કચ્છ:કચ્છમાં લુપ્ત થવાના આરે પહોંચેલા ગીધની સંખ્યામાં ફરી ઘટાડો થયો છે. આજે જખૌના બુડિયા વિસ્તારમાં વીજપોલ પાસે એક ગીધનું મોત નિપજ્યું છે. કયા કારણોસર આ ગીધનું મોત થયું તે બાબતે વનવિભાગે વધુ તપાસ હાથ ધરી છે અને ગીધના મૃતદેહના પોસ્ટ મોર્ટમ રિપોર્ટની કાર્યવાહી હાથ ધરી છે. જખૌના બુડિયા વિસ્તારમાં વીજપોલ નંબર 632 નજીક ગીધનો મૃતદેહ હતો. વન્યજીવ વસ્તી ગણતરી 2022માં પક્ષીઓની ગણતરીને લઇને ગીધ અંગે ચિંતાજનક આંકડા સામે આવ્યાં હતા. જેમાં કચ્છની અંદર ગીધની કુલ સંખ્યા માત્ર 25 જેટલી સામે આવી હતી.
આજે વીજપોલ પાસે એક ગીધનું મોત નીપજ્યું
વન્યજીવ વસ્તી ગણતરી 2022માં પક્ષીઓની ગણતરીને લઇને ગીધ અંગે ચિંતાજનક આંકડા સામે આવ્યાં હતાં. જેમાં કચ્છની અંદર વસતાં ચાર પ્રજાતિના ગીધની કુલ સંખ્યા માત્ર 25 જેટલી જ બચી હતી તેમાં પણ હવે આજે એક ગીધનું મોત થયું છે. કચ્છમાં 2018માં ગીધની સંખ્યા 44 જેટલી હતી જેમાં 19 જેટલા ગીધની સંખ્યામાં ઘટાડો થયો છે અને હવે માત્ર 25 જેટલા જ ગીધ કચ્છમાં બચ્યા છે.
વીજપોલ નંબર 632 નજીક ગીધનો મૃતદેહ મળી આવ્યો
આજે અબડાસા તાલુકાના જખૌ ગામ પાસેના બુડિયા ગામ પાસે એક ગીધનું મોત થયા હોવાનું સામે આવ્યું હતું. જેમાં ગામના વીજપોલ નંબર 632 નજીક ગીધનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ વન વિભાગને થતા વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગીધના મૃતદેહનો કબજો મેળવીને સ્થાનિકે જ પોસ્ટ મોર્ટમ ટીમને બોલાવીને વધુ તપાસ હાથ ધરી હોવાનું વનવિભાગના અશ્વિનસિંહે જણાવ્યું હતું.
હવે કચ્છની અંદર માત્ર 24 ગીધ જ બચ્યા
પ્રાથમિક તારણ મુજબ બની શકે છે કે, વીજપોલ પર ગીધને વીજશોક લાગ્યો હોવાથી તેનું મોત થયું હોવાનું અનુમાન છે. પરંતુ ચોક્કસ કારણ પોસ્ટ મોર્ટમ થયા બાદ જ જાણી શકાશે. ગીધનું મોત થતા જિલ્લામાં કુદરતના સફાઈ કામદાર એટલે કે ગીધ હવે માત્ર 24 જેટલા જ બચ્યા છે. ભૂતકાળમાં વર્ષ 2005માં કચ્છમાં 910 જેટલા ગીધ હતા. જે ઘટીને અંતે વર્ષ 2022 પહેલા થયેલી ગણતરી એટલે કે વર્ષ 2018 માં માત્ર 44ની સંખ્યામાં જ બચ્યા હતા.
કચ્છમાં ગીધની સંખ્યામાં સતત થઈ રહ્યો છે ઘટાડો
સમયાંતરે કચ્છમાં ગીધની વસ્તીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. કચ્છના અબડાસા વિસ્તારમાં એક સમયે મોટી સંખ્યામાં ગીધ જોવા મળતા હતા. ખાસ કરીને અબડાસાના જખૌ, નલિયા, સુથરી વગેરે ગામોમાં મકાનના છાપરા પર ગીધનો જમાવડો જોવા મળતો હતો. ગીધ પક્ષીની સંખ્યામાં થતા ઘટાડા પાછળના કારણોની વાત કરવામાં આવે તો ગીધમાં પ્રજનન માટે પુખ્તવયના ગીધો કચ્છમાં ઓછા હોતા સમસ્યા સર્જાઈ છે. તો અન્ય વિસ્તારમાંથી જે ગીધ આવે છે તેની સંખ્યા પણ ખૂબ ઓછી હોય છે. ઉપરાંત ગીધ છે તે રાતવાસા માટે તથા માળો બનાવવા માટે ઊંચાઈવાળા વૃક્ષો પસંદ કરે છે. પરંતુ જંગલો તથા માનવ વસાહતની આસપાસના ઊંચા અને મોટા વૃક્ષો કપાઈ જતા તેમના પ્રજનનની પ્રવૃતિમાં પણ અવરોધ ઉભું થયું છે જેથી સતત સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.
આ પણ વાંચો:
- હવે ભાવનગરથી સુરત, હરિદ્વાર સુધી ડેઇલી ટ્રેન દોડશે? રેલવે મંત્રી સમક્ષ કરાઈ ખાસ માંગણી
- કાંકરિયા કાર્નિવલ 2024, 7 દિવસ મનોરંજનની ભરમાર, જાણો આ વર્ષે કાર્નિવલમાં શું છે નવું ?