નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા દિલ્હી યુનિવર્સિટીના (DU) બે નવા કેમ્પસ અને હિંદુત્વ વિચારક વીર સાવરકરના નામની કોલેજનો શિલાન્યાસ કર્યો. રૂ. 600 કરોડથી વધુના રોકાણ સાથેના આ પ્રોજેક્ટનો હેતુ શૈક્ષણિક તકોને વેગ આપવા અને સુવિધાઓને આધુનિક બનાવવાનો છે.
દિલ્હીમાં વિકાસકાર્યોનું લોકાર્પણ : દિલ્હી યુનિવર્સિટીના (DU) બે નવા કેમ્પસ અને વીર સાવરકરના કોલેજનો શિલાન્યાસ સમારોહ અશોક વિહાર ખાતે યોજાયો હતો, જ્યાં વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય રાજધાની માટે અન્ય ઘણા માળખાકીય પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું હતું.
DU ને મળ્યા બે નવા કેમ્પસ : દિલ્હી યુનિવર્સિટીના વિસ્તરણ પ્રયાસોના ભાગરૂપે, પૂર્વ કેમ્પસ સુરજમલ વિહારમાં અને પશ્ચિમ કેમ્પસ દ્વારકા સેક્ટર 22 માં બનાવવામાં આવી રહ્યું છે. હાલમાં દિલ્હી યુનિવર્સિટીના ઉત્તર અને દક્ષિણ કેમ્પસ છે. 15.25 એકરમાં ફેલાયેલા પૂર્વી કેમ્પસને અંદાજિત રૂ. 373 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યું છે. તે LLB, LLM અને સંકલિત પાંચ-વર્ષનો LLB પ્રોગ્રામ તેમજ અન્ય મલ્ટી ડીસીપ્લીનરી કોર્સ ઓફર કરશે.
કેવા હશે નવા બે કેમ્પસ ? નવા કેમ્પસમાં અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. જેમાં 60 ક્લાસરૂમ, 10 ટ્યુટોરીયલ રૂમ, છ મૂટ કોર્ટ, ચાર કોમ્પ્યુટર લેબ, બે કાફેટેરિયા અને બે કોમન રૂમનો સમાવેશ થાય છે, જે 59,618 ચોરસ મીટરના બિલ્ટ-અપ વિસ્તારમાં ફેલાયેલો છે. તેવી જ રીતે રૂ. 107 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વેસ્ટર્ન કેમ્પસ પ્રથમ તબક્કામાં નવો એકેડેમિક બ્લોક બનશે. 19,434.28 ચોરસ મીટરમાં ફેલાયેલા આ કેમ્પસમાં 42 વર્ગખંડો, એક ડિજિટલ પુસ્તકાલય, કોન્ફરન્સ રૂમ, સેમિનાર હોલ અને અન્ય સુવિધાઓ હશે.
વીર સાવરકર કોલેજનો શિલાન્યાસ : DUના આ કેમ્પસ ઉપરાંત વડાપ્રધાન મોદીએ નજફગઢના રોશનપુરામાં વીર સાવરકર કોલેજનો શિલાન્યાસ કર્યો, જે પશ્ચિમી કેમ્પસની ખૂબ નજીક છે. 18,816.56 ચોરસ મીટરમાં ફેલાયેલી આ કોલેજ અંદાજિત 140 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. તેમાં 24 વર્ગખંડ, આઠ ટ્યુટોરીયલ રૂમ, 40 ફેકલ્ટી રૂમ, વિભાગીય પુસ્તકાલય, કોન્ફરન્સ રૂમ અને કેન્ટીન સહિતની આધુનિક સુવિધાઓ હશે.