ગુજરાત

gujarat

ETV Bharat / state

મત્સ્ય ઉદ્યોગ થયો 'મંદ', સૌરાષ્ટ્રના બંદરોથી નિકાસમાં ઘટાડો, શું રહ્યા કારણો જાણો અહેવાલમાં... - JUNAGADH FISH EXPORT

કેટલાક વર્ષોમાં ચાઇના, યુરોપ અને વિશ્વના કેટલાક દેશોમાં મંદી, દરિયામાં માછલી ઉત્પાદનમાં ઘટાડાને કારણે પાછલા 2 વર્ષથી સૌરાષ્ટ્રના બંદરો પર માછલીઓની નિકાસમાં ઘટાડો થયો છે.

પાછલા વર્ષોની સરખામણીએ માછલીની નિકાસમાં આ વર્ષે થોડો ઘણો ઘટાડો આવી શકે છે.
પાછલા વર્ષોની સરખામણીએ માછલીની નિકાસમાં આ વર્ષે થોડો ઘણો ઘટાડો આવી શકે છે. (ETV BHARAT GUJARAT)

By ETV Bharat Gujarati Team

Published : Jan 24, 2025, 9:43 AM IST

જુનાગઢ: સૌરાષ્ટ્રના સૌથી મોટા અને રોજગારીનું સર્જન કરતો માછીમારી ઉદ્યોગ વેરાવળ અને આસપાસના બંદરોથી માછલીઓની નિકાસને લઈને પણ ખૂબ સારું નામ ધરાવે છે. પરંતુ પાછલા કેટલાક વર્ષો દરમિયાન ચાઇના સહિત યુરોપ અને વિશ્વના કેટલાક દેશોમાં જોવા મળતી મંદી દરિયામાં માછલીના ઉત્પાદનમાં ઘટાડો અને યુરોપમાં યુદ્ધની સ્થિતિને કારણે પાછલા 2 વર્ષથી સૌરાષ્ટ્રના બંદરો પર થતી વિવિધ માછલીઓની નિકાસમાં થોડે ઘણે અંશે ઘટાડો થયો છે. પરંતુ કેટલીક માછલીઓની સ્થાનિક બજારમાં માંગ વધતા તેને સરભર કરવાની સ્થિતિ માછીમાર ઉદ્યોગ સાથે સંકળાયેલા નિકાસકારોને મળી રહી છે.

સૌરાષ્ટ્રનો માછીમારી નિકાસ ઉદ્યોગ: સૌરાષ્ટ્રનો મોટો અને સૌથી વધારે રોજગારી આપવાની સાથે વિદેશી હૂંડિયામણ કમાઈ આપતો માછીમારી ઉદ્યોગ પાછલા 3-4 વર્ષથી થોડાક ખાટા મીઠા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના વેરાવળ, પોરબંદર, માંગરોળ અને ઓખા બંદર માછલીના ઉત્પાદન અને પ્રોસેસ થતી માછલીઓની નિકાસ માટે આજે પણ ખૂબ જ મહત્વના બની રહ્યા છે. ખાસ કરીને વેરાવળ બંદર પર માછલીની નિકાસ કરતા 107 યુનિટ પહેલેથી જ કાર્યરત હતા. જેમાં આવનારા દિવસોમાં વધુ 12 કરતાં વધારે યુનિટનો વધારો થવા જઈ રહ્યો છે. જે સ્પષ્ટ દર્શાવે છે કે, વેરાવળ બંદર પરથી ચાઇના, યુરોપ મધ્ય-પૂર્વ અને વિદેશના દેશોમાં માછલીઓની નિકાસને લઈને હબ બનતું જાય છે, પરંતુ પાછલા 3-4 વર્ષથી માછલીની નિકાસ કરતો ઉદ્યોગ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. પરંતુ આગામી દિવસોમાં સ્થિતિ પૂર્વવત્ બનશે. તેવો માછીમાર નિકાસકારો ભરોસો રાખી રહ્યા છે.

