અમદાવાદ:વર્ષ 2024ને સમાપ્ત થવાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. 2024નું વર્ષ અનેક રીતે ખૂબ યાદગાર રહ્યું. ખાસ કરીને ગુજરાતના ઘણા જાણીતા લોકોએ કલાથી લઈને બિઝનેસ સ્પોર્ટ્સ જગત સુધી મોટી ઉપલબ્ધિઓ હાંસેલ કરી. જોકે 2024માં ઘણા એવા નામી અને દિગ્ગજ ગુજરાતીઓનું પણ અવસાન થયું છે. જેના કારણે તેમના ક્ષેત્રમાં મોટી ખોટ પડી છે. જે દિગ્ગજ ગુજરાતીઓનું નિધન વર્ષ 2024માં થયું છે, તેમના અંગે જાણીએ....
વસંત પરેશ- હાસ્યની વસંત શીત લહેરમાં અમર બની
સમગ્ર ગુજરાતમાં પોતાની આગવી શૌલીમાં પણ ધીર-ગંભીર રીતે હાસ્ય પીરસનાર વસંત પરેશ ઉર્ફે બંધુનું 70 વર્ષની વયે જામનગર ખાતે 19, ડિસેમ્બરના રોજ નિધન થયુ હતુ. સૌરાષ્ટ્ર સહિત વિશ્વમાં જ્યાં પણ ગુજરાતીઓ વસે છે, ત્યાં પતિ-પત્નીના જીવનમાં બનતી ઘટનાઓને પોતાના હાસ્યમાં વણી લઈ વસંત પરેશે પારિવારિક મનોરંજન પીરસ્યું છે. પોતાના કાર્યક્રમોની 100 થી વધુ કેસેટ-સીડી થકી વસંત પરેશના સાત્વિક હાસ્યને માણી શકાય છે. આરંભમાં શાયરીઓ પણ લખી અને શાયરી-ગઝલોના પુસ્તકનું પ્રકાશન પણ થયું છે. વસંત પરેશે હાસ્ય કાર્યક્રમ હોય કે ડાયરો હોય તેનું સંચાલન પણ કર્યું છે. વસંત પરેશે પોતે સર્જેલ ધીરુના પાત્ર થકી હાસ્યનું સર્જન કરતા અને દર્શકોને હાસ્ય થકી સમાજ, જીવન અને સત્યની વાતો ખૂબ સહજ રીતે કહેતા. સૌરાષ્ટ્રના ગામે-ગામ તો દેશના મહત્વના શહેરો અને જ્યાં ગુજરાતીઓ વસે છે એ દેશોમાં જઈને વસંત પરેશે હાસ્યની છોળો ઉડાવી છે.
અંશુમન ગાયકવાડ- ઘ ગ્રેટ વોલ ઓફ ક્રિકેટ
ભારતીય ક્રિકેટમાં ખેલાડી અને કોચ તરીકે દીર્ધ કારકિર્દી ધરાવતા બરોડાના અંશુમન ગાયકવાડનું 31, જુલાઈ - 2024ના રોજ વડોદરા ખાતે બ્લડ કેન્સરથી નિધન થયુ હતુ. 1974 થી 1984 સુધી અંશુમન ગાયકવાડે પોતાના જમાનાના ફાસ્ટ બોર્લસને વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાનમાં સામનો કર્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં મીડર ઓર્ડર બેટ્સમેન તરીકે કારકિર્દીનો આરંભ કરનાર અંશુમન ગાયકવાડે ત્યાર બાદ સુનિલ ગાવાસ્કર સાથે ઓપનર તરીકે ઓળખ મેળવી હતી. પોતાની ટેસ્ટ કેરિયરમાં અંશુમન ગાયકવાડે 40 ટેસ્ટ રમી હતી. જેમાં પાકિસ્તાન સામે 201 સાથે બે સદીઓ ફટકારી છે. વેસ્ટ ઇન્ડિઝના પેસર્સ માયકલ હોલ્ડિંગ અને વેઈન