વલસાડ: જિલ્લા સહીત દક્ષિણ ગુજરાતના દરિયામાં સૌરાષ્ટ્રના માછીમારો દાદાગીરીથી માછીમારી કરતા હોવાનો સ્થાનિક માછીમારોએ આક્ષેપ લગાવ્યો છે. જેના લીધે તેમને નુકસાન થવા પામ્યું છે. માછીમારોએ આક્ષેપ કર્યો હતો કે, બહારથી આવતા માછીમારોની ફિક્સ નેટમાં સ્થાનિક માછીમારોની ગીલનેટ ફસાઇ જવાથી તૂટી જાય છે. જેનાથી માછીમારી કરવામાં નુકસાન થાય છે. જેથી સ્થાનિક માછીમારીની આજીવિકા પર પ્રશ્ન ઉભો થયો છે. જેને લઇને માછીમારોએ દક્ષિણ ગુજરાતમાં આવેલા જિલ્લા કલેક્ટરોને રજૂઆત કરી છે.
ગીલનેટ ફસાઈ જતા 6 લાખનું નુકશાન: વલસાડ જિલ્લાની સમુદ્રી પટ્ટીથી 90 નોટિકલ માઇલની સીમાથી 60 નોટિકલ સુધી અંદર આવીને સૌરાષ્ટ્રની બોટ ઘૂસણખોરી કરી ફિશિંગ માટે ધામો નાખતા સ્થાનિક માછીમારોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સૌરાષ્ટ્રની બોટના પંખાઓમાં મોંઘીદાટ ગીલનેટ ફસાઇને તૂટી જવાથી માછીમારો પર આફત આવી પડી છે. તેવો આક્ષેપ માછીમારોએ કર્યો હતો. જેથી 5 થી 6 લાખનું માછીમારોને નુકશાન થાય છે.
સૌરાષ્ટ્રના માછીમારો મધદરિયે દાદાગીરી કરતા હોવાનો વલસાડના માછીમારોનો આક્ષેપ (Etv Bharat gujarat) દાદાગીરીથી માછીમારી કરતા હોવાનો આક્ષેપ: જે મામલે વલસાડ, દમણ અને નવસારી જિલ્લાના માછીમારોમાં ભારે રોષ ફેલાતા આગામી દિવસોમાં ભર દરિયે માછીમારો વચ્ચે ઘર્ષણના એંધાણ વર્તાઇ રહ્યા છે. વલસાડ, દમણ, નવસારી, ઉમરગામ સુધીના માછીમારો બોટથી અરબી સમુદ્રમાં માછીમારી કરે છે. સૌરાષ્ટ્રની બોટ વલસાડ અંદર આવીને ધંધો કરતાં સ્થાનિક ધંધા પર માઠી અસર થઇ રહી છે. આ મામલે જિલ્લાના માછીમારોએ અને આ પ્રવૃત્તિ રોકવામાં નહી આવે તો આગામી દિવસોમાં મધદરિયે સૌરાષ્ટ્ર અને સ્થાનિક માછીમારો વચ્ચે ભારે ઘર્ષણ થવાની ભીતિ દર્શાવવામાં આવી છે.
સૌરાષ્ટ્રના માછીમારો મધદરિયે દાદાગીરી કરતા હોવાનો વલસાડના માછીમારોનો આક્ષેપ (Etv Bharat gujarat) બોક્સ ફિશિંગ કરતા હોવાથી નુકશાનની ભીતિ: માછીમારીમાં "બોક્સ ફિશિંગ" એ માછીમારીની એક પદ્ધતિ છે. જેમાં માછલીઓને પકડી રાખવા માટે ડૂબેલી કે તીરની નજીક રાખેલી બોક્સ જેવી જાળનો ઉપયોગ થાય છે. આ બોક્સમાં ખાસ પ્રકારના દ્વાર અથવા છિદ્રો હોય છે. જેનાથી માછલીઓ અંદર જઈ શકે છે પણ બહાર ન આવી શકે. આ પદ્ધતિ ખાસ કરીને કટલરી માછલીઓ અથવા નદી કે તળાવમાં પકડાતી માછલીઓ માટે ઉપયોગમાં લેવાય છે.
