જુનાગઢ: જુનાગઢ પોલીસને આજે મોટી સફળતા મળી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉમેદવારોને ઇન્ટરવ્યૂ અને નોકરી અપાવવાની લાલચ આપીને લાખો રૂપિયાના તોડ કરતી આંતર રાજ્ય ગેંગ જુનાગઢ પોલીસે ઝડપી પાડી છે. પોલીસ પકડમાં રહેલા ત્રણેય ઈસમો સરકારી નોકરી મેળવવા માટે પ્રયત્નશીલ રહેતા ઉમેદવારોની ઓળખ કરીને તેને ખોટું ઇન્ટરવ્યૂ અને નિમણૂક ઓર્ડર આપીને લાખોનો તોડ કરવાનું કારસ્તાન ચલાવી રહ્યા હતા જેને પોલીસે ખુલ્લું પાડ્યું છે.
ખેતરપિંડી કરતી આંતર રાજ્ય ગેંગ પોલીસ શકંજામાં
જુનાગઢ પોલીસને આજે મોટી સફળતા મળી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી વિવિધ સરકારી પદ પર ઉમેદવારોની ઓળખ કરીને તેને નકલી ઇન્ટરવ્યૂ અને નિમણૂક ઓર્ડર આપીને લાખો રૂપિયાના તોડ કરવાના કારસ્તાનને જુનાગઢ પોલીસે ખુલ્લું પાડ્યું છે. માણાવદરના કાળુભાઈ સોલંકી દ્વારા તેના પુત્રને વન વિભાગમાં નોકરી અપાવવાના ખોટા ઇન્ટરવ્યૂ અને નિમણૂક પત્રના બદલામાં 75 લાખની માંગણી કરી હતી. જે પૈકી સાડા ચાર લાખ રૂપિયા પોલીસ પકડમાં રહેલા ત્રણેય ઈસમોએ અગાઉ વસુલી લીધા હતા પરંતુ ઉમેદવારના પિતાને સમગ્ર મામલામાં શંકા જતા તેમણે પોલીસ ફરિયાદ કરી હતી ત્યારે પોલીસે જુનાગઢના સરદાર બાગ નજીક આવેલા વન વિભાગની ઓફિસ નજીક ખોટી જાહેરાત આપીને ઇન્ટરવ્યૂ કરી રહ્યા હતા. આ સમયે પોલીસે સરગાસણના બાબુ પટેલ સેક્ટર 8 ગાંધીનગરમાં રહેતા વિનોદ ગઢવી તેમજ મધ્યપ્રદેશના રાહતગઢમાં રહેતા દિપક સેન નામના ત્રણ ઈસમોની અટકાયત કરીને સમગ્ર મામલામાં છેતરપિંડીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
મુખ્ય ભેજાબાજ મુંબઈનો આશિષ સાઉ ફરાર
મુખ્ય ભેજાબાજ મુંબઈમાં રહેતો આશિષ સાઉ સમગ્ર છેતરપિંડી ગેંગનો મુખ્ય માણસ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ગુજરાતના આ ત્રણેય વ્યક્તિઓ દ્વારા ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી સરકારી નોકરીની રાહમાં બેઠેલા ઉમેદવારોની ઓળખ કરીને તેને ફસાવવાનું કામ કરતા હતા. તો બીજી તરફ મુંબઈમાં રહેતો આશિષ સાઉ ગુજરાત જાહેર સેવા આયોગના નકલી ઇમેલ આઇડીથી નોકરી માટે મહેનત કરતા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ અને નિમણૂક પત્ર ઈમેલ મારફતે મોકલતો હતો. અગાઉ છેતરપિંડી કરતી આ ગેંગના સભ્યોએ વિસાવદરના નિકુંજ ભટ્ટ નામના ઉમેદવાર પાસેથી અમદાવાદ પોસ્ટ ઓફિસમાં નોકરી અપાવવાના બહાને 14 લાખ મેળવીને તેને બનાવટી નકલી ઓર્ડર ઇસ્યુ કર્યાનો ખુલાસો પણ પોલીસ તપાસમાં થયો છે.
પોલીસ અધિક્ષકે આપી વિગતો
જુનાગઢ ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક બી યુ જાડેજાએ મધ્યમોને સાર્વત્રિક વિગતો આપતા જણાવ્યું હતું કે, નોકરીવાચ્છુ ઉમેદવારને સરકારી નોકરીની લાલચ આપીને તેની પાસેથી લાખો રૂપિયાનો તોડ કરતી ઈસમોની એક ગેંગને પાડવામાં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વન વિભાગમાં ફોરેસ્ટ ઓફિસર તરીકે નોકરી અપાવવાની લાલચ આપીને આચારેય ઈસમો ત્રણ વિદ્યાર્થીઓને પણ ફસાવ્યા છે. બેરોજગાર યુવાનોને પોતાની માયાજાળમાં ફસાવીને આ ચારેય ઈસમો ઉમેદવારોના અભ્યાસના પ્રમાણપત્રો મેળવી તેને ઇન્ટરવ્યૂ અને જોઇનિંગ મેલ નકલી આઈડીથી મોકલીને કારસ્તાન ચલાવી રહ્યા હતા. પોલીસ પકડમાં રહેલા ત્રણેય ઈસમોના મોબાઈલમાંથી સરકારની જાહેરાત અને વીડિયો જાહેરાતની સાથે કેટલાક જોઇનિંગ લેટર પણ મળી આવ્યા છે. હાલ સમગ્ર મામલામાં મુંબઈનો આશિષ સાઉ પોલીસ પકડથી દુર છે. જેને પકડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મુખ્ય ઈસમ પોલીસ પકડમાં આવશે તો ત્યારબાદ સમગ્ર મામલામાં વધુ કેટલાક ખુલાસા થવાની શક્યતા પણ જુનાગઢ પોલીસે વ્યક્ત કરી છે.
- મોત જોયું અને શરૂ કર્યો લોકોને બચાવવાનો યજ્ઞઃ નડિયાદની નર્સ યુવતીને મળ્યો પોલીસનો સહકાર
- અમદાવાદ-સુરતમાં રહીને ONGCમાં નોકરી કરવાની મોટી તક, રૂ.60 હજારથી શરૂ થશે પગાર