત્તિ કરી શકશે નહીં. વધુમાં કોઈપણ ખેડૂતો પોતાના ખેતરમાં મકાન કે રહેઠાણનું બાંધકામ કરવું પણ ખૂબ મુશ્કેલ બની જશે. 197 ગામ અને 1 લાખ 84 હજાર હેકટર વિસ્તારમાં પર્યટનને લગતી ગતિવીધી પણ કોઈપણ ગામ કે ખેડૂતો પોતાની માલિકીની જમીનમાં કરી શકશે નહીં.
મુખ્યમંત્રીને સતત મદદની પોકાર (Etv Bharat Gujarat) વિરોધમાં અનેક ગ્રામ પંચાયતો મેદાનમાં
ઇકોઝોનના વિરોધમાં સૌથી વધારે અસરગ્રસ્ત અને પર્યટન સ્થળ એવા સાસણ નજીક આવેલા મેંદરડા તાલુકાના સાસણ અને ભાલછેલ ગામની ગ્રામ પંચાયતે ઠરાવ કરીને સમગ્ર ઇકોઝોનનો કાયદો પરત લેવાની માંગ કરી છે. તો તાલાલાની ભોજદે ગ્રામ પંચાયત દ્વારા પણ આ જ રીતે કાયદો પરત થાય તેવો ઠરાવ ગ્રામ પંચાયતમાં કરવામાં આવ્યો છે, તો બીજી તરફ જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ગામો કે જ્યાં આજે પણ કોઈપણ પ્રકારની પર્યટન ગતિવિધિ ફાર્મ હાઉસ ભરડીયા કે અન્ય કોઈ ઉદ્યોગો નથી. તેવા તાલુકાની પણ સામેલ કરવામાં આવ્યો છે. જેમાં લીલીયા બરડીયા કાંકચીયાળા મોટી મોણપરી જાંબુડી રાજપરા અને રતાંગ ગ્રામ પંચાયતોએ પણ સમગ્ર મામલામાનો કાયદો સંપૂર્ણ પરત ખેંચવામાં આવે તેવો ગ્રામ પંચાયતમાં ઠરાવ કર્યો છે.
મુખ્યમંત્રીને સતત મદદની પોકાર (Etv Bharat Gujarat) જિલ્લા પ્રમુખો અને રાજકીય નેતાઓનો પણ વિરોધ
ઇકોઝોન કાયદાનો વિરોધ ન માત્ર ખેડૂતો કે, ગ્રામ પંચાયતો કરી રહી છે પરંતુ ભાજપના પદાધિકારીઓ અને સહકારી સંગઠનો પણ કરી રહ્યા છે. જેમાં જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પિઠીયાએ મુખ્યપ્રધાનને પત્ર લખીને સમગ્ર કાયદો પરત લેવાની માંગ કરી છે. તો બીજી તરફ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક કે જેમાં જુનાગઢ, સોમનાથ અને પોરબંદર જિલ્લાના ખેડૂત ખાતેદારો સામેલ છે. તેવી સૌથી મોટી સહકારી બેંકે પણ સમગ્ર કાયદો સંપૂર્ણપણે પરત લેવામાં આવે તેવી માંગ કરી છે.
મુખ્યમંત્રીને સતત મદદની પોકાર (Etv Bharat Gujarat) પૂર્વ કૃષિ પ્રધાને કાયદાને ખેડૂત વિરોધી ગણાવ્યો
પૂર્વ કૃષિ પ્રધાન દિલીપ સંઘાણીએ પણ ઈકોઝોનના કાયદાને ખેડૂત વિરોધી ગણાવ્યો છે. આ કાયદાની અમલવારી થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જશે. વધુમાં જે વિસ્તારના ગામો ઇકોઝનમાં સામેલ થયા છે તેવા ગામોમાં પણ વિકાસના કામો પર સજ્જડ બ્રેક લાગી જશે. આ કાયદો ખેડૂતો અને ગ્રામ વિકાસને કચડનારો હોવાથી તેની અમલવારી રોકવી જોઈએ તેવી માંગ કરી છે. અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ પણ ઇકોઝોનનો કાયદો ખેડૂતોના હિતમાં નથી, જેથી સરકારે ફરી વિચાર ચોક્કસ કરવો જોઈએ. વધુમાં જુનાગઢ અને ગીર વિસ્તારમાં કાયદાની અમલવારીને લઈને ખૂબ લડાઈ કરનાર પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ આ કાયદાની અમલવારી સામે પોતાનો સજ્જડ વિરોધ નોંધાયો છે અને કાયદો પરત લેવામાં નહીં આવે તો ગીર વિસ્તારમાં આંદોલન ચોક્કસપણે થશે. વધુમાં સરકાર જે કાયદાને જંગલ અને સિંહના રક્ષણ માટે બનાવ્યું છે તે પ્રકારના નિવેદન આપે છે ત્યારે પાછલા દસ વર્ષમાં સિંહની સંખ્યા સરકારની ધારણા કરતા પણ ખૂબ વધી ગઈ છે. આવી પરિસ્થિતિમાં સિંહ પર કેવા પ્રકારે ખતરો છે તે સરકાર ખેડૂતોને સમજાવે.
મુખ્યમંત્રીને સતત મદદની પોકાર (Etv Bharat Gujarat) ઇકોઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામે પણ આંદોલન કર્યું શરૂ
વર્ષ 2016 માં ગીર વિસ્તારમાં ઈકોઝોનના વિરોધમાં ખેડૂતોને એકત્રિત કરીને સમગ્ર કાયદાની સામે આંદોલનનું ફુકવાની શરૂઆત સ્થાનિક યુવાન પ્રવીણ રામે શરૂ કરી હતી. આજે પ્રવીણ રામ આમ આદમી પાર્ટીના પ્રદેશ કક્ષાના નેતા છે પરંતુ સરકારે જે રીતે ઇકોઝોન કાયદાની અમલવારીને લઈને નોટિફિકેશન જાહેર કર્યું છે ત્યારબાદ પ્રવીણ રામ ગીર વિસ્તારમાં પહોંચી ગયા છે અને આંદોલનના મંડાણ કરી ચૂક્યા છે. જ્યાં સુધી સમગ્ર કાયદો સંપૂર્ણપણે પરત નહીં ખેંચાય ત્યાં સુધી સમગ્ર ગીર વિસ્તારમાં ખેડૂતો અને ગામ લોકોને સાથે રાખીને આંદોલન કરીને સરકારને કાયદો પરત ખેંચવા માટે મજબૂર કરવાની રણનીતિ પણ પ્રવીણ રામ કરી રહ્યા છે.
- ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ! 2047 સુધી ગુજરાતનું અર્થતંત્ર 3.5 ટ્રિલીયન ડોલર બનાવાનું લક્ષ્ય: મુખ્યમંત્રી - Economic Development Plan of Surat
- સલમાન ખાનની ફર્મના નામે 15 કરોડ રૂપિયાની માંગણી, સુરતના જલપુરી ફૂડ્સ ઇન્ડિયા કંપનીના માલિકને ઈ-મેલ પર નોટિસ ફટકારી - surat crime