વાપીઃ રાજ્યના નાણાં પ્રધાન કનુ દેસાઈએ 3જી વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યુ છે. આ બજેટમાં શિક્ષણ, આરોગ્ય અને પાયાગત સુવિધાની જાહેરાતો કરવામાં આવી છે. ખેડૂત લક્ષી અને ઉદ્યોગ લક્ષી બજેટ રજૂ કરીને નાણાં પ્રધાને દરેક વર્ગના લોકો માટે કંઈક ને કંઈક જોગવાઈની જાહેરાત કરી છે. આ બજેટ સંદર્ભે વાપીના ઉદ્યોગકારોએ આ બજેટને અવકાર્યુ છે. તેમજ વાપી ટ્રાન્સપોર્ટ નગરની માંગ સંતોષાઈ હોત તો વધુ આનંદ થાત તેમ જણાવ્યું છે.
વર્ષો જૂની માંગઃ વાપી ઉદ્યોગપતિઓએ સર્વાંગી વિકાસલક્ષી બજેટ રજૂ કરવા બદલ નાણાં પ્રધાનને અભિનંદન પાઠવ્યા હતાં. જો કે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિયેશનની વર્ષો જૂની માંગને ફરીથી નાણાં પ્રધાને નજર અંદાજ કરીને તેના પર કોઈ જાહેરાત ન કરવાની ફરિયાદ પણ ઉદ્યોગપતિઓએ કરી છે. વાપી ટ્રાન્સપોર્ટર્સે આ બજેટમાં ટ્રાન્સપોર્ટ ઉધોગની વર્ષો જૂની ટ્રાન્સપોર્ટ નગરની માંગણીને ધ્યાને લઈને જાહેરાત કરાઈ હોત તો વધુ આનંદ થાત તેવી રજૂઆત કરી છે. વાપી ઉદ્યોગપતિઓમાં બજેટને લઈને કહીં ખુશી કહીં ગમનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાતના ઈતિહાસના સૌથી મોટા કુલ 3 લાખ 32 હજાર 465 કરોડના બજેટને અમારા વિસ્તારના નાણાં પ્રધાન કનુ દેસાઈએ રજૂ કર્યુ છે તેની અમને બહુ ખુશી છે...કમલેશ પટેલ (ઉદ્યોગપતિ, વાપી)
સામાન્ય માનવીથી લઈ ઉદ્યોગપતિઓ સુધી એમ દરેક માટેના દરેક મુદ્દાઓનો આ બજેટમાં નાણાં પ્રધાને સમાવેશ કર્યો છે. આ બજેટ સૌના માટે સુખરુપ રહેશે...રાજુલ શાહ (ઉદ્યોગપતિ, વાપી)