ડેનિયલ સામેની સાત કલાકની મેરોથન ઇનિંગ્સમાં તેઓએ 81 રન ફટકારી ઘ ગ્રેટ વોલનું બિરુદ પ્રાપ્ત કર્યું હતુ. વેસ્ટ ઇન્ડિઝમાં બોલ વાગતા ચશ્મા તુટ્યા અને કાનથી લોહી વહ્યુ, બે વાર સર્જરી કરાવી પડી. પણ અંશુમન ગાયકવાડે ઝીંક ઝીલી હતી. અંશુમન ગાયકવાડે ક્રિકેટર તરીકે કારકિર્દી સંપન્ન કરી ટીમના સિલેક્ટર અને કોચની ભૂમિકા ભજવી હતી. 1997 થી 1999 અને 2000માં અંશુમન ગાયકવાડે ભારતીય ટીમના કોચ તરીકે સેવા આપી હતી. પોતાના કાર્યકાળમાં તેઓએ હરભજનસિહ, યુવરાજસિંહ અને ઝહીરખાનને ભારતીય ટીમમાં પ્રવેશ કરાવ્યો હતો. છેલ્લે તેઓ કેન્યાની નેશનલ ટીમના કોચ હતા. અંશુમન ગાયકવાડના બે પુત્રો પણ બરોડા વતી રણજી ટ્રોપી રમ્યા હતા.
મંજુ મહેતા - સપ્તકના સહ-સ્થાપક અને સિતારવાદક, કળાનો તારો ખર્યો
ભારતના સૌથી મોટા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમ સપ્તકના સહ-સ્થાપક અને સિતારવાદક મંજુ મહેતાનું 79 વર્ષે 20, ઓગસ્ટ - 2024ના રોજ નિધન થયું હતું. વિદૂષી મંજુ મહેતાએ પોતાના મોટાભાઈ પાસેથી પહેલા સિતારની તાલીમ મેળવી હતી. મૈહાર ઘરાનાના સિતાર વાદક તરીકે મંજુ મહેતાનો પ્રથમ જાહેર કાર્યક્રમ 1964માં જયપુર ખાતે યોજયો હતો. 79 વર્ષના આયખામાં મંજુ મહેતાએ અનેક કાર્યક્રમો આપ્યા હતા. જેના કારણે લાખો સંગીતપ્રેમીઓના દિલમાં તેમનું અનેરુ સ્થાન છે. આકાશવાણીએ મંજુ મહેતાને પુરા દેશમાં પ્રથમ સ્થાન આપ્યુ હતુ. મંજુ મહેતાને પોતાના સંગીત ક્ષેત્રના પ્રદાનના ઋણ તરીકે અનેક પુરસ્કારોથી નવાજિત કરવામાં આવ્યાં હતા. તેમને ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
પંકજ ઉધાસ - ગુજરાતી ગઝલોનો ધબકતો કંઠ, ઓલવાયો
મૂળે રાજકોટના પંકજ ઉધાસ તેમની ગઝલ ગાયકી માટે જાણીતા હતા. ગુજરાતી ગઝલોનો ધબકતો કંઠ એવા પંકજ ઉધાસનું 72 વર્ષની વયે 26, ફેબ્રુઆરી - 2024ના રોજ નિધન થયું હતું. પોતાના મુલાયમી અવાજ અને સ્વરમાં તાજગી એટલે પંકજ ઉધાસ. પંકજ ઉધાસે હિંન્દી ફિલ્મ નામમાં ગાયેલું 'ચિઠ્ઠી આઈ હૈ' ગીત ખૂબ જાણીતુ બન્યું છે. ગુજરાતી ગઝલ અને ગીતો સાથે તેઓએ અનેક હિંન્દી ફિલ્મમાં કંઠ આપ્યો હતો. 2006માં પદ્મશ્રીથી સન્માનિત પંકજ ઉધાસે આહત ગઝલ આલ્બમથી કારકિર્દીનો આરંભ કર્યો હતો. ત્યાર બાદ તેઓએ 1981માં મુકરર, તરન્નુમ અને મહેફિલ જેવા જાણીતા ગઝલ આલ્બમ આપ્યા હતા.