પાછલા વર્ષોની સરખામણીએ માછલીની નિકાસમાં આ વર્ષે થોડો ઘણો ઘટાડો આવી શકે છે. (ETV BHARAT GUJARAT)

ચાઇના અને યુરોપમાં માછલીની માંગ ઘટી: સૌરાષ્ટ્રના બંદરોમાંથી થતી માછલીની નિકાસનો મુખ્ય ખરીદદાર ચાઇના, અમેરિકા, યુરોપના દેશોની સાથે આજના સમયે ઉત્તર-પૂર્વના દેશોમાં પણ માછલીની માંગમાં થોડા ઘણા અંશે ઘટાડો થયો છે. જેમાં સૌથી વધારે ઘટાડો ચાઈનામાં થયો છે. અત્યાર સુધી ચાઇના સૌરાષ્ટ્રના બંદરોમાંથી થતી માછલીની નિકાસનો 60% કરતાં વધારે ખરીદદાર હતો. પરંતુ કોરોના બાદ માછલીની ખરીદી અને ચાઇનાના વેપારીઓની ખરીદ શક્તિ ઘટી છે. જેને કારણે નિકાસમાં થોડે ઘણે અંશે ઘટાડો આવ્યો છે. એક સામાન્ય અંદાજ મુજબ પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષે વેરાવળ બંદર પરથી થતી માછલીની નિકાસમાં 10% જેટલો ઘટાડો આવ્યો છે. જેને કારણે બજાર ભાવો દબાયા છે.

પાછલા વર્ષોની સરખામણીએ માછલીની નિકાસમાં આ વર્ષે થોડો ઘણો ઘટાડો આવી શકે છે. (ETV BHARAT GUJARAT)

ખરીદ શક્તિ ઘટતા ભાવોમાં ઘટાડો: ચાઇના સહિત ઉત્તર-પૂર્વ અને અમેરિકા તેમજ યુરોપના દેશોમાં મોટા ઉદ્યોગકારો અને સામાન્ય લોકોની ખરીદારી ઘટવાને કારણે આજે આતરરાષ્ટ્રીય બજાર ભાવોમાં થોડો ઘટાડો નોંધાયો છે. આજથી 4 વર્ષ પૂર્વે જે માછલી વિદેશમાં 5 ડોલરની આસપાસ ખરીદાતી હતી. તે આજે ત્રણથી સાડા ત્રણ ડોલરે પહોંચી છે. જેની સીધી અસર નિકાસ થતી માછલીના બજાર ભાવો પર પણ જોવા મળી રહી છે. જેને હાઈ વેલ્યુવાળી માછલી માનવામાં આવે છે, તેવી લોબસ્ટર, પ્રોમ્ફેટ કિંગફિશ સહિત માછલીઓની ચાઇના સહિત અમેરિકા, યુરોપ અને મધ્ય-પૂર્વના દેશોમાં ખૂબ મોટી માંગ હતી. પરંતુ આજે ધીમે ધીમે તેમાં ઘટાડો થયો છે. જેથી નિકાસકારોને જે આંતરરાષ્ટ્રીય હૂંડિયામણ મળવું જોઈએ, તેમાં ઘટાડો જોવા મળ્યો છે.

પાછલા વર્ષોની સરખામણીએ માછલીની નિકાસમાં આ વર્ષે થોડો ઘણો ઘટાડો આવી શકે છે. (ETV BHARAT GUJARAT)

હાઇ વેલ્યુ માછલીની સ્થાનિક માંગ વધી: વેરાવળ બંદર પરથી નિકાસ થતી અને અહીં ખૂબ મોટા પ્રમાણમાં માછીમારીની સિઝન દરમિયાન આવતી હાઈ વેલ્યુ માછલી જેમાં સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતી પ્રોમ્ફેટ માછલીની માંગ સ્થાનિક બજારોમાં વધી છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રોમ્ફેટની માંગ સૌથી વધારે હતી, ત્યારે સ્થાનિક બજારમાં માંગમાં ઘટાડો જોવા મળતો હતો. પરંતુ હવે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં થોડો ઘટાડવા આવ્યો છે. તો તેની સામે સ્થાનિક બજારોમાં પ્રોમ્ફેટની માંગ વધી છે. જેથી આંતરરાષ્ટ્રીય હૂંડિયામણને થોડે ઘણી અંશે સ્થાનિક બજાર સરભર કરી રહ્યું છે.

પાછલા વર્ષોની સરખામણીએ માછલીની નિકાસમાં આ વર્ષે થોડો ઘણો ઘટાડો આવી શકે છે. (ETV BHARAT GUJARAT)