નવસારી કલેકટર કચેરીમાં સમાધાન માટે કવાયત: સ્થાનિક માછીમારોએ જણાવ્યું હતું કે, જાફરાબાદના માછીમારો વલસાડથી 60 નોટિકલ માઈલમાં આવી પોતાની હોડીઓને લાંગરીને બુુમલા માછલીઓ પકડે છે. જ્યારે નાની હોડી ધરાવતા વલસાડના માછીમારો ગીલનેટ દ્વારા ફિશિંગ કરે છે જેમની ગીલનેટ જાફરબાદના માછીમારો દ્વારા નાખવામાં આવેલા બોક્સ ફિશિંગના ખૂતામાં ફસાઇ જતા નેટ તૂટી જાય છે અથવા સ્થાનિક નાની બોટના માછીમારો વચ્ચે ઘર્ષણ વધે છે. જે અંગે નવસારી કલેક્ટર ખાકે જાફરાબાદના માછી સમાજના આગેવાનો સાથે સમાધાન બેઠક પણ યોજાઇ હતી પણ તેનો કોઇ ઉકેલ આવ્યો નથી.
માછીમાર સમિતિ દ્વારા વલસાડ કલેકટર આવેદન: મધદરિયે માછીમારી કરવા બાબતે વલસાડથી 40 થી 60 નોટિકલ માઈલ સુધી માછીમારી કરવા જતા વલસાડના સ્થાનિક માછીમારો સાથે જાફરાબાદથી માછીમારી કરવા આવતા કેટલાક શખ્સો દ્વારા દાદાગીરી કરવામાં આવતી હોવાને લઈને થતા ઘર્ષણને અને વિવાદને રોકવા અંગે શ્રી માછીમારી વ્યવસ્થાપન સમિતિ ધોલાઈ દ્વારા વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. સમગ્ર બાબતની ટેકનિકલી જાણકારી આપી છે. તેમજ ઉપરોક્ત બાબતે કોઈ યોગ્ય નિરાકરણ આવે તે માટેની રજૂઆત કરી છે.
વલસાડના કાંઠા વિસ્તારના લોકો માછીમારી કરે છે: વલસાડ જિલ્લાના 70 કિમી લાંબા દરિયા કિનારે આવેલા કાંઠા વિસ્તારના ગામોમાં રહેતા લોકો મોટાભાગે નાનાપાયે માછીમારીનો ધંધો કરે છે. જેમની પાસે નાની બોટ છે, તેઓ દરિયામાં 40 થી 60, 70 નોટિકલ માઈલ સુધી માછીમારી કરવા જતા હોય છે. જ્યાં તેઓની ગીલનેટથી માછીમારી કરવાના સમયે બોક્સ ફિશિંગ કરતા જાફરાબાદમાં માછીમારો ની જગ્યામાં નેટ ફસાઈ જતા તેઓને નુકસાન થાય છે.
દાદાગીરી કરતા માછીમારો ચિંતાનો વિષય:વલસાડના દાંતી, કોસંબા, કકવાડી, હિંગળાજ, વેકરીયા, ઉંમરસાડી, કોલક, જેવા અનેક કાંઠા વિસ્તારના ગામો સાથે જ ઉમરગામ વિસ્તારના મરોલી, દાંડી, ઉમરગામ, નારગોલ, ફણસા જેવા ગામોના મોટાભાગના માછીમારો વલસાડથી 40 થી 60 નોટિકલ માઈલ દૂર માછીમારી કરવા જાય છે અને તેઓનો રોજગાર માછીમારીના વ્યવસાય ઉપર જ નભે છે. ત્યારે સૌરાષ્ટ્રના માછીમારો સાથે મધદરિયે થતા ઘર્ષણ રોકવા યોગ્ય નિકાલ આવે તે જરૂરી છે. નહીં તો આગામી દિવસમાં માછીમારીના વ્યવસાય ધરાવતા લોકોને તેની સીધી અસર વર્તાઈ શકે છે. વલસાડ જિલ્લામાં માછીમારી કરતાં નાના માછીમારો માટે સૌરાષ્ટ્રથી માછીમારી કરવા આવતા અને દાદાગીરી કરતા માછીમારોને લઈને ચિંતાનો વિષય બન્યો છે. જે અંગે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો:
- પાટણમાં આવેલ ઘી બજારમાં વેપારી સામે ફૂડ વિભાગની કાર્યવાહી, ટીમે ઘીના સેમ્પલ લીધા
- બાર ગામે બોલી નહી પણ પહેરવેશ પણ બદલાય... જાણો સોરઠની વિવિધ જ્ઞાતિઓના પરંપરાગત પોશાકો