ગુજરાતી સુગમ સંગીતના ઓલરાઉન્ડર પુરુષોત્તમ ઉપાધ્યાય
પુરુષોત્તમ ઉપાધ્યાયે ગુજરાતી સુગમ સંગીતના પ્રથમ પંક્તિના ગાયક કહો કે સંગીત દિગ્દર્શક એ તમામ બિરુદમાં એ ફીટ બેસતા હતા. ગુજરાતી સુગમ સંગીતના ગાયક અને સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન 90 વર્ષની વયે 11, ડિસેમ્બર- 2024ના રોજ મુંબઈ ખાતે થયું હતું. પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મ ખેડા જિલ્લાના ઉત્તરસંડા ખાતે 15, ઓગસ્ટ - 1937ના રોજ થયો હતો. પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીતમાં પ્રદાન બદલ એમને 2017માં પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. પોતાની દીર્ઘ સંગીતમય જીવનયાત્રામાં સંગીતના અનેક દોરને જોયા અને એમાં પોતાનું અનેરુ પ્રદાન પણ અંકે કર્યું છે. પુરુષોત્તન ઉપાધ્યાયની છ દાયકાની સંગીતમય જીવનયાત્રામાં તેમણે 30થી વધુ ફિલ્મોમાં પણ સંગીત આપ્યું હતું.
સાહિત્યના અનેક પાસાઓના માહિર, ચંદ્રકાન્ત શેઠનું નિધન
ગુજરાતી સાહિત્યના સમર્થ કવિ, વિવેચક, અનુવાદ અને નિબંધકાર તરીકેની ઓળખ ધરાવતા ચંદ્રકાન્ત શેઠનું નિધન 2, ઓગસ્ટ - 2024ના રોજ થયું હતું. ખેડાના ઠાસરાના વતની ચંદ્રકાન્ત શેઠ પ્રોફેસર હતા. કુમાર સંચાલિત બુધસભાથી તેમની સર્જનાત્મકતાની ઓળખ પરખાઇ હતી. તેમના કાવ્ય સંગ્રહ પવન રુપેરી, કક્કાજીની અ-કવિતા તો આધુનિક પ્રતિકો સાથેની 'પેલે પાર', 'ક્યાં છો ચંદ્રકાંત' અને 'બેસ બેસ દેડકી' તેમની જાણીતી કૃતિ હતી. 1986માં તેમના પુસ્તક 'ધૂળમાંની પગલીઓ' માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
મુકેશનો ગુજરાતી કંઠ, કમલેશ અવસ્તી
ગુજરાતના વોઇસ ઓફ મુકેશથી દેશભરમાં ફેમ ધરાવતા કમલેશ અવસ્તીનું અવસાન 78 વર્ષની વયે 28, માર્ચ-2024માં અમદાવાદ ખાતે થયું હતું. કમલેશ અવસ્તીએ હિન્દી ફિલ્મમાં પણ પોતાનો કંઠ આપ્યો હતો. નસીબ ફિલ્મનું ઝિંદગી ઇમ્તિહાન લેતી હૈ અને તેરા સાથ હૈ તો ગીત ગાયા છે. 1945માં સાવરકુંડલામાં જન્મેલા કમલેશ અવસ્તીનું પ્રથમ આલ્બમ ટ્રિબ્યુટ ટુ મુકેશ નામે હતુ. કમલેશ અવસ્તીએ મોટી સંખ્યામાં સ્ટેજ શો કર્યા હતા.
ફિલ્મ સંગીતકાર વિપિન રેશમિયાનું મુંબઈ ખાતે અવસાન
હિંદી ફિલ્મના સંગીતકાર અને ગાયક હિમેશ રેશમિયાના પિતા વિપિન રેશમિયાનું મંબઈ ખાતે બીમારીના કારણે 87 વર્ષની વયે 18, સપ્ટેમ્બર - 2024ના રોજ અવસાન થયું હતું. વિપિન રેશમિયાએ સલમાન ખાનની ફિલ્મમાં પણ સંગીત આપ્યું હતુ, અને પુત્ર હિમેશ રેશમિયાને લોન્ચ કરવા 'પ્યાર કીયા તો ડરના ક્યાં'માં તક આપી હતી. હિમેશ અને વિપિન રેશમિયાની જોડી પુત્ર-પિતાની જોડી કરતા મિત્રોની જોડી તરીકે જાણીતી હતી. વિપિન રેશમિયાએ ધ એક્સપોઝ, તેરા સુરુર, ઇન્સાફ કા સુરજમાં પોતાનું સંગીત આપ્યું હતું.
અમીન સયાની - રેડિયો પરનો સોનેરી અવાજ, ખામોશ થયો
મૂળ ગુજરાતી અમીન સયાનીનું અવસાન 20, ફેબ્રુઆરી - 2024ના રોજ મુંબઈ ખાતે થયું હતું. અમીન સયાનીનો ફિલ્મી ગીતોનો હીટ કાર્યક્રમ બિનાકા ગીતમાલા સંગીતપ્રેમીમાં જાણીતો છે. રેડિયો સિલોનથી પ્રસારિત થતો બિનાકા ગીતમાલામાં ભાઈઓ ઔર બહેનોના ઉદ્ગારથી બોલાતો વિશેષ અંદાજનો લહેજો તેમના સંબોધનમાં વિશેષ તત્વ ઉમેરતું હતું. 1951થી છેલ્લા કાર્યક્રમ સુધીમાં અમીન સયાનીએ કુલ 54 હજાર કાર્યક્રમો રજૂ કર્યા હતા. અમીન સયાનીએ પોતાના જીવનકાળ દરમિયાન કુલ 19 હજાર રેડિયો જીગલ્સમાં વોઇસ ઓવર કરેલું છે. અમીન સયાનીના અવાજની નકલ કરીને અનેક રેડિયો અને મિમિક્રીના કલાકારો બન્યા છે.
પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ સેંઘાણીનું 73 વર્ષે અવસાન
કચ્છ જિલ્લાના માંડવી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ સેંધાણી ઉર્ફે મંગલદાદાનું 73 વર્ષે અવસાન થયું હતું. માંડવીના પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ સેંઘાણી એક લોકપ્રિય અગ્રણી હતા. તેમની લોકપ્રિયતા પાછળનું મુખ્ય કારણ માંડવી તાલુકાના વિકાસમાં તેમનું યોગદાન રહ્યું હતું. તેમણે જાહેર જીવનમાં અનેક વિકાસ કાર્યો પૂર્ણ કરાવ્યા હતા. તેમણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પક્ષના સંગઠન અને કિસાન સંઘમાં મહત્વના હોદ્દાઓ પર પ્રશંસનીય કામગીરી કરી હતી. તેઓ માત્ર પાટીદાર સમાજ પૂરતા જ નહિ પરંતુ વિવિધ સમાજ, રાજકીય અને સહકારી ક્ષેત્રે લોકપ્રિય અગ્રણી હતા. તેમણે ગઢશીશા પંચગંગાજી તીર્થ સ્થાનના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગઢશીશા વિસ્તારમાં સમૂહ લગ્ન સમિતિમાં પણ તેમનું યોગદાન મહત્વનું રહ્યું હતું.
આ પણ વાંચો:
- ક્ષત્રિય આંદોલનથી લઈ લોકસભાની રસાકસી સુધી... 2024માં ગુજરાતની રાજકીય ઘટનાઓ પર એક નજર
- વર્ષ 2024 ભારતીય રાજકારણ માટે ઐતિહાસિક રહ્યું..., ચાલો મુખ્ય ઘટનાઓ પર નાખીયે એક નજર