નિકાસમાં એક્વા કલ્ચરની બોલબાલા: આજથી 1 દશકા પૂર્વે જ્યારે સી ફૂડ તરીકે માછલીઓની નિકાસ થતી હતી, ત્યારે એકમાત્ર દરિયામાંથી મળી આવતી માછલીઓની નિકાસ થતી હતી. પરંતુ હવે ધીમે ધીમે એક્વા કલ્ચર ફિશિંગ આગળ વધી રહ્યું છે. જે સી ફૂડની સરખામણીએ નિકાસમાં સૌથી મોટો હિસ્સો ધરાવતુ થયું છે. જેના થકી 66 હજાર કરોડ રૂપિયાની રેવન્યુ એક્વા કલ્ચર દ્વારા ઉત્પાદિત માછલીની નિકાસ થકી માછીમાર ઉદ્યોગકારોની સાથે ભારત સરકારને મળી રહ્યું છે. સી ફૂડ માટે વેસ્ટ ઝોનના ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા અને કેરળના દરિયાઈ વિસ્તારમાં મળતી માછલી વિદેશમાં સૌથી વધારે મગાવવામાં આવે છે, તો બીજી તરફ ભારતના વેસ્ટ પાર્ટમાં થતી એક્વા કલ્ચર પદ્ધતિમાં ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાંથી ઉત્પાદન થયેલી માછલીની નિકાસ આજે સૌથી વધુ એટલે કે 70%ની આસપાસ જોવા મળે છે. જે ભારતમાં એક્વા કલ્ચર માછીમારી ઉદ્યોગને પ્રોત્સાહિત કરી રહ્યું છે.

પાછલા વર્ષોની સરખામણીએ માછલીની નિકાસમાં આ વર્ષે થોડો ઘણો ઘટાડો આવી શકે છે. (ETV BHARAT GUJARAT)

આંતરરાષ્ટ્રીય હુડીયામણમાં ઘટાડો: આંતરરાષ્ટ્રીય મંદી વૈશ્વિક માંગમાં ઘટાડો યુરોપના દેશોમાં ચાલી રહેલું યુદ્ધ અને લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો થવાની સાથે માછલીની નિકાસથી થકી થતા આંતરરાષ્ટ્રીય હૂંડિયામણમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. 70 હજાર કરોડની આસપાસ મળતા આંતરરાષ્ટ્રીય હૂંડિયામણમાં આ વર્ષે ઘટાડો થાય, તેવી શક્યતાઓ છે. જેની પાછળ સૌરાષ્ટ્રના બંદર પરથી ચાઇના, યુરોપ અને ઉત્તર પૂર્વના દેશોની સાથે યુરોપમાં મોકલવામાં આવતી માછલી જે પહેલા 30 થી 35 દિવસે દરિયાઈ માર્ગે પહોંચતી હતી. જેમાં હવે 20 થી 25 દિવસનો વધારો થયો છે. જેને કારણે માછલીઓને જે તે દેશ સુધી પહોંચાડવા પાછળનો ખર્ચ પણ વધી રહ્યો છે. જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે ખર્ચને સરભર કરવા માટે માછલીઓના બજાર ભાવ ઘટી રહ્યા છે. જેની વિપરીત અસર વિદેશી હૂંડિયામણ પર પણ પડી રહી છે.

પાછલા વર્ષોની સરખામણીએ માછલીની નિકાસમાં આ વર્ષે થોડો ઘણો ઘટાડો આવી શકે છે. (ETV BHARAT GUJARAT)

પાછલા 3 વર્ષ દરમિયાન નિકાસના આંકડા:પાછલા 3 વર્ષની નિકાસના આંકડા પર નજર કરીએ, તો વર્ષ 2021થી2022માં 13692604 મેટ્રિક ટન માછલીની નિકાસ કરાઈ હતી જેમાંથી 5758684 કરોડની આવક નિકાસ દ્વારા પ્રાપ્ત થઈ હતી. તેવી જ રીતે વર્ષ 2022થી 2023માં 1735286 મેટ્રિક ટન માછલી નિકાસ કરવામાં આવી હતી. જેમાંથી 63969.14 કરોડની આવક થઈ હતી. તે જ રીતે અંતિમ વર્ષ એટલે કે, વર્ષ 2023થી 2024માં 1781602 મેટ્રિક ટન માછલીની નિકાસ કરાઈ હતી. જેમાંથી 60523.89 કરોડની રેવન્યુ નિકાસકારોને પ્રાપ્ત થઈ હતી. પ્રતિ વર્ષ કરવામાં આવેલી ભારતીય માછલીની નિકાસ અને તેના દ્વારા પ્રાપ્ત થયેલ વિદેશી હૂંડિયામણ ની તમામ વિગતો પી.આઈ.બી અને ફિશરીઝ કમિશનર ગાધીનગર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. લોક બોલીમાં ગવાતા લગ્નમાં ગવાતા ફટાણા, આજે આધુનિક સમયમાં અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે
  2. મિત્રની શિખામણે બદલી જિંદગી! જુનાગઢનો 'મંકી મેન' લગ્ન પ્રસંગોમાં લોકોનું કરે છે આ રીતે મનોરંજન

ABOUT THE AUTHOR

...view details