દીવના દરિયા કાંઠે મહાદેવ ગંગેશ્વરના રૂપમાં બિરાજી રહ્યા છે (Etv Bharat Gujarat) દીવ: મહાભારત કાળમાં પાંડવો દ્વારા સ્થાપિત દીવના દરિયા કાંઠે મહાદેવ ગંગેશ્વરના રૂપમાં બિરાજી રહ્યા છે. આ શિવાલય વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં ખુદ સાગર મહાદેવને અભિષેક કરવા માટે જાણે કે તલપાપડ બનતા હોય તે પ્રકારે પાંડવો દ્વારા સ્થાપિત પાંચેય શિવલિંગને સમુદ્ર દ્વારા અભિષેક થતો હોય છે. જેને કારણે પણ દીવનું ગંગેશ્વર મહાદેવ અતિ દુર્લભ શિવાલય તરીકે પણ માનવામાં આવે છે. દીવ પર્યટન ઉદ્યોગ માટે જાણીતું છે. પરંતુ અહીં શ્રાવણ મહિનામાં ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે સમગ્ર દેશમાંથી શિવભક્તો આવે છે.
દુર્લભ ગંગેશ્વર મહાદેવ: પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે આવા સમયે પ્રત્યેક શિવભક્ત મહાદેવના દર્શન અને તેના અભિષેક માટે સમગ્ર દેશમાં પરિભ્રમણ કરી રહ્યા છે. ત્યારે અરબી સમુદ્રમાં દીવના કાંઠે આવેલું ગંગેશ્વર મહાદેવ ખરા અર્થમાં અસાધારણ શિવાલય તરીકે આજે પણ ઓળખાય છે, શ્રાવણ માસ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. તેમ તેમ પર્યટન સ્થળ એવા દીવમાં પ્રવાસ માટે આવતા પ્રવાસીઓ દરિયાકાંઠે પાંડવો દ્વારા સ્થાપિત ગંગેશ્વર મહાદેવના દર્શન કરીને ભાવવિભોર બની જાય છે. દીવના જાલંધર વિસ્તારમાં આવેલું ગંગેશ્વર શિવાલય ભક્તો માટે ખૂબ મોટી આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે.
પાંચ પાંડવોએ કરી સ્થાપના:જાલંધર વિસ્તારમાં દીવના દરિયાકાંઠે પાંચ પાંડવો દ્વારા ગંગેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી. જેને કારણે પણ આ શિવાલય સમગ્ર વિશ્વમાં અતિ દુર્લભ માનવામાં આવે છે. ગંગેશ્વર મહાદેવ પર ખુદ સાગર દિવસ દરમિયાન પોતાના પવિત્ર જળથી સતત અભિષેક કરે છે.સાગર દ્વારા મહાદેવ પર આ પ્રકારનો જળનો અભિષેક થતો હોય તેવા શિવ મંદિર ભારત વર્ષમાં જોવા મળતા નથી. જેને કારણે પણ દીવમાં આવેલું ગંગેશ્વર મહાદેવ મંદિર શિવભક્તોમાં ભારે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. મહાભારત કાળ દરમિયાન પાંડવો સતત વિચરણ કરતા હતા. આ સમય દરમિયાન પ્રભાસ તીર્થ ક્ષેત્રનો એક ભાગ ગણાતા જાલંધર ક્ષેત્રમાં પાંડવોએ રાતવાસો કર્યો હતો. ત્યારબાદ ગંગેશ્વર મહાદેવની સ્થાપના કરી હોવાનો દીવના ઇતિહાસ સાથે જોડાયેલા સાહિત્યમાં ઉલ્લેખ જોવા મળે છે.
સનાતન ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ:સનાતન ધર્મ સંસ્કૃતિના ગ્રંથોમાં પણ ગંગેશ્વર મહાદેવનો ઉલ્લેખ જોવા મળે છે. પાંડવોને પ્રતિજ્ઞા મુજબ મહાદેવની પૂજા અને દર્શન કર્યા વગર ભોજન ગ્રહણ નહીં કરવાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે પાંચેય પાંડવોએ પોતાના કદ અને આયુ અનુસાર દીવના દરિયાકાંઠે પાંચ શિવલિંગની સ્થાપના કરી હતી. જે આજે સમગ્ર વિશ્વમાં ગંગેશ્વર મહાદેવના નામથી પૂજાઈ રહ્યા છે. શ્રાવણ માસમાં એક સાથે પાંચ શિવલિંગનો અભિષેક કરવાનું જે અહોભાગ્ય શિવભક્તોને દીવના ગંગેશ્વર મહાદેવ આપી રહ્યા છે, તેને કારણે આ શિવાલયમાં મહાદેવના દર્શન કરવા માટે દેશ અને દુનિયામાંથી શિવભક્તો દીવ આવી રહ્યા છે, મહત્વની વાત એ છે કે, આ શિવાલયને કોઈ દ્વાર નથી 24 કલાક સતત ખુલ્લુ રહેતું અને દરિયા દ્વારા સતત જળાભિષેક થતું આ શિવાલય શ્રાવણ મહિનામાં શિવ ભક્તોની આસ્થાનો એક કેન્દ્ર બન્યું છે.
- અહીં છે 700 વર્ષ પુર્વેનું સ્વયંભૂ શિવલિંગ, શ્રાવણ માસના સોમવારે મોટી સંખ્યામાં ઉમટે છે ભાવિકો - Luneshwar Mahadev Temple
- 'ઓ માય ગોડ',થી લીધી પ્રેરણા, જુનાગઢની એ NGO જે 13 વર્ષથી ચલાવે છે 'મિલ્ક બેંક ઓફ મહાદેવ', - JUNAGADH MILK BANK OF MAHADEV