વડોદરા : ભારતથી લંડન જવા માટે તમારા મનમાં માત્ર વિમાન એકમાત્ર વિકલ્પ હશે. પરંતુ વડોદરાની નિશા નામની યુવતી સાયકલ પર લંડન જવા નીકળી છે. વડોદરાથી લંડનનો 15,000 કિમીનો અતિ લાંબો પ્રવાસ છે, જેના ભાગરૂપે નિશાની સાયકલ સવારી હવે રશિયામાં પ્રવેશી છે. 15 હજાર કિલોમીટર લાંબા, દુષ્કર અને સાહસિક સાયકલ પ્રવાસનો આ સાતમો પડાવ એટલે કે સાતમો દેશ છે.
વડોદરાથી લંડનની સાયકલ યાત્રા : નિશાના સાયકલ પ્રવાસને 152 દિવસ પૂરા થયા છે. ત્યારે તેણે 11,325 કિમીની સાયકલ યાત્રા અત્યાર સુધીમાં કરી છે. બે દિવસ પહેલા તેણે રશિયામાં પ્રવેશ કર્યો હતો. હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. પરંતુ સદનસીબે નિશાનો સાયકલ પ્રવાસ માર્ગ યુદ્ધગ્રસ્ત ક્ષેત્રમાંથી પસાર થતો નથી. અહીં નીશાએ નીત નવા પડકારોનો સામનો કરવાનો છે. કારણ કે આ દેશ 20 ડિગ્રી જેટલું અતિ ઠંડુ વાતાવરણ ધરાવે છે. એટલે હાડકા ગળી જાય અને લોહી થીજી જાય એવા હવામાનમાં સાયકલ ચલાવવાની છે.
ગુજરાતની મહિલા સાહસિક નિશા : કોઈ યુવતી દ્વારા વડોદરાથી લંડન સુધી જમીન માર્ગે સાયકલ દ્વારા પ્રવાસ કરવાનો ગુજરાત અને દેશનો પ્રથમ પ્રયાસ છે. આ રૂટ ઉપર આટલી લાંબી સાયકલ યાત્રા કોઈ સ્ત્રીએ તો છોડો પુરુષોએ પણ કરી નથી. અત્યાર સુધી લગભગ 11 હજાર કિલોમીટરથી વધુ સાયકલ પ્રવાસ આ એવરેસ્ટ વિજેતા સાહસિક ગુજરાતી કન્યા નિશાએ પૂરો કર્યો છે. તે દરમિયાન ચીનમાં દુશ્મનાવટ ભરેલું વર્તન સહન કર્યું છે. જોકે, અત્યાર સુધીના પ્રવાસના અન્ય દેશોમાં લોકોએ બહુધા ઉષ્માભર્યો આવકાર આપીને ઉત્સાહ વધાર્યો હતો.
11 હજાર કિમીનો કઠીન પ્રવાસ પૂર્ણ : આ યાત્રા એશિયા પછી હવે તે યુરોપમાં પ્રવેશી છે. રશિયા આમ તો અર્ધું એશિયા અને અર્ધું યુરોપમાં છે, પરંતુ 11 ટાઇમ ઝોન ધરાવતા આ દેશનો સમાવેશ યુરોપ ખંડમાં કરવામાં આવ્યો છે. આ અગાઉ જે રશિયાનો ભાગ હતો, એવા કઝાકિસ્તાનમાંથી પસાર થવાનું બન્યું. લગભગ 400 કિમીનો આ વિસ્તાર ખનિજ તેલ સમૃદ્ધ કુવા અને રિફાઇનરીનો વિસ્તાર છે.
પ્રવાસમાં આવતા પડકારો અને સમસ્યાઓ : આ વિસ્તારમાં ઉતારા અને રાતવાસો યોગ્ય જગ્યાનો અભાવ હોવાથી નાના કાફેમાં આખી રાત પાટલી ઉપર બેસી રહીને આરામ કરવાનો અનુભવ મળ્યો. અહીં નાસ્તા પણ માંસાહારી મળતા હોવાથી કોફી સિવાય અન્ય કોઈ ખાનપાન ઉપલબ્ધ ન હતા. જોકે, લોકોએ દરેક જગ્યાએ પ્રોત્સાહિત કર્યા અને આટલા લાંબા સાયકલ પ્રવાસના સાહસ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું. જ્યાં જ્યાં ભારતીય લોકો મળ્યા ત્યાં ત્યાં ભારતીય ભોજન જમાડીને આવકાર્યા.
ભારતીયોના ભાઈચારાની સુખદ અનુભૂતિ : આ પ્રદેશના અત્રાયુમાં આકસ્મિક એક ફોટોગ્રાફર છોકરી મળી, જેના લીધે ઓઇલ રિફાઇનરીમાં કાર્યરત ભારતીય યુવાનોને મળવાનું થયું. એ લોકોએ એક હોટેલમાં ભારતીય ભોજન કરાવ્યું ત્યારે દુનિયાના કોઈપણ ખૂણે ભારતીયોના ભાઈચારાની સુખદ અનુભૂતિ થઈ. પ્રવાસ દરમિયાન વિવિધ દેશો ખાતેના ભારતીય રાજદૂતાવાસનો પ્રોત્સાહક સહયોગ મળ્યો છે.
દુષ્કર પ્રવાસમાં માર્ગદર્શક નિલેશ બારોટ : એવરેસ્ટ વિજેતા નિશાની આ સાયકલ યાત્રામાં માર્ગદર્શક તરીકે નિલેશ બારોટ એસ્કોર્ટ વાહન સાથે જોડાયા છે. તેમણે જણાવ્યું કે રશિયા અત્યંત ઠંડો દેશ હોવાથી અમારા વાહનનું બધું એન્જિન ઓઇલ બદલીને ત્યાંની ઠંડીમાં થીજી ન જાય એવું એન્જિન ઓઇલ પુરાવવું પડ્યું છે. અહીં ડીઝલ પણ -37 સુધીના તાપમાનમાં થીજે નહીં એ પ્રકારનું ઉપયોગમાં લેવાય છે.
રશિયામાં થયો સુખદ અનુભવ : રશિયાની વોલ્ગા નદી આપણી નર્મદા જેવી લાગી એવું તેમનું કહેવું છે. રશિયાના લોકો ખૂબ સારા છે અને ઉષ્મા સાથે આવકારીને સહયોગ આપે છે. વાહનના ઓઇલ અને ડીઝલની સાથે ગરમ કપડાં, હાથ મોજા અને પગ મોજા બધું જ અહીંના વાતાવરણ અનુરૂપ બદલવું પડ્યું છે. નિશાને એવરેસ્ટ વિજય સમયે આંગળીઓમાં હિમ ડંખ થયા હતા, જેના લીધે આટલા ઠંડા વાતાવરણમાં દુખાવો થાય છે. જોકે, અહીં એક વિશેષ પ્રકારનું હેન્ડલ કવર મળે છે જેનાથી રાહત થઈ